૩૭૦ રદ થતાં કાશ્મીરનો સર્વાંગી વિકાસ જ વિકાસઃ મોદી

Thursday 15th August 2019 08:14 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૭૦ની કલમ નાબુદ થયા પછી પ્રથમ વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આર્ટિકલ ૩૭૦ની નાબુદી પછી જમ્મુ-કાશ્મીર અને લદાખમાંથી આતંદવાદ, અલગતાવાદ અને પરિવારવાદનો નાશ થશે અને જમ્મુ-કાશ્મીર તેમ જ લદાખમાં આર્થિક પ્રગતિ થશે.
વડા પ્રધાન મોદીએ આઠ ઓગસ્ટે રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે આર્ટિકલ ૩૭૦ હટયા પછી હવે જમ્મુ-કાશ્મીર અને લદાખનું નવીનીકરણ થશે. વડા પ્રધાને આ પ્રદેશના યુવાનોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી અને કહ્યું હતું હવે જમ્મુ-કાશ્મીર, લદાખના યુવાનો દેશની આર્થક પ્રગતિમાં સહભાગી થશે અને દેશને નવી ઊંચાઈએ લઈ જશે.
વડા પ્રધાને કાશ્મીરીઓને ઈદની શુભકામના પણ આપી હતી. મોદીએ કર્ફ્યુ અને ઈન્ટરનેટ સેવા બંધ છે તે સંદર્ભમાં સંકેત આપતા કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર, લદાખમાં સ્થિતિ બહુ જ ઝડપથી એકદમ સાધારણ થઈ જશે.

સપનું સાકાર થયું

વડા પ્રધાને ૩૭૦ નાબુદીને દેશની બહુ જ મોટી ઉપલબ્ધિ ગણાવીને કહ્યું હતું કે સરદાર પટેલ, ડો. બાબા સાહેબ આંબેડકર, ડો. શ્યામાપ્રસાદ મુખર્જી અને અટલ બિહારી વાજપેયીનું સપનું સાકાર થયું. ભારતના આ મહાપુરુષોએ જમ્મુ-કાશ્મીરને ૩૭૦થી મુક્ત કરાવવા લડત ચલાવી હતી. મોદીએ કહ્યું હતું કે કરોડો દેશભક્તોની ઈચ્છા હવે પૂરી થઈ છે. એક રાષ્ટ્ર માટે, એક પરિવાર માટે આપણે બધાએ સાથે મળીને આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. આખો દેશ આ નિર્ણયની સાથે છે. આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે.

મોદીએ કાશ્મીરવાસીઓને ભરોસો બંધાવ્યો હતો કે ૩૭૦ રદ થયા પછી પણ તેમના અધિકાર ઉપર કોઈ જ અસર થશે નહીં. પહેલાંની જેમ જ લોકપ્રતિનિધિ પસંદ કરવાનો અબાધિત અધિકાર લોકોને છે જ અને ખૂબ જ ઝડપથી એ અધિકારનો ઉપયોગ પણ કરી શકાશે. લોકોના હિતો સાથે કોઈ જ છેડછાડ નથી થઈ. ૩૭૦ના કારણે જમ્મુ-કાશ્મીર, લદાખના ભાઈઓ-બહેનોને ખૂબ નુકસાન થયું છે તેની ચર્ચા કોઈ કરતું ન હતું. જમ્મુ-કાશ્મીરના લોકોને ૩૭૦ની કલમથી શું ફાયદો થયો તેનો જવાબ કોઈ પાસે નથી. કારણ કે આ કલમથી જમ્મુ-કાશ્મીર અને લદાખનો વિકાસ અટકી ગયો હતો. આ પ્રદેશના લોકો મૂળભૂત અિધકારોથી વંચિત રહી ગયા હતા. તેમના સમગ્રલક્ષી વિકાસમાં આ કલમ મોટો અવરોધ હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter