ભારતીય એન્જિનિયરોનું કૌશલ્ય અને બે દસકાની મહેનત રંગ લાવી છે. 76મા પ્રજાસત્તાક પર્વના એક દિવસ પૂર્વે - શુક્રવારે જમ્મુ-કાશ્મીર રાજ્ય દેશના અન્ય ભાગ સાથે રેલ માર્ગે જોડાયું છે. કટરાથી રવાના થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચિનાબ બ્રિજ અને ભારતના પ્રથમ કેબલ સ્ટેડ બ્રિજ અંજી ખાદ પરથી સડસડાટ પસાર થઇને શ્રીનગર પહોંચી હતી. જમ્મુના રિયાસી જિલ્લામાં ચિનાબ નદી પર બનેલો આ સિંગલ આર્ચ બ્રિજ (જૂઓ ઇનસેટ) એફિલ ટાવર કરતાં પણ 35 મીટર ઊંચો છે. જમ્મુ-કાશ્મીર માટે ખાસ પ્રકારે ડિઝાઇન કરાયેલી વંદે ભારત ટ્રેન માઇનસ 30 ડિગ્રીમાં પણ દોડશે અને કાચ પર બરફ પણ નહીં જામે. પ્રવાસીઓ માટે આ ટ્રેન આગામી મહિનાથી શરૂ કરાશે.