નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ પહેલીવાર સત્તાધારી ભાજપ પર હુમલો કરતાં કહ્યું હતું કે ભાજપના નેતાઓ હિન્દુ નથી. કારણ કે તેઓ હિંસા અને નફરત ફેલાવે છે. તેમણે ભાજપ પર હિંસા, નફરત અને ડર ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. રાહુલે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતાં કહ્યું કે ‘હિન્દુ ક્યારેય હિંસા ન કરી શકે, ક્યારેય નફરત અને ડર ન ફેલાવી શકે.’
રાહુલના નિવેદન પર લોકસભામાં સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરો વિરોધ નોંધાવ્યો. વડાપ્રધાને કહ્યું, આ મુદ્દો ખૂબ ગંભીર છે. સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવો ખૂબ ગંભીર વિષય છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પોતાને હિન્દુ કહેવામાં ગર્વ અનુભવતા કરોડો લોકોની ભાવનાઓને રાહુલનાં નિવેદનથી દુઃખ પહોંચ્યું છે. વિપક્ષના નેતા ગૃહ અને દેશથી માફી માંગે.