સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 18th March 2020 07:01 EDT
 

• લક્ષ્મી વિલાસ બેંક યસ બેંકને માર્ગે?: દેશની ખાનગી ક્ષેત્રની ૯૪ વર્ષો જૂની લક્ષ્મી વિલાસ બેંક પણ યસ બેંકને માર્ગે જઈ રહી છે. આ બેંકનો કેપિટલ એડેક્વેસી રેશિયો (સીએઆર) મિનિમમ રિકવાયરમેન્ટથી ઘણો નીચે આવી ગયો છે. લક્ષ્મી વિલાસ બેંકનો કેપિટલ એડેક્વેસી રેશિયો ફક્ત ૩.૪૬ ટકા પરંતુ હકીકતમાં આ રેશિયો ઓછામાં ઓચો ૯ ટકા રહેવો જરૂરી હોય છે. સીએઆર બેંકની મૂડીને માપવાનો એક પ્રકાર હોય છે. સીએઆર બેંકની જોખમવાળી મૂડીની ટકાવારી દર્શાવે છે. એટલું જ નહીં પણ લક્ષ્મી વિલાસ બેંકમાં હિસ્સેદારી ખરીદવા માટે ઘણા રોકાણકારો રેસમાં છે. આ રોકાણકારોમાં કોટક બેંક પણ સામેલ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગત વર્ષે લક્ષ્મી વિલાસ બેંક પર મોટી કાર્યવાહી કરીને તેને પ્રોમ્પ કરેક્ટિવ એક્શન ફ્રેમવર્કમાં મૂકી દીધી હતી.
• ક્રેડિટ-ડેબિટ કાર્ડ જાતે જ બ્લોક કે અનબ્લોક કરી શકશેઃ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકો માટે ૧૬ માર્ચથી પૈસા કાઢવા અને ઓનલાઈન શોપિંગના નિયમોમાં બદલાવ થયો છે. હવે કાર્ડ ધારકો ગમે ત્યારે તેમના કાર્ડને બ્લોક અને અનબ્લોક કરી શકશે. એનો અર્થ એ થયો કે ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, ઈન્ટરેક્ટિવ વોઈસ રિસ્પોન્સ અને એટીએમ મારફતે ૨૪ કલાક દિવસ વ્યવહાર કરનાર પોતે જ કાર્ડને બ્લોક કે અનબ્લોક કરી શકશે.
• વાયુસેનાના અધિકારીઓની હત્યા મામલે ૭ દોષીઃ જમ્મુની ટાડા કોર્ટે ૧૯૯૦માં વાયુ સેનાના અધિકારી અને અન્ય ત્રણની હત્યા મામલે યાસીન મલિક અને અન્ય છ વિરુદ્ધ આરોપો નિર્ધારિત કર્યાં છે. આશરે ૩૦ વર્ષ જૂના આ કેસની સુનાવણીમાં ૧૬મી માર્ચે કોર્ટે યાસીન મલિક અને અન્ય તમામ આરોપીઓ સ્ક્વોડ્રન લીડર રવિ ખન્ના અને તેમના ત્રણ સાથીદારની હત્યામાં સામેલ હતા તેના પૂરતા પુરાવા હોવાનું સ્વીકાર્યું હતું.
• ચંદ્રશેખરની પાર્ટી માયાવતીને મુશ્કેલી આપી શકે!: ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે ‘આઝાદ સમાજ પાર્ટી’ નામનો નવો પક્ષ બનાવી છે. જેથી માયાવતીની પરંપરાગત મતબેંકમાં મોટું ગાબડું પડે એવી અટકળો શરૂ થઈ છે. ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ પશ્ચિમ ઉત્તર પ્રદેશ યુવા દલિત નેતા તરીકે ઉભર્યા હોવાથી તેની નવી પાર્ટીમાં ૨૩ પૂર્વ ધારાસભ્યો અને છ પૂર્વ સંસદસભ્યો પણ જોડાઈ ચૂક્યા છે.
• CCDના સ્વ. ફાઉન્ડરના ખાતામાંથી ૨૭૦ મિલિયન ડોલર ગુમઃ કેફે કોફી ડેના ફાઉન્ડર વીજી સિદ્ધાર્થે જુલાઈ ૨૦૧૯માં આપઘાત કર્યો હતો. સિદ્ધાર્થની આત્મહત્યા બાદ બોર્ડ દ્વારા શરૂ કરાયેલી તપાસમાં જણાયું કે, કેફે કોફી ડેના ખાતામાંથી અંદાજે ૨૭૦ મિલિયન ડોલર ગુમ થયા છે. સિદ્ધાર્થના આપઘાત બાદ મહિના જેટલી લાંબી ચાલેલી તપાસમાં કોફી ચેઈનના ડઝન ખાનગી કંપનીઓ સાથેના નાણાકીય વ્યવહારો અંગે તપાસ થઈ હતી. બોર્ડના એક અધિકારીએ કહ્યું છે કે, અમારી તપાસમાં કંપનીના ખાતામાંથી ૨૭૦ મિલિયન ડોલર ગુમ થયા હોવાનું માલૂમ પડયું છે. બોર્ડ તેનો રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર કરશે.
• ગોપનીય માહિતી પૂરી પાડવા બદલ શ્રીલંકનને ૫ વર્ષ કેદ: એનઆઇએની સ્પેશિયલ કોર્ટે શ્રીલંકન નાગરિક અરુણ સેલ્વારાજનને પાકિસ્તાનની જાસૂસી મામલે ૫ વર્ષની જેલની સજા કરી છે. એનઆઇએએ જણાવ્યું કે, અરુણને તમામ આરોપ હેઠળ દોષી ઠેરવી સજા કરાઇ છે. કોર્ટે તેને રૂ. ૨૦ હજારનો દંડ પણ ફટકાર્યો છે.
• રામલલ્લા માટે ફાઇબરનું મંદિર અયોધ્યા પહોંચ્યું: અયોધ્યામાં છેલ્લા ૨૮ વર્ષથી ટેન્ટમાં બિરાજતા રામલલ્લાને હવે પોતાનું મંદિર મળશે. દિલ્હીમાં બનેલું ફાઇબરનું કામચલાઉ મંદિર રવિવારે અયોધ્યા પહોંચી ગયું હતું. ૨૪ માર્ચ સુધીમાં મંદિરમાં ચબૂતરો તૈયાર થઇ જશે. ચૈત્રી નવરાત્રિના પહેલા નોરતે (૨૫મી માર્ચે) રામલલ્લાની મૂર્તિને આ ચબૂતરા પર બિરાજમાન કરાશે.
• અનંતનાગ એન્કાઉન્ટરમાં ૪ આતંકી ઠાર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ભારતીય સુરક્ષાદળોએ ૧૫મી માર્ચે ૪ આતંકીઓને ઠાર માર્યાં છે. એન્કાઉન્ટરમાં કોઈ પણ ભારતીય જવાનના ઘાયલ થવાની માહિતી નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter