મુંબઈઃ મુંબઈનાં બહુચર્ચિત પતરા ચાલ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ શિવસેનાના ટોચના નેતા અને સંસદ સભ્ય સંજય રાઉતની ધરપકડ કરી છે. સોમવારે રાઉતને PMLA કોર્ટમાં રજૂ કરાતા ચોથી ઓગસ્ટ સુધી તેમના રિમાન્ડ મંજૂર કરાયા છે. આમ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ (PMLA) કોર્ટ દ્વારા તેમને કોઈ રાહત મળી નહોતી. ઈડીએ રિમાન્ડ માગતા કોર્ટમાં કહ્યું હતું કે રાઉતને અગાઉ 3 વખત સમન્સ બજાવાયાં હતાં આમ છતાં તેઓ હાજર થયા ન હતા. આ કેસમાં તેમણે પુરાવા સાથે ચેડાં કર્યાનો ઈડીએ આક્ષેપ કર્યો હતો.
ઈડીની દલીલ હતી કે, તપાસમાં જાણવા મળ્યું છે તે અનુસાર રાઉતને મળેલા રૂ. 1.6 કરોડમાંથી અલીબાગમાં જમીન ખરીદાઈ છે. એક ફ્લેટ સપના પાટકરના નામે ખરીદાયો હતો. પ્રવીણ રાઉતે સંજય રાઉતનાં ફ્રન્ટમેન તરીકે કામ કર્યું હતું. તેમને પતરા ચાલના FSI ગોટાળા દ્વારા કમાણી અને મની લોન્ડરિંગ તેમજ અન્ય મુદ્દા પુછાયા હતા. તેમના ઘરમાંથી રૂ. 11.5 લાખની રોકડ મળી હતી. અલીબાગ અને દાદરનાં ફ્લેટ અંગે નાણાકીય વ્યવહારો તેમજ પૈસા પરત કરવા અંગે પ્રશ્નો પૂછાયા હતા. રાઉત સહકાર આપ્યા વિના કહ્યું હતું કે મને કશું યાદ નથી.
શું છે પતરાચાલ કૌભાંડ?
મુંબઈના ગોરેગાંવમાં આવેલી પતરા ચાલનાં રિડેવલપમેન્ટ માટે કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ ચાલની જમીન MAHADAની હતી. ઈડીનાં આરોપ મુજબ પતરા ચાલને રિડેવલપ કરવા પ્રવિણ રાઉતની કંપની ગુરુ આશિષને કામ આપવામાં આવ્યું હતું. આ ચાલને રિડેવલપ કર્યા વિના તેની જમીન પ્રાઈવેટ પાર્ટીઓને વેચવામાં આવી હતી. ચાલમાં રહેતા લોકોને નવા મકાનો બનાવી આપ્યા વિના ચાલની જમીન પર કેટલાક રાજકારણીઓએ કબજો જમાવ્યો હતો. સંજય રાઉતનાં ભાઈ પ્રવીણ રાઉતની સંડોવણી હોવાનું મનાય છે. કૌભાંડની રકમ સંજય રાઉત અને તેમની પત્ની તથા નિકટનાં નામે સગેવગે કરીને મની લોન્ડરિંગનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.