વડાપ્રધાન મોદીના જન્મદિને રક્તદાનનો વિશ્વવિક્રમ

Thursday 22nd September 2022 05:19 EDT
 
 

નવી દિલ્હી: કેન્દ્રના આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 15 દિવસનું રક્તદાન-અભિયાન ચાલુ શરૂ કરાયું તેના પહેલા જ દિવસે એક લાખથી વધુ લોકોએ રક્તદાન કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. માંડવિયાએ સફદરજંગ હોસ્પિટલ ખાતેની શિબિરમાં રક્તદાન કર્યું હતું. તેમણે જનતાને 15 દિવસના રક્તદાન અમૃત મહોત્સવ પ્રસંગે રક્તદાન કરવા માટે આરોગ્ય સેતુ એપ અથવા ઈ-રક્તકોષ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવવા અપીલ કરી હતી. મહોત્સવ 1 ઓક્ટોબરના રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ સુધી ચાલશે. રક્તદાન માટે દેશભરમાં 6,136 શિબિરો બનાવવામાં આવી છે. રક્તદાન મહોત્સવમાં કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના બધા ખાતાં, વિભાગ, બિનસરકારી અને બિનસામુદાયિક સંગઠન ભાગ લેશે. માંડવિયાએ કહ્યું કે આ દેશ તરફથી દેશના પ્રધાન સેવકને અણમોલ ઉપહાર છે. પછી તરત બીજું ટ્વિટ કર્યું કે રક્તદાન કરનારાઓનો આંકડો 1 લાખને પાર થઈ ગયો છે.
માંડવિયાએ વધુમાં કહ્યું કે રક્તદાન સમાજસેવાનું અને માનવતાનું કામ છે. 2021ના આંકડાઓ મુજબ દેશમાં વર્ષે 1.5 કરોડ યુનિટ રક્તની જરૂર પડે છે. એક યુનિટમાં 350 મિલિલિટર રક્ત હોય છે, તે ત્રણ દર્દીઓનું જીવન બચાવી શકે છે. દર બે સેકન્ડે દેશમાં કોઈ એક દર્દીને રક્તની જરૂર ઊભી થાય છે. દેશના 33 ટકા નાગરિકોને ક્યારેકને ક્યારે રક્તદાનની જરૂર ઊભી થાય છે. ટૅકનોલોજીએ ગમે તેટલી પ્રગતિ કરી લીધી હોય હજી રક્તનો કોઈ વિકલ્પ શોધાયો નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter