રિલાયન્સમાં જનરેશન નેક્સ્ટઃ આકાશ, ઇશા અને અનંતને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્થાન

Wednesday 30th August 2023 15:21 EDT
 
 

મુંબઇઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ હવે વાયરલેસ એર ફાઈબર સર્વિસ આપવાની તૈયારી કરી રહી છે. આ સેવા હેઠળ કંપનીએ ગ્રાહકોને વાયરવાળા ફાઈબર જેવી જ ઈન્ટરનેટ સ્પીડ આપવાનો દાવો કર્યો છે. આ સેવા આપવા કંપની ટ્રુ 5જી સર્વિસનો ઉપયોગ કરશે. આરઆઈએલના ચેરમેન મુકેશ અંબાણીએ સોમવારે કંપનીની એજીએમમાં આ જાહેરાત કરી હતી. સાથે સાથે જ તેમણે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં યુવા પ્રતિનિધિત્વ વધાર્યું છે. તેમના પત્ની નીતા અંબાણીએ ડિરેક્ટરપદ છોડ્યું છે જ્યારે ત્રણેય સંતાનો - આકાશ, ઇશા અને અનંતને બોર્ડમાં સ્થાન અપાયા છે. જોકે તેમણે એવી જાહેરાત પણ કરી હતી કે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પદે તેઓ જ કાર્યભાર સંભાળશે.
હાલ રિલાયન્સ જિયોનાં દેશભરમાં એક કરોડ ઓપ્ટિકલ ફાઈબર કનેક્શન છે. મુશ્કેલી એ છે કે દેશમાં લાખો ઘર એવાં છે, જ્યાં વાયરથી ફાઈબર સર્વિસ આપવી મુશ્કેલ છે. એર ફાઈબર આ મુશ્કેલીનો સરળ ઉપાય છે. કંપની એર ફાઈબર સેવા થકી દેશનાં કુલ 20 કરોડ ઘરોમાં ઈન્ટરનેટ કનેક્શન આપશે. તે અંતર્ગત રોજ દોઢ લાખ નવા ગ્રાહકો જોડાશે. જિયોનું ઓપ્ટિકલ ફાઈબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમગ્ર દેશમાં 15 લાખ કિ.મી. સુધી ફેલાયેલું છે.

એજીએમમાં પાંચ મોટી જાહેરાતો

• આકાશ, અનંત અને ઈશા અંબાણી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ થશે. નીતા અંબાણી બોર્ડ બહાર હશે. તેઓ એક સ્થાયી આમંત્રિત સભ્યની જેમ બોર્ડની બેઠકમાં ભાગ લેશે. આ અંગે મુકેશ અંબાણીએ કહ્યું કે નીતામાં એક સારા સલાહકાર બનવાના બધા જ ગુણ છે. હવે હું આગામી પાંચ વર્ષ સુધી કંપનીનો ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રહીશ.
• 19 સપ્ટેમ્બરથી રિલાયન્સ જિયો એર ફાઈબર સુવિધા તૈયાર કરશે. આ એર ફાઈબર કોઈ વાયર વિના ફાઈબરની જેમ ઈન્ટરનેટ સ્પીડ આપશે. આ સુવિધા ટુ 5જી થકી આપવાની કંપનીની યોજના છે.
• આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) માટે કંપની 2000 મેગા વોટની કમ્પ્યુટિંગ કેપેસિટી તૈયાર કરશે.
• કંપની 100 કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ તૈયાર કરશે. આ પ્લાન્ટમાં 55 લાખ ટન એગ્રો વેસ્ટમાંથી દર વર્ષે 25 લાખ ટન ખાતર તૈયાર કરાશે. તેનાથી 20 લાખ ટન કાર્બન ઉત્સર્જન ઘટશે.
• રિલાયન્સ ફાઉન્ડેશનનાં વડાં નીતા અંબાણી બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે મળીને દેશભરમાં 10 લાખ મહિલાઓને સશક્ત બનાવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter