નવી દિલ્હીઃ દિલ્હીનાં પ્રગતિ મેદાનમાં ચાલી રહેલા ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2023માં રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ જિયો સ્પેસ ફાઈબર ટેકનોલોજીને લોન્ચ કરી હતી. જિયો દ્વારા 27 ઓક્ટોબરે લોન્ચ કરાયેલી આ સેવા સેટેલાઈટ આધારિત પહેલી ઈન્ટરનેટ સર્વિસ છે જેમાં સ્પેસ ફાઈબર ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. આ ટેકનોલોજીથી સેટેલાઈટનાં આધારે દેશનાં દૂરનાં વિસ્તારોમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા પૂરી પડાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોબાઈલ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યા બાદ જિયો ઈન્ફોકોમનાં સ્ટોલની મુલાકાત લીધી હતી, જ્યાં આકાશ અંબાણીએ જિયો ફાઈબર સ્પેસ, સ્પેસ ફાઈબર સહિત અન્ય ટેકનોલોજીની માહિતી આપી હતી. જિયો ભારત ડિવાઈસને પણ ડીસ્પ્લે કરાયા હતા.
જિયો સ્પેસ ફાઈબર એ સેટેલાઈટ આધારિત ગીગા ફાઈબર ટેકનોલોજી છે જે દેશના દુર્ગમ વિસ્તારોને ઈન્ટરનેટથી જોડશે. જ્યાં ફાઈબર કેબલ દ્વારા બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મળતી નથી ત્યાં આ ટેકનોલોજી પહોંચશે. જિયો સ્પેસ ફાઈબરને આખા દેશમાં સસ્તા દરે પૂરી પડાશે.