લખનૌ: અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત ગોપાલદાસની તબિયત અચાનક લથડતાં તેમને લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ૮૩ વર્ષીય મહંતને આઈસીયુમાં રાખીને મેડિકલ ચેકઅપ હાથ ધરાઈ રહ્યું છે. શ્વાસ લેવામાં તકલીફ શરૂ થયા બાદ તેમની સ્થિતિ અચાનક બગડી હતી. મહંત ગોપાલદાસને શ્વાસ લેવામાં તકલીફને કારણે ચેકઅપ માટે મેદાંતા હોસ્પિટલના ડિરેક્ટર અશોક કપૂર અયોધ્યા પહોંચ્યા હતા. ત્યારબાદ તેમને સાંજે હોસ્પિટલ લવાયા હતા અને પરિસ્થિતિ ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં રખાયા હતા. તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, ઉપરાંત ખાંસી અને વધુ પડતા યુરિન ડિસ્ચાર્જની સમસ્યા પણ થઈ રહી છે. આ ઉપરાંત ઓક્સિજન લેવલમાં પણ ચડાવ ઉતાર થઈ રહ્યો છે.