દિલીપ સા’બ જ બાળક જેવા નિર્દોષ - નટખટઃ સાયરાબાનો

Wednesday 14th July 2021 03:30 EDT
 
 

‘હું તો દિલીપ સા'બના ચરણની રજ પણ નથી.’ આ શબ્દો છે સાયરાબાનોના. દિલીપકુમાર અને સાયરાબાનોના લગ્ન ૧૧ ઓક્ટોબર, ૧૯૬૬ના રોજ થયા હતા. ફિલ્મ દુનિયાએ પણ સાયરાબાનોએ જે રીતે દિલીપ કુમારની દાયકાઓથી બીમારી હતી છતાં સતત ખડેપગે કરેલી સેવાની નોંધ લીધી છે.
હું તો કંઈ જ નથીઃ સાયરાબાનોને તેમના પત્નીવ્રત બાબત બિરદાવતી જ્યારે પણ કોમેન્ટ થઇ છે ત્યારે તેમણે સહજતાથી એટલું જ કહ્યું છે કે ‘મને ખબર જ નથી હું શું વિશેષ કરી રહી છું. દિલીપ સા’બે તો મને તેમની જીવનસાથી તરીકે પસંદ કરીને મારા પર જે કૃપાદ્રષ્ટિ કર છે અને મને ભરપૂર પ્રેમ આપ્યો છે તેની વિસાતમાં હું તો કંઈ જ નથી... વક્ત કૈસે ગુજરા પતા હી નહીં ચલા.’
‘તમને કોઈ સંતાન નહીં હોવાનો રંજ નથી?’ તેવો પ્રશ્ન એક વખત સાયરાબાનોને પૂછાતાં તેમણે મજાનો ઉત્તર આપ્યો હતો કે 'મને ક્યારેય બાળકની ખોટ સાલી જ નથી કેમ કે સા’બ જ બાળક જેવા નિર્દોષ અને નટખટ છે.'
૧૨ વર્ષની વયે જ ક્રેઝઃ સાયરાબાનો કહે છે કે ‘૧૨ વર્ષની વયે જ મને બાળસહજ એટલી ખબર પડવા માંડી હતી કે દરેક છોકરીનો કોઈ જીવનસાથી હોય. તેમની વય કે ફિલ્મ જગતમાં સ્થાન જેવું કંઈ જ વિચાર્યા વગર મેં તે વયે જ મક્કમ નિર્ધાર કર્યો હતો કે લગ્ન તો દિલીપ સા’બ જોડે જ કરીશ. હું ખૂબ જ જીદ્દી છું અને ઈચ્છું તે મેળવીને જ રહું છું. સંજોગો પણ એવા નિર્માણ પામતા ગયા કે અંતે એ સમય આવી ગયો કે હું દિલીપ સા'બની જીવનસંગીની બની.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter