ઝારખંડમાં મહિલા આઇએએસ અધિકારીને ત્યાં દરોડાઃ રૂ. ૨૫ કરોડ રોકડા મળ્યા!

Monday 09th May 2022 17:22 EDT
 
 

નવી દિલ્હી - રાંચીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઝારખંડના માઇનિંગ સેક્રેટરી પૂજા સિંઘલ અને તેમના પરિવાર સહિત અનેક સ્થળોએ દરોડા પાડયા છે, જેમાં કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ મળી છે. આ દરોડા ૨૦૦૮ થી ૨૦૧૧ દરમિયાન ખુંતિ જિલ્લામાં મનરેગાના ફંડમાંથી ૧૮ કરોડ રૂપિયાની ઉચાપત સાથે સંકળાયેલ મની લોન્ડરિંગની તપાસ હેઠળ પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન ૨૫ કરોડ રૂપિયા તો રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. રાંચીસ્થિત ચાર્ટડ એકાઉન્ટન્ટની ઓફિસમાંથી ૧૭ કરોડ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલ રોકડ રકમ ગણવા માટે ઇડીના અધિકારીઓને ચલણી નોટો ગણવાના મશીન મંગાવવા પડયા હતાં. આ રોકડ ચલણી નોટોનું પ્રમાણ એટલું વધારે હતું કે નોટો ગણવાના મશીન પણ ગરમ થઇ ગયા હતાં.
વિવિધ રાજ્યોમાં 18 સ્થળે દરોડા
રાંચીના અન્ય સ્થળોએથી પણ રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. ઇડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, પંજાબ અને અન્ય કેટલાક રાજ્યોમાં કુલ ૧૮ પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા છે.
આઇએએસ અધિકારી અને ઝારખંડ સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માઇન્સ અને જીઓલોજી વિભાગના સેક્રેટરીના ઝારખંડના પાટનગરમાં આવેલા પરિસરોમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં. સિંઘલ વર્ષ ૨૦૦૦ની બેન્ચના આઇએએસ અધિકારી છે અને અગાઉ તેમની ખુંતિ જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રાંચીમાં આ સંદર્ભમાં એક હોસ્પિટલમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન ઇડીના અધિકારીઓ સાથે સીઆરપીએફની ટીમ પણ હતી.
વરિષ્ઠ નેતાઓની સંડોવણી
ઈડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર દરોડા દરમિયાન ગેરકાયદે માઇનિંગ સાથે નેતાઓ અને અધિકારીઓના સંબંધો દર્શાવતા કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસના સંદર્ભ ૧૭ જૂન ૨૦૨૦ના રોજ ઇડીએ ઝારખંડ સરાકરના પૂર્વ જૂનિયર એન્જિનિયર રામ બિનોદ પ્રસાદ સિંહાની ધરપકડ કરી હતી. ઝારખંડ વિજિલન્સ બ્યુરોએ સિંહા વિરુદ્ધ 16 એફઆઈઆર અને ચાર્જશીટ દાખલ કરી હતી. એક એપ્રિલ 2008થી 21 માર્ચ 2011 સુધી જુનિયર એન્જિનિયર તરીકે કાર્યરત સિંહા સામે આઈપીસી ક્રિમિનલ જોગવાઈઓ હેઠળકેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેની વિરુદ્ધ બિન જામિન પાત્ર વોરન્ટ જાહેર કરતા પશ્ચિમ બંગાળમાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter