યસ બેંક ગોટાળા મુદ્દે અનિલ અંબાણીને ઈડીનું સમન્સ

Wednesday 18th March 2020 06:12 EDT
 
 

નવી દિલ્હીઃ પીએમએલએ કોર્ટે યસ બેંકના સર્વેસર્વા રાણા કપૂરને ઇડીની કસ્ટડીમાં મોકલી દીધા છે. સ્પેશ્યલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (પીએમએલએ) કોર્ટે યેસ બેંકના સહસ્થાપક રાણા કપૂરની પોલીસ કસ્ટડી ૧૬ માર્ચ સુધી લંબાવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ વધુ પૂછપરછ માટે કસ્ટડી લંબાવવાની માગણી કરી હતી. આ ઉપરાંત જાહેરાત કરાઈ છે કે ૧૮ માર્ચ સાંજે ૬ કલાક પછી યસ બેંકમાંથી રૂપિયા ઉપાડી શકાશે અને પ્રતિબંધો દૂર કરાશે.
દરમિયાન નાણાકીય સંકટમાં સપડાયેલી યસ બેંક પાસેથી રૂ. ૧૨,૮૦૦ કરોડની લોન લેનારા ઉદ્યોગપતિઓ પૈકી અનિલ અંબાણીને સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર રહેવા સમન્સ મોકલાયું હતું. સુભાષ ચંદ્રાને પણ ઈડીનું તેડું આવ્યું છે. અનિલ અંબાણીએ તબિયત સારી નહીં હોવાનું કારણ આપીને તેઓ ઈડી સમક્ષ ઉપસ્થિત થયા નહોતા અને થોડો સમય આપવાની માગણી કરી હતી. હવે અનિલ અંબાણીને ૧૯મી માર્ચે હાજર થવા કહેવાયું છે.
ઈડીના અધિકારીઓએ યસ બેંકમાંથી મોટી રકમની લોન લઈ પાછી નહીં ચૂકવનારા તમામ ઉદ્યોગપતિઓને સમન્સ મોકલીને પૂછપરછની શરૂઆત કરી છે.
દેશની કુલ ૧૦ મોટી બિઝનેસ હાઉસિસની ૪૪ કંપનીઓએ યસ બેંક પાસેથી લીધેલી રૂ. ૪૪,૦૦૦ કરોડની લોન ચૂકવી નથી અને તેથી યસ બેંક નાણાકીય સંકટમાં સપડાઈ હતી. આ કંપનીઓમાં વોડાફોન-આઈડિયા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ, ઓમકાર રિયલ્ટર્સ, દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, જેટ એરવેઝ, કોક્સ એન્ડ કિંગ્સ, મેક્લિયોડ રસેલ, જીવીકે, જીએમઆર અને સી. જી. પાવર જેવી કંપનીઓનો સમાવેશ છે.
ઈડીએ યસ બેંકના સ્થાપક રાણા કપૂરની રૂ. ૧૩૫૦ કરોડની છ સંપત્તિઓ જપ્ત કરવાનું કામ પણ ૧૨મી માર્ચે શરૂ કરી દીધું હતું.
ઈડીના સૂત્રોએ જણાવ્યુ કે તમામ છ સંપત્તિઓ દિલ્હીમાં આવેલી છે. અમૃતા શેરગીલ માર્ગ પર આવેલો રૂ. ૫૦૦ કરોડનો બંગલો, સરદાર પટેલ માર્ગ પર આવેલું રૂ. ૨૫૦ કરોડનું ડિપ્લોમેટિક એન્કલેવ, કૌટિલ્ય માર્ગ પર આવેલી ૧૨૩૩ ચોરસ યાર્ડની સંપત્તિ, રૂ. ૧૫૦ કરોડની જોરબાગ સંપત્તિ અને રૂ. ૧૦૦ કરોડના હીઝબાસ સામેલ છે.

રૂ. ૩૦,૦૦૦ કરોડની લોન પૈકી રૂ. ૨૦,૦૦૦ કરોડ NPA

યસ બેંકના સ્થાપક રાણા કપૂર દ્વારા મંજૂર કરવામાં આવેલી રૂ. ૩૦,૦૦૦ કરોડની લોનમાંથી રૂ. ૨૦,૦૦૦ કરોડની લોન એનપીએ બની ગઇ હોવાનું ઇડીએ ૧૧મી માર્ચે વિશેષ અદાલતને જણાવ્યું હતું. ઇડીએ મુંબઇમાં સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટમાં આ નિવેદન આપ્યું હતું.
તપાસ અજેન્સીએ યેસ બેંકના ભૂતપૂર્વ ડિરેક્ટરો અને તેના માજી ચેરમેન અશોક ચાવલાની પૂછપરછ કરે એવી શકતા છે. કપૂરની બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકાની મિલકતની તપાસ થઈ રહી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter