શ્રદ્ધા મર્ડર કેસઃ આફતાબનો નાર્કો ટેસ્ટ મોકૂફ, પહેલાં પોલિગ્રાફ ટેસ્ટ થશે

Wednesday 23rd November 2022 07:03 EST
 
 

નવી દિલ્હીઃ શ્રદ્ધા વાલકર મર્ડર કેસમાં દરરોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. સોમવારે હત્યાના આરોપી આફતાબનો નાર્કો ટેસ્ટ થવાની અપેક્ષા રાખવામાં આવતી હતી પણ હવે તેને હાલ પૂરતો મોકૂફ રખાયો છે. અહેવાલો અનુસાર આફતાબનો નાર્કો ટેસ્ટ પહેલા પોલિગ્રાફ ટેસ્ટ કરાશે. આ ટેસ્ટ માટે પણ કોર્ટ પાસેથી મંજૂરી લેવી પડે છે. પોલીસને કોર્ટ પાસેથી નાર્કો ટેસ્ટની મંજૂરી મળી ગઈ છે, પરંતુ હજુ પોલિગ્રાફ ટેસ્ટની મંજૂરી મળી નથી.
ફોરેન્સિક વિભાગ અનુસાર એક વાર કોર્ટની મંજૂરી મળી જશે પછી 10 દિવસમાં બધી કામગીરી પાર પાડવામાં આવશે. પોલિગ્રાફ ટેસ્ટને સરળ ભાષામાં લાઇ ડિટેક્ટર ટેસ્ટ પણ કહેવામાં આવે છે. નાર્કો અને પોલિગ્રાફ ટેસ્ટ વચ્ચેનો તફાવત એ છે કે આ ટેસ્ટ હેઠળ વ્યક્તિ જૂઠ બોલતો હોય તો તેને પકડી પાડવામાં આવે છે. જ્યારે નાર્કો ટેસ્ટમાં ટ્રુથ ડ્રગ આપવામા આવે છે, જેમાં અચેતન અવસ્થામાં વ્યક્તિ બધું સાચું બોલવા લાગે છે.
જંગલમાંથી ખોપડી અને જડબુ મળ્યા
શ્રદ્ધા હત્યા કેસની તપાસ દરમિયાન રવિવારે દિલ્હી પોલીસને મોટી સફળતા મળી હતી. મહરૌલીના જંગલમાંથી દિલ્હી પોલીસને માનવ ખોપડી અને જડબાનો એક ભાગ મળ્યો છે. તેની સાથે જ માનવ શરીરના અન્ય ભાગોના હાડકા પણ મળી આવ્યા છે.
પોલીસ સૂત્રોનું કહેવું છે કે જંગલમાંથી શબના મળેલા અવશેષો 27 વર્ષીય શ્રદ્ધા વાલકરના હોવાની શક્યતા છે. જોકે તેની પુષ્ટી ફોરેન્સિક લેબની ટીમ દ્વારા તપાસ પછી થઈ શકશે. પોલીસે શ્રદ્ધાના અવશેષો શોધવા મહરૌલીનું તળાવ ખાલી કરાવવાનું શરૂ કર્યું છે.
દિલ્હી પોલીસની એક ટીમ રવિવારે આફતાબને લઈને છતરપુરના પર્વતીય વિસ્તારોમાં આવેલા તેના ઘરે પહોંચી હતી, જ્યાં તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી. એફએસએલની ટીમ ત્યાંથી અનેક વસ્તુઓ એકત્ર કરીને છેક બપોરે રવાના થઈ હતી.
બીજી બાજુ, 200 પોલીસ કર્મચારીઓની ટીમે મહરૌલીના જંગલમાં પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં પોલીસ ટીમને જંગલમાંથી કેટલાક અવશેષો અને કપાયેલા હાડકા મળી આવ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter