હમરાપુર (મહારાષ્ટ્ર): ગણેશ ચતુર્થીને (31 ઓગસ્ટ) આવવામાં ભલે મહિના કરતા વધુ સમય બાકી હોય પણ ગજાનનની મૂર્તિઓના ગામ હમરાપુરના મૂર્તિકારો પાસે શ્વાસ લેવાનો પણ ટાઈમ નથી. બે વર્ષ પછી એક વાર ફરી ભવ્ય ગણેશોત્સવની તૈયારી ચાલી રહી છે. હમરાપુરના મોટાભાગના કારખાનાઓમાં ગણેશ મૂર્તિઓને અંતિમ રૂપ અપાઈ રહ્યું છે. તૈયાર મૂર્તિઓને માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં મોકલવાની શરૂઆત થઈ ચૂકી છે. મોરેશિયસ, બ્રિટન, વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોથી પણ અહીં ઓર્ડર આવે છે.
ગણેશ મૂર્તિકાર મંડળના અધ્યક્ષ અભય મ્હાત્રેએ કહ્યું કે હમરાપુરમાં 500 કારખાના છે. દરેક કારખાનામાં 20થી 25 કર્મચારીઓ છે. કોરોનાને લીધે બે વર્ષથી કામ લગભગ બંધ હતું. આ વર્ષે અત્યાર સુધી 80થી 90 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે. શ્રીરામ કળા કેન્દ્રના શ્રીરામ ઠાકુરે કહ્યું કે આ વર્ષે 6 હજાર મૂર્તિના ઓર્ડર મળ્યા છે. બે હજાર મૂર્તિઓ મોકલી દેવાઈ છે. જોકે ગત બે વર્ષમાં 3 હજાર મૂર્તિઓ પણ બુક થઈ નહોતી.
સુરેખા આર્ટના કિરણ દાભાડે કહે છે કે ગત વર્ષે કોરોનાને લીધે છ ફૂટથી વધુ મોટી મૂર્તિઓ રાખવાની મંજૂરી નહોતી. તેના લીધે આશરે 4500 મૂર્તિઓ કારખાનામાં પડી રહી હતી. જોકે આ વર્ષે તમામ મૂર્તિઓ બુક થઈ ચૂકી છે.