નવી દિલ્હી: ભારતીય એવિએશન સેક્ટરે રવિવારે ઐતિહાસિક માઇલસ્ટોન પ્રાપ્ત કર્યું છે. ભારતીય એરલાઇન્સ કંપનીઓએ પહેલીવાર એક જ દિવસમાં પાંચ લાખ કરતા વધારે ઘરેલુ મુસાફરોનું પરિવહન કર્યું હતું. કુલ 5,05,412 મુસાફરોએ દેશના વિવિધ 3,173 ઘરેલુ ડિપાર્ચર સ્થાનો સુધી યાત્રા કરી હતી, જે હવાઈ ટ્રાફિકમાં સ્થિર ગતિથી થઈ રહેલા વારાને દર્શાવે છે.
આ સિદ્ધિ છેલ્લા કેટલાક દિવસો દરમિયાન હવાઈ મુસાફરોની સંખ્યામાં રેકોર્ડ બ્રેક રીતે થઈ રહેલી વૃદ્ધિ બાદ આવી છે. ગત 8, 9, 14, 15 અને 16 નવેમ્બરના રોજ દેશમાં અનુક્રમે 4.90 લાખ, 4.96 લાખ, 4.97 લાખ, 4.99 લાખ અને 4.98 લાખ ઘરેલુ હવાઈ મુસાફરો નોંધાયા હતા.