નવી દિલ્હી: ચૂંટણી પરિણામ પછી મંગળવારે સાંજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે તેમણે આગામી રણનીતિની સ્પષ્ટતા કરવાની ના પાડી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ ચૂંટણી ઇન્ડિયા યુતિ માત્ર એક પક્ષ વિરુદ્ધ નહીં લડી. આ ચૂંટણી અમે ભાજપ, સીબીઆઈ-ઈડી, સૌની વિરુદ્ધ લડી છે. કારણ કે તેઓને મોદી અને શાહે ડરાવ્યા-ધમકાવ્યા હતા.
રાહુલ ગાંધીએ કોંગ્રેસની બેઠકો વધવાનો શ્રેય પ્રજાને આપ્યો છે. તેમણે કહ્યું, જ્યારે મોદી સરકારે અમારા બેન્ક ખાતાં ફ્રીઝ કર્યાં, મુખ્યમંત્રીઓને જેલમાં ધકેલ્યા, પક્ષો તોડયા ત્યારે અમારા મગજમાં હતું કે ભારતની પ્રજા પોતાના બંધારણ માટે ભેગી થઈને લડશે. એ વાત સત્ય પુરવાર થઈ.
તેમણે ઉમેર્યું હતું કે ‘બંધારણ બચાવવાનું કામ ભારતના સૌથી ગરીબ લોકોએ કર્યું છે. મજૂરો, ખેડૂતો, દલિતો, આદિવાસીઓ, પછાતોએ આ બંધારણ બચાવવાનું કામ કર્યું છે. તમે સૌથી મહત્ત્વનું અને આવશ્યક પગલું ભર્યું છે. કોંગ્રેસ પક્ષના સૌ નેતાએ ઇન્ડિયા યુતિના સાથીદારોનું સન્માન કર્યું અને અમે ભેગા થઈને લડ્યા.
જોકે રાહુલ ગાંધીએ સરકાર બનાવવા કે વિપક્ષમાં રહેવા અંગેના પ્રશ્નો ટાળ્યા હતા. રાહુલે કહ્યું, ‘યુતિના પક્ષો સાથે વાત કર્યા વિના અમે આ અંગે કોઈ નિવેદન નહીં આપીએ.’
રાહુલે કહ્યું હતું કે પ્રજા મોદી અને અદાણીને સમજવા લાગી છે. સ્ટોક માર્કેટ કહે છે જો મોદી સરકારમાં નહીં રહે તો અદાણી પણ જતા રહેશે. તેમની વચ્ચે ભ્રષ્ટાચારનો સંબંધ છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘હું દેશના ગરીબોને કહેવા માગું છું કે કોંગ્રેસ તેમની સાથે ઊભી છે. તમને આપેલાં વચનો અમે પૂરાં કરીશું. જાતિગત વસ્તીગણતરી, મહાલક્ષ્મીનાં વચનો પાળીશું.’