બિલડેસ્ક ૪.૭ બિલિયન ડોલરમાં વેચાઇઃ ત્રણ ભારતીય સ્થાપકોને રૂ. ૧૦,૫૦૦ કરોડ મળશે

Saturday 11th September 2021 04:40 EDT
 
 

નવી દિલ્હીઃ વૈશ્વિક કન્ઝ્યુમર ઇન્ટરનેટ જૂથ પ્રોસેસ એનવીએ ભારતીય ડિજિટલ પેમેન્ટ પ્રોવાઇડર બિલડેસ્કને ૪.૭ બિલિયન ડોલર (આશરે ૩૪,૩૭૬.૨ કરોડ રૂપિયા)માં ખરીદવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને પગલે બિલડેસ્કના ત્રણ ભારતીય સ્થાપકો એમ.એન. શ્રીનિવાસુ, કાર્તિક ગણપતિ અને અજય કૌશલ ત્રણેયને ૩૫૦૦-૩૫૦૦ કરોડ રૂપિયા મળશે. આ ત્રણેય પાસે કંપનીનો ૩૧ ટકા શેરહિસ્સો છે.
આ ત્રણેય અમેરિકાસ્થિત એકાઉન્ટિંગ કંપની આર્થર એન્ડર્સનમાં નોકરી કરતી વખતે મળ્યા હતાં. ત્રણેયે ભેગા મળીને સ્વતંત્ર બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યુ. આ માટે ત્રણેયે કોઇ ચોક્કસ આયોજન વગર તગડા પગારવાળી નોકરી છોડી દીધી હતી.
આઇઆઇએમમાંથી ગ્રેજયુએટ ત્રણેયને એવા સમયે ફિનટેક (ફાઇનાન્સ-ટેક્નોલોજી) કંપની શરૂ કરવાનો વિચાર આવ્યો જ્યારે વિશ્વમાં ફિનટેક શબ્દ ખાસ જાણીતો નહોતો. ડિજિટલ પેમેન્ટનો ખાસ વપરાશ નહોતો અને ત્યારે ભારતમાં માત્ર ૫૦ હજાર લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા.
શ્રીનીવાસુએ જણાવ્યું હતું કે અમે ટિપિકલ યુવા સ્ટાર્ટઅપ ફાઉન્ડરથી અલગ છીએ. કૌશલ અને હું ૫૩ વર્ષના થઇ ગયા છે જ્યારે ગણપતિ ૫૦ વર્ષનો છે. વર્ષ ૨૦૦૦માં અમે આ ક્ષેત્રે શરૂઆત કરી ત્યારે લાગતું હતું કે ફાઇનાન્સ અને ટેકનોલોજીની કંપની શરૂ કરવાથી ભવિષ્યમાં મોટો લાભ થશે. અને ખરેખર એવું જ થયું. આજે ભારતમાં થતાં ઓનલાઇન ટ્રાન્ઝેકશન પૈકી ૬૦ ટકા બે દાયકા જૂની બિલડેસ્ક મારફતે થાય છે.

તાજેતરમાં જ પ્રોસેસ એનવીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પે-યુ અને ભારતીય ડિજિટલ પેમેન્ટ પ્રોવાઇડર બિલડેસ્કના શેરધારકો વચ્ચે ૪.૭ બિલિયન ડોલરમાં આ સમજૂતી થઇ છે. આ નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે સૂચિત ટેઇકઓવરથી પ્રોસેસના પેમેન્ટ અને ફિનટેક બિઝનેસ પે-યુ વિશ્વસ્તરે અગ્રણી ઓનલાઇન પેમેન્ટ પ્રોવાઇડરમાં સ્થાન મેળવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter