તારક મહેતા...ની ‘રોશન’નો આરોપઃ આસિત મોદીએ જાતીય શોષણ કર્યું

Wednesday 17th May 2023 07:00 EDT
 
 

લોકપ્રિય ટીવી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ તેની સ્ટારકાસ્ટ અંગે અવારનવાર ચર્ચામાં રહે છે. છેલ્લાં 15 વર્ષથી આ સિરીયલમાં રોશન કૌર સોઢીનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે આ સિરીયલ છોડી દીધી છે. સાથે સાથે જ તેણે નિર્માતા આસિતકુમાર મોદી તથા પ્રોડક્શન હાઉસની અન્ય બે વ્યક્તિઓ પર જાતીય શોષણ અને માનસિક સતામણીનો આક્ષેપ કર્યો છે. જેનિફરે પ્રોડક્શન હેડ સોહેલ રમાણી અને કાર્યકારી નિર્માતા જતિન બજાજ વિરુદ્ધ પણ કેસ પણ નોંધાવ્યો છે.
જેનિફરે આક્ષેપ કર્યો છે કે રમાણી અને તેમના આસિસ્ટન્ટે સાત માર્ચનાં રોજ તેનું અપમાન કરીને તેને સેટ છોડીને જતાં રહેવાં જણાવ્યું હતું. ત્યારબાદ નિર્માતાએ તેને નોટિસ મોકલીને જણાવ્યું હતું કે સેટ પર તેની ગેરહાજરીને કારણે તેમને નુકસાન થઈ રહ્યું છે. આ પછી જેનિફરે પોતાના વકીલ મારફતે કંપનીને કાનૂની નોટિસ આપી હતી. જેનિફરે એક અખબારને જણાવ્યું હતું કે, ‘નિર્માતાએ અનેક વાર મારા અંગે જાતીય ટિપ્પણી કરી હતી. શરૂઆતમાં ભયના માર્યા મેં કંઇ કહ્યું નહીં. તેઓ મને તેમનાં રૂમમાં આવવા જણાવતા હતા. મને ખબર છે કે તેઓ બહુ પાવરફુલ છે પણ હવે હું લડવા માટે તૈયાર છું. મને કેસ પાછો ખેંચવા કોલ આવી રહ્યા છે. આટલાં વર્ષોમાં આ ત્રણેય વ્યક્તિઓએ અનેક વાર મારી માનસિક સતામણી કરી છે. તેઓ દરેક કલાકારને ગુલામની જેમ ટ્રીટ કરે છે.’
બીજી બાજુ, આસિતકુમાર મોદીની ટીમે જણાવ્યું હતું કે, તેઓ આ આક્ષેપોનો કાનૂની જવાબ આપશે. પ્રોડક્શન હેડ સોહિલ રમાણીએ આક્ષેપોનો રદિયો આપતા જણાવ્યું હતું કે, ‘અમારી પાસે અભિનેત્રી વિરુદ્ધ પુરાવા છે. આ બધું તેણે ચીપ પબ્લિસિટી માટે કર્યું છે. અમે તેની સામે પગલાં લીધાં પછી જ તેણે અમારી વિરુદ્ધ આક્ષેપો કર્યા છે.’ સોની સબ પર જાણીતી સિરીયલમાં થોડાં સમય પહેલાં તારક મહેતાની ભૂમિકા ભજવનાર શૈલેષ લોઢાએ સિરીયલ છોડી ત્યારે પણ ભારે વિવાદ સર્જાયો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter