જ્ઞાનવાપી કેસમાં એએસઆઇને શિવલિંગના કાર્બન ડેટિંગને મળી મંજૂરી

Thursday 18th May 2023 14:53 EDT
 
 

પ્રયાગરાજઃ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ મામલે ઇલાહાબાદ હાઇકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઇકોર્ટે એએસઆઇ એટલે કે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણને મસ્જિદમાંથી મળેલા શિવલિંગના કાર્બન ડેટિંગની મંજૂરી આપી દીધી છે. જો કે સ્ટ્રક્ચરમાં કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખવા પણ નિર્દેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળેલા શિવલિંગનું કાર્બન ડેટિંગ કરાવવાની માગણી સાથે અરજી દાખલ કરવામાં આવી હતી, જેનો સ્વીકાર કરી એએસઆઇને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે તેમ કાર્બન ડેટિંગ માટે મંજૂરી આપી દીધી છે.

આ અરજી પર રાજ્ય સરકાર તરફથી એડવોકેટ એમ.સી. ચતુર્વેદી અને બિપીન બિહારી પાંડે દ્વારા પક્ષ રાખવામાં આવ્યો હતો, તો બીજી તરફ જ્ઞાનવાપી મસ્જિદ તરફથી એસ.એફ.એ. નકવી દ્વારા પક્ષ રાખવામાં આવ્યો હતો. હાઇકોર્ટે સરકારના અધિવક્તા મનોજકુમાર સિંહને પૂછવામાં આવ્યું હતું કે, શું શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વિના કાર્બન ડેટિંગ થઈ શકે છે. કારણ કે આ જ ટેસ્ટથી શિવલિંગની આયુ અંગે માહિતી મળી શકે છે. જે અંગે એફએસઆઇએ કહ્યું કે, ક્ષતિ પહોંચાડ્યા વિના શિવલિંગનું કાર્બન ડેટિંગ થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિનો આપ્યો છે આદેશ
જ્ઞાનવાપી પરિસરમાં કમિશન કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન 16 મે 2022એ કેમ્પસમાં કથિત શિવલિંગ મળી આવ્યું હતું, જેનું એએસઆઇ પાસે સાયન્ટિફિક સરવે કરાવવાની માગણીને લઈ જિલ્લા કોર્ટ વારાણસીમાં ભલામણ કરવામાં આવી હતી. જો કે જિલ્લા કોર્ટે અરજીને દાખલ કરતાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ રાખવાનો આદેશ કર્યો છે. આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટ કરી રહી છે. આ સ્થિતિમાં સિવિલ કોર્ટને આદેશ કરવાનો કોઈ અધિકાર નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter