અમદાવાદ: બુલિયન માર્કેટમાં ફરી તોફાની તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદી સર્વોચ્ચ સપાટી નજીક પહોંચ્યા છે જેના પરિણામે ભારતીય બજારમાં નવી ટોચ બની છે. અમદાવાદ ખાતે મંગળવારે ચાંદીનો (એમસીએક્સ) ભાવ રૂ. 547ના નજીવા ઘટાડા સાથે રૂ. 94,700ની સપાટીએ અટક્યો હતો જ્યારે સોનું (એમસીએક્સ) રૂ. 74,000ની સપાટીએ અટક્યું હતું. અમેરિકાના હાઉસિંગ ડેટા જાહેર થવાના હોવાથી બજારની તેના પર નજર હતી. સાથોસાથ ઇરાનના પ્રમુખ ઇબ્રાહીમ રઈસીના અકસ્માતના મૃત્યુ બાદ વૈશ્વિક સ્તરે જીયો- પોલિટિકલ અસ્થિરતા પર સોના અને ચાંદીના ભાવની નજર રહેશે. બુલિયન એનાલિસ્ટોનું માનવું છે કે, અમેરિકાના હાઉસિંગના ડેટા નબળા આવશે તો અમેરિકન ફેડરલ રિઝર્વ પર વ્યાજદરમાં ઘટાડો કરવાનું દબાણ વધશે. અમેરિકન ફેડરલના ચેરમેનના નિવેદનોને કારણે બુલિયન માર્કેટમાં તેજી આવી હતી.