નવી દિલ્હીઃ બહુચર્ચિત નેશનલ હેરાલ્ડ કેસ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની મંગળવારે બીજા તબક્કાની પૂછપરછ કરી હતી. સોનિયા ગાંધીની આશરે છ કલાક પૂછપરછ ચાલી હતી. સૂત્રો પ્રમાણે ઈડીએ સોનિયા ગાંધીને ફરી પૂછપરછ માટે બોલાવ્યા છે. ઈડીએ બે વખતની પૂછપરછમાં સોનિયા ગાંધીને આશરે 55 જેટલા સવાલો પૂછ્યા હોવાના અહેવાલ છે.
આ પહેલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સવારે 11 કલાકે પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાની સાથે તપાસ એજન્સીના કાર્યાલય પહોંચ્યા હતા. થોડા સમય બાદ ઈડીના અધિકારીઓએ સોનિયા ગાંધીની પૂછપરછ શરૂ કરી, તો રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા પાર્ટી નેતાઓ સાથે સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચનું નેતૃત્વ કર્યું. આ પહેલા રાહુલ ગાંધીની પણ ઈડીએ પૂછપરછ કરી છે.