ભારતે દુનિયાને પોતાના સોફ્ટ પાવરની ઝલક બતાવી

Friday 15th September 2023 06:32 EDT
 
 

નવી દિલ્હીઃ જી-20 શિખર સંમેલનના આયોજન દરમિયાન ભારતે દુનિયાને સોફ્ટ પાવર દેખાડવા પ્રયાસ કર્યો હતો. તેની ઝલક ત્યારે જોવા મળી જ્યારે વડાપ્રધાન મોદીએ કોણાર્ક ચક્રની પ્રતિકૃતિ સામે ઊભા રહીને વિદેશી મહેમાનોનું સ્વાગત કર્યુ. ત્યાં ભારતની પુરાતન સંસ્કૃતિ સાથે જ આધુનિકતાનો સંગમ જોવા મળ્યો. જી-20 સંમેલન માટે ભારત મંડપમને ભારતીયતાથી રંગવામાં આવ્યો હતો. ભારત મંડપમમાં કોણાર્ક ચક્રની સાથે જ નટરાજની પ્રતિમા અને જુદી જુદી યોગ કલા દર્શાવાઇ હતી. સ્વાગત દરમિયાન મોદી વિદેશી મહેમાનોને કોણાર્ક ચક્રની મહત્તા વિશે જણાવતા દેખાયા.

કોણાર્ક ચક્ર સમયની ગતિનું પ્રતીક
કોણાર્ક ચક્ર સતત આગળ વધતા સમયની ગતિ, પ્રગતિ અને નિરંતર પરિવર્તનનું પ્રતીક છે. 13મી સદીમાં રાજા નરસિંહદેવ પ્રથમના શાસનકાળમાં તેને બનાવાયું હતું. ભારતના રાષ્ટ્રધ્વજમાં તેને સ્થાન અપાયું છે. ભારત મંડપના પ્રવેશદ્વાર પર 28 ફૂટ ઊંચી નટરાજની પ્રતિમા સ્થાપવામાં આવી છે. આ પ્રતિમા ભગવાન શિવની સર્જન અને વિનાશની શક્તિનું પ્રતીક છે. અષ્ટ ધાતુની આ પ્રતિમાને પારંપરિક ચાલ શિલ્પનો ઉપયોગ કરીને બનાવાઈ છે. સાથે જ ભારત મંડપમમાં યોગની જુદીજુદી મુદ્રાઓ દર્શાવતી પ્રતિમાઓ મૂકવામાં આવી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter