નવી દિલ્હીઃ રાજ્યસભાની ચૂંટણી માટે ૧૮મી માર્ચે ઉમેદવારી પત્રકો પાછા ખેંચવાની અંતિમ તારીખ હોવાથી કુલ ૩૭ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવાર, કેન્દ્રના પ્રધાન રામદાસ આઠવલે અને રાજ્યસભાના નાયબ અધ્યક્ષ હરુવંશ નારાયણનો સમાવેશ થાય છે. ૨૬ માર્ચે યોજાનારી ચૂંટણી માટે ૧૭ રાજ્યસભાની ૫૫ બેઠકો માટે ઉમેદવારી પત્રકો ભરાયા હતા. આ પૈકી મહારાષ્ટ્રમાંથી ૭, તામિલનાડુમાંથી ૬, હરિયાણા, છત્તીસગઢ અને તેલંગાણામાંથી બબ્બે, ઓડિશામાંથી ૪, બિહાર અને બંગાળમાંથી પાંચ, આસામમાંથી ૩ અને હિમાચલ પ્રદેશમાંથી ૧ ઉમેદવારી પત્રક ભરાયું હતું.
ગયા વર્ષે કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાયેલા પ્રિયંકા ચતુર્વેદીને શિવસેનાએ રાજ્યસભામાં જવાની તક આપી હતી. એવી જ રીતે લોકસભાના પૂર્વ નાયબ સ્પીકર એમ. થમ્બીદુરાઇ, તમિલ મલિના કોંગ્રેસના જી. કે. વાસન, વરિષ્ઠ વકીલ કે. ટી. એસ. તુલસી અને કોંગ્રેસના દીપેન્દ્રસિંહ હુડ્ડા ઉપલા ગૃહમાં જવામાં સફળ થનાર અન્ય નેતાઓમાં સામેલ છે. ભાજપને હરિયાણામાં ૨, મહારાષ્ટ્રમાં ૩ અને હિમાચલ પ્રદેશ તેમજ બિહારમાંથી ૧- ૧ બેઠક મળી હતી. અગાઉ ભાજપને હરિયાણામાં યોજાયેલી પેટાચૂંટણીમાં પણ સફળતા મળી હતી. કેન્દ્રના પ્રધાન રાવ બિરેન્દ્રસિંહના રાજીનામાના કારણે આ બેઠક ખાલી પડી હતી.
ભાજપના સાથીપક્ષોમાં જદયુને બિહારમાંથી બે, એઆઈડીએમકેને તામિલનાડુમાંથી બે અને આસામમાંથી બીપીએફને એક બેઠક મળી હતી. પશ્ચિમ બંગાળમાંથી તૃણમૂલ કોંગ્રેસને અને ઓડિશામાંથી બીજુ જનતાદળને પણ ચાર બેઠકો મળી હતી જ્યારે તેલંગણા રાષ્ટ્રીય સમિતિને બે બેઠકો મળી હતી. કોંગ્રેસની વાત કરીએ તો એને છત્તીસગઢમાંથી બે અને હરિયાણા તેમજ મહારાષ્ટ્રમાંથી એક એક બેઠક મળી હતી. જ્યારે એના સાથી પક્ષ રાજદને બિહારમાંથી બે, ડીએમકેને તામિલનાડુમાંથી ત્રણ, એનસીપીને મહારાષ્ટ્રમાંથી બે અને શિવસેનાને એક બેઠક બિનહરીફ મળી હતી. જ્યારે સીપીઆઈને પશ્ચિમ બંગાળમાંથી એક એક બેઠક મળી હતી. આસામમાંથી કોંગ્રેસ અને એઆઈયુડીએફના ટેકાથી એક સ્વતંત્ર ઉમેદવાર ચૂંટાયા હતા.
હવે બાકી રહેતા રાજ્યસભાની ૧૮ બેઠકો માટે ૨૬ માર્ચે ચૂંટણી યોજાશે જેમાં ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં ચાર-ચાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ત્રણ ત્રણ, ઝારખંડમાં બે તેમજ મણીપુર-મેઘાલયમાં એક એક બેઠકની ચૂંટણી થશે.