ભારતમાં 5Gને લીલી ઝંડીઃ 10 ગણી વધશે ઇન્ટરનેટ સ્પીડ

Friday 17th June 2022 09:21 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત સરકારે દેશમાં ઇન્ટરનેટની સ્પીડને વધારતો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે 5G સ્પેક્ટ્રમની હરાજી પર મોહર મારી દીધી છે. આમ આગામી મહિનાઓમાં ભારતમાં પણ 5G ઇન્ટરનેટ સ્પીડ મળશે. નિષ્ણાતોના મતે ભારતમાં 5G આવવાથી હવે હાલ જે 4G છે તેના કરતા 10 ગણી વધુ સ્પીડ મળશે. ટેલિકોમ કંપનીઓ પણ લાંબા સમયથી 5G સ્પેક્ટ્રમની હરાજીની રાહ જોઇ રહી હતી.
ભારત સરકાર દ્વારા જણાવાયું છે કે 5G સર્વિસને ટૂંક સમયમાં રોલઆઉટ કરવામાં આવશે અને 72 ગીગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમની હરાજી 20 વર્ષ માટે કરાશે. હાલ ભારતમાં 5G નેટવર્ક છે. જોકે તેમ છતાં અન્ય દેશોની સરખામણીએ સ્પીડ ઘણી જ ઓછી છે. એવામાં હવે 5G આવી જવાથી વધુ સ્પીડવાળા ઇન્ટરનેટનો ઉપયોગ થઇ શકશે. એક્સપર્ટનું કહેવું છે કે 5G મદદથી યૂઝર્સ માત્ર કેટલીક સેકંડમાં જ ફુલ એચડી મૂવી ડાઉનલોડ કરી શકશે. જ્યારે અપલોડ સ્પીડની વાત કરીએ તો 5G નેટવર્ક એક જીબીપીએસ સુધીની ડાઉનલોડ સ્પીડ ઉપલબ્ધ કરાવી શકશે. હાલ 4Gમાં આ સ્પીડ 50એમબીપીએસ સુધીની છે.

સરકારના મુખ્ય પ્રોજેક્ટ જેમ કે ડિજિટલ ઇંડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા વગેરે મહત્વપૂર્ણ યોજનાઓ માટે ડિજિટલ કનેક્ટિવીટી આવશ્યક છે. 2015 પછી દેશભરમાં 4G ટેક્નોલોજીનો વિસ્તાર થયો, જેનાથી ડિજિટલ કનેક્ટિવિટીમાં વધારો થયો છે. આજે ભારતમાં 80 કરોડ ગ્રાહકો બ્રોડબેન્ડ સાથે જોડાયેલા છે. આ આંકડો વર્ષ 2014માં માત્ર 10 કરોડ જ હતો. નોંધનીય છે કે 5Gની હરાજી માટે સ્પેક્ટ્રમની કિમત 4.31 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવી છે.
5G: હાઇસ્પીડ ઇન્ટરનેટ
ઇન્ટરનેટની પાંચમી જનરેશનને 5G તરીકે ઓળખવામાં આવે છે. આ એક વાયરલેસ બ્રોડબેંડ ઇન્ટરનેટ સેવા છે. જે તરંગોના માધ્યમથી હાઇસ્પીડ ઇન્ટરનેટ સેવા આપે છે. 1980ના દસકામાં વિશ્વમાં પ્રથમ જનરેશન એટલે કે 1-જી ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ થયો હતો. જેનો ઉપયોગ 1992-93 સુધી થયો હતો. જ્યારે 2-જીની શરૂઆત 1991માં થઇ હતી. બાદમાં 2001માં 3-જી અને 4-જીની શરૂઆત થઇ હતી. જ્યારે વિશ્વમાં 2010માં જ 5જીની શરૂઆત થઇ ગઇ હતી, એટલે કે ભારતમાં આ સેવાનો પ્રારંભ થવામાં 11 વર્ષ લાગ્યા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter