જમ્મુ અને કાશ્મીરમાં ઇદનો જલ્સોઃ હિંસાની એક પણ ઘટના નહીં

Wednesday 14th August 2019 08:10 EDT
 
 

શ્રીનગરઃ અશાંતિ, તોફાન, ગોળીબારની લગાતાર અફવાઓ વચ્ચે સોમવારે સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં ઇદનો તહેવાર શાંતિપૂર્ણ રીતે મનાવાયો હતો. કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ જળવાઇ રહેતા પોલીસ અને સુરક્ષા દળોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યમાં નમાઝ દરમિયાન પ્રતિબંધોમાં થોડીક છૂટ આપવામાં આવી હતી. પ્રશાસને કોઈ પણ પ્રકારનો અપ્રિય બનાવ ટાળવા અલગ અલગ વિસ્તારોની સ્થાનિક મસ્જિદોમાં ઇદની નમાઝની છૂટ આપી હતી. જોકે ખીણની મોટી મસ્જિદોમાં વધારે લોકોના એકત્ર થવાની મંજૂરી આપી નહોતી.
લોખંડી સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને નમાઝ પઢી હતી. સમગ્ર ખીણ વિસ્તારમાં પણ શાંતિપૂર્ણ રીતે ઇદની નમાઝ પૂરી થઈ હતી. હિંસા કે અપ્રિય ઘટનાની એક પણ ખબર મળી નહોતી. અધિકારીઓએ જુદી જુદી મસ્જિદોમાં મીઠાઈઓ વહેંચી હતી.
ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વિટ કરીને કહ્યું કે અનંતનાગ, બારામુલા, બડગામ, બાંદીપોરા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ઇદની નમાઝ અદા કરાઈ હતી. જમ્મુના ઇદગાહમાં ૪૫૦૦ જેટલા લોકોએ નમાઝ અદા કરી હતી. ઇદની ઉજવણી બાદ રાજ્યના મુખ્ય સચિવ રોહિત કંસલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
કંસલે કહ્યું કે જિલ્લા અને સ્થાનિક પ્રશાસને મૌલવીઓ અને લોકો સાથે મુલાકાત કરી હતી જેના ફળસ્વરૂપે ઇદ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો. રાજ્યમાં ગોળીબારની એક પણ ઘટના બની નથી. રાજ્યના ૨૦ હજાર વિદ્યાર્થીઓએ પણ ઇદ મનાવી હતી. કંસલે લોકોને અફવા પર ધ્યાન ન આપવાની પણ અપીલ કરી.
કાશ્મીરના આઇજીપી એસપી પાણિએ કહ્યું કે સ્થાનિક સ્તરે બનેલી કેટલીક મામૂલી ઘટનાઓમાં થોડા લોકો ઘાયલ થયા હતા પરંતુ તેને કડક હાથે ડામી દેવામાં આવી હતી.
શ્રીનગર અને શોપિયાની મોટી મસ્જિદોમાં ૧૦,૦૦૦ લોકોએ નમાઝ અદા કરી હતી. અનંતનાગ, બારામુલા, બડગામ, બાંદીપોરના નિવાસીઓએ નમાઝ કરીને મીઠાઈ વહેંચી હતી. કોઈ અપ્રિય ઘટના ન બનતા તંત્રે હાશકારો અનુભવ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter