બ્રિટનની કેઇર્ન એનર્જીએ ભારતની ૧ બિલિયન ડોલરની ઓફર સ્વિકારી

Tuesday 07th September 2021 17:08 EDT
 
 

નવી દિલ્લીઃ બ્રિટનની કેઇર્ન એનર્જીએ અમેરિકામાં ભારતીય સંપત્તિ જપ્ત કરવા સંબંધિત કેસો પાછા ખેંચવાની જાહેરાત કરી છે. ભારત સરકારે પાછલી અસરથી ટેક્સનો કાયદો નાબૂદ કરવાની જાહેરાત કર્યા બાદ કેઇર્ન એનર્જીએ ભારત સરકારની ૧ બિલિયન ડોલરની ઓફર સ્વીકારી છે. કંપનીએ કહ્યું હતું કે, ૧ બિલિયન ડોલરનું રિફંડ મેળવ્યા બાદ કેસ પરત ખેંચશે.

કંપનીએ ૨૦૧૨ ની નીતિને રદ કરવાના ભારત સરકારના નિર્ણયને સાહસિક પગલું ગણાવ્યું હતું. ભારત સરકારની ટેક્સ સંબંધીત ૨૦૧૨ ની નીતિ ગયા મહિને કાયદા દ્વારા રદ કરવામાં આવી હતી. આ કાયદા હેઠળ, જે કંપનીની માલિકીનું વિદેશમાં પરિવર્તન થયું છે, પરંતુ વ્યવસાયિક સંપત્તિ ભારતમાં છે. તે કંપની પાસેથી આવકવેરા વિભાગને ૫૦ વર્ષ સુધીના કેપિટલ ગેઇન ટેક્સ વસૂલવાની સત્તા આપવામાં આવી હતી. જેમાં કેઈર્નનું નામ મોખરે છે.કેઈર્ન એનર્જીના સીઇઓ સિમોન થોમસને કહ્યું હતું કે, અમે તમામ કેસો પાછી ખેંચવાની અને ટેક્સની જપ્ત કરેલી રકમ પરત મેળવવાની ઓફર સ્વીકારીએ છીએ. રિફંડ મળ્યા બાદ પેરિસ સ્થિત ભારત સરકાર માલિકીના એપાર્ટમેન્ટ્સ અને યુએસમાં એર ઇન્ડિયાના વિમાનો જપ્ત કરવાના કેસો પરત લેશે. તેમણે એમ પણ કહ્યું કે કેઈર્ન એનર્જીના શેરધારકો પણ ઓફર સ્વીકારવાની તરફેણમાં છે. અમે આગળ વધવાની તરફેણમાં છીએ.
વિદેશી રોકાણકારો સામે ભારતની છબી સુધારવા માટે ભારત સરકારે ગયા મહિને વોડાફોન, સનોફી, કેઇર્ન અને સબમિલર વગેરે જેવી ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ સામે ૧.૧ લાખ કરોડ રૂપિયાના ટેક્સની માંગણી ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. જો આ કંપનીઓ ભારત સામેના કેસો પરત ખેંચવા સહમત થાય તો ટેક્સ રદ કરવાની જોગવાઈ હેઠળ તેમની પાસેથી ટેક્સ પેટે લીધેલા ૮,૧૦૦ કરોડ રૂપિયા પરત કરવામાં આવશે. જેમાં વ્યાજ અને દંડનો સમાવેશ થાય છે. જે પૈકીના ૭,૯૦૦ કરોડ રૂપિયા માત્ર કેઇર્ન એર્નજીના ટેક્સના છે. કંપનીએ કહ્યું હતું કે એકવાર અંતિમ સમાધાન થઈ જાય પછી અમે થોડા દિવસમાં તમામ કેસ પાછા ખેંચી લઈશું.કંપનીએ તેના અર્ધવાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે તે ભારત સરકાર પાસેથી ખાસ ડિવિડન્ડ અથવા બાયબેક મારફતે ૭,૯૦૦ કરોડ રૂપિયા અથવા ૧.૦૬ બિલીયન ડોલરમાંથી શેરધારકોને ૭૦૦ મિલિયન ડોલર પરત કરાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter