મોદીની જીતને સેન્સેક્સની સલામઃ રૂ. પાંચ લાખ કરોડનું વેલકમ

Wednesday 22nd May 2019 06:28 EDT
 
 

મુંબઇઃ એક્ઝિટ પોલમાં મોદી સરકારને સ્પષ્ટ બહુમતી મળવાના તારણ પછી સોમવારે મુંબઇ શેરબજારમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો.
ભારતીય શેરબજારોમાં સોમવારે દસકાનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. બીએસઇ સેન્સેક્સે તેના ઇતિહાસમાં બીજો સૌથી મોટો ૧૪૨૧.૯૦ પોઇન્ટ (૩.૭૫ ટકા)નો સુધારો નોંધાવ્યો છે. પરિણામે રોકાણકારોની મૂડીમાં પણ એક જ દિવસમાં વિક્રમી રૂ. ૫.૨૪ લાખ કરોડની જંગી વૃદ્ધિ થઇ છે.
એક્ઝિટ પોલના તારણ જાહેર થયા તેની હકારાત્મક અસર એટલી તીવ્ર હતી કે, સેન્સેક્સ ૮૭૦ પોઇન્ટના ઉછાળા સાથે ૩૮૭૦૧ પોઇન્ટ પર ખુલ્યો હતો અને ૧૪૮૨ પોઇન્ટના જમ્પ સાથે ૩૯૪૧૩ પોઇન્ટને સ્પર્શ્યો હતો. દિવસના અંતે ૧૪૨૧.૯૦ પોઇન્ટની ચોખ્ખી વૃદ્ધિ સાથે ૩૯૩૫.૬૭ ઉપર બંધ રહ્યો હતો. આ જ રીતે નિફ્ટી-૫૦ ૪૨૧.૧૦ પોઇન્ટ સુધરી ૧૧૮૨૮.૨૫ થયો હતો.

તો સેન્સેક્સ પહોંચશે ૪૦ હજાર પાર

શેરમાર્કેટ સાથે સંકળાયેલા નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ૨૩ મેના રોજ જાહેર થનારા પરિણામોમાં ભાજપ પોતાના બળે ૩૦૦ બેઠક જીતી જશે તો સેન્સેક્સ ૪૦,૦૦૦નો આંકડો વટાવી શકે છે.
ઘણી સર્વે એજન્સીઓએ એક્ઝિટ પોલમાં ભાજપને ૩૦૦ સુધી બેઠકો મળવાના સંકેત આપ્યા છે. કેપિટલ એમના રિસર્ચ હેડ રોમેશ તિવારી કહે છે કે જો ભાજપ ૩૦૦ બેઠક જીતશે તો હાલનો તેજીનો દોર ચાલુ રહેશે. નીતિ પણ ચાલુ રહેશે.
અન્ય એક નિષ્ણાંત મુસ્તફા નદીમ કહે છે કે ચાલુ સપ્તાહે એવી ઘટના બનવાની છે કે જે બજારની લાંબા ગાળાની દિશા નક્કી કરશે. ચૂંટણી જેવી ઘટના આગામી પાંચ વર્ષ સુધી ચાલનારું વલણ નક્કી કરે છે. મોર્ગન સ્ટેન્લીનું કહેવું છે કે જો કેન્દ્રમાં સ્થિર સરકાર આવશે તો ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં જ સેન્સેક્સ ૪૨ હજારને પાર કરશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter