નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ બેન્ક ફ્રોડના એક કેસમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને અન્ય પાંચની સામે મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ આ કેસમાં કુલ રૂ. 538 કરોડની કિંમતની સંપત્તિ જપ્ત કરી છે. આ અગાઉ ઈડીએ 31 ઓક્ટોબરના રોજ નરેશ ગોયલ સહિત અન્ય આરોપીઓ સામે આરોપનામું દાખલ કર્યું હતું. આ કેસ કેનેરા બેન્કમાં રૂ. 538 કરોડના ફોડ સાથે જોડાયેલો છે. આ મામલે ઇડીએ નરેશ ગોયલની પહેલી સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી અને હાલમાં તે જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત મુંબઇની આર્થર રોડ જેલમાં બંધ છે.
ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જેટ એરવેઝ લિમિટેડ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઓ હેઠળ કાર્યવાહી કરાઇ છે. કાર્યવાહી દરમિયાન રૂ. 538.05 કરોડની સંપત્તિને કામચલાઉ ધોરણે જપ્ત કરાઇ છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓમાં અલગ અલગ કંપનીઓ અને વ્યક્તિઓના નામ પર લેવામાં આવેલા ફ્લેટ-બંગલા અને કોમર્શિયલ કેમ્પસનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ છે.
કંપનીઓની જાળ રચીને સંપત્તિની ખરીદી
ઇડીએ કહ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યુ હતું કે ગોયલે મુંબઇમાં ઊંચી કિંમતની સંપત્તિઓ ખરીદી હતી અને પછી તેને વેચી દીધી હતી. તેમણે ભારતમાં કંપનીઓની જાળ રચી હતી જેના માધ્યમથી સંખ્યાબંધ સ્થાવર સંપત્તિઓ ખરીદવામાં આવી હતી. એક ઓડિટ રિપોર્ટનો હવાલો આપતા ઇડીએ કહ્યું કહ્યું હે જેટ એરવેઝ દ્વારા લેવાયેલી લોનનો ઉપયોગ ફર્નિચર, વસ્ત્રો અને દાગીના જેવી સંપત્તિઓની ખરીદી માટે કરાયો હતો.