સીએમનો આભાર માનજો, એરપોર્ટ પર જીવતો પહોંચ્યોઃ મોદી

Wednesday 12th January 2022 05:11 EST
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબના ફિરોઝપુરમાં યોજાનારી રેલી સુરક્ષા ચૂકને કારણે રદ કરવી પડી. જે બાદ ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી આ મુદ્દે રિપોર્ટ માગ્યો છે. રેલી રદ કર્યા બાદ જ્યારે વડા પ્રધાન ભટિંડા એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમણે પંજાબની કોંગ્રેસી સરકારને ટોણો માર્યો હતો. વડા પ્રધાન મોદીએ એરપોર્ટ અધિકારીઓને કહ્યું હતું કે, તમારા મુખ્ય પ્રધાનનો મારા તરફથી આભાર માનજો, કે હું ભટિંડા એરપોર્ટ સુધી જીવિત પહોંચી શક્યો. ભાજપે વડા પ્રધાનની રેલી રદ થવા માટે કાવતરું ગણાવ્યું છે. ફિરોઝપુર એસએસપીને આ મામલે સસ્પેન્ડ કરાયા છે. વડા પ્રધાન હુસૈનીવાલા ખાતે શહીદ સ્મારક જવાના હતા. પરંતુ હવામાન ખરાબ હોવાથી હેલિકોપ્ટરના બદલે સડક માર્ગે જવાનું પસંદ કર્યું હતું. ત્યારે આ ઘટના બની હતી.
ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ આ મુદ્દે પંજાબ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આ દુખની વાત છે કે પંજાબ માટે ૮૩ હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટ શરૂ કરવા માટે આવેલા વડા પ્રધાનનો પ્રવાસ અવરોધાયો. નડ્ડાએ મુખ્ય પ્રધાન ચન્ની પર આરોપ લગાવતા કહ્યું હતું કે સીએમ ચન્નીએ ફોન પર વાત કરવાનો કે સમસ્યાનો ઉકેલ લાવવાનો પણ ઇનકાર કર્યો હતો. પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે કહ્યું છે કે રાજ્યને સુરક્ષિત રાખવું હોય તો તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદી દેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે જો તમે એક વડા પ્રધાનને સુરક્ષા ન આપી શકતા હો તો પછી આ કયા પ્રકારનું શાસન છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter