આતંકીઓ જાહેર કરવા માટે યુએનમાં રમાતું રાજકારણ રોકાવું જોઈએઃ ‘ક્વાડ’

Saturday 11th March 2023 00:10 EST
 
 

નવી દિલ્હી: ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનને સમાવતા ‘ક્વાડ’ જૂથના વિદેશ પ્રધાનોએ ત્રીજી માર્ચે ફરી એક વખત મુક્ત અને ખુલ્લા પ્રશાંત-હિન્દ સમુદ્ર માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી અને કાયદાના શાસન, સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ લાવવા ચીનને મજબૂત સંદેશ પાઠવ્યો હતો. આ સાથે ‘ક્વાડ’ જૂથનું અધ્યક્ષપદ સંભાળતા વિદેશ મંત્રી જયશંકરે ચીનને આડે હાથ લેતા કહ્યું કે, યુનાઇટેડ નેશન્સ (યુએન)માં આતંકીઓ જાહેર કરવામાં રાજકારણ અટકવું જોઈએ.
ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનને સમાવતા ‘ક્વાડ’ જૂથના વિદેશ મંત્રીઓ ડો. જયશંકર, અમેરિકાના એન્ટની બ્લિંકન, ઓસ્ટ્રેલિયાના પેની વોંગ અને જાપાનના યોશિમાસા હયાશીએ રાયસીના ડાયલોગમાં ભાગ લીધો હતો.
‘ક્વાડ’ જૂથના વિદેશ મંત્રીઓ વચ્ચે અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. તેમાં સૌથી મહત્વનો મુદ્દો યુએનમાં વૈશ્વિક આતંકી જાહેર કરવાની પ્રક્રિયામાં રાજકારણ ન રમાવું જોઈએ. આ એક રીતે ચીનને ભારતનો સીધો સંદેશ હતો. હકીકતમાં ચીને યુનાઇટેડ નેશન્સ કાઉન્સિલમાં 1267 અલ કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ પાકિસ્તાનના આતંકીઓને વૈશ્વિક આતંકી જાહેર કરવાના ભારત અને અમેરિકાના પ્રયાસોમાં અવરોધો ઊભા કર્યા છે.
આતંક સામે લડવા વર્કિંગ ગ્રુપ
આ સાથે ‘ક્વાડ’ જૂથે આતંકવાદનો સામનો કરવા માટે કાઉન્ટર ટેરરિઝમ પર વર્કિંગ ગ્રુપ બનાવવાની જાહેરાત કરી હતી, જેની પહેલી બેઠક અમેરિકામાં માર્ચ મહિનામાં યોજાશે. વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું કે, આપણે કાઉન્ટર ટેરરિઝમ વર્કિંગ ગ્રૂપ પર સંમત થયા છીએ. આપણે ભારતીય ઓશન ડ્રીમ એસોસિએશન સાથે વધુ નજીક આવીને સહયોગ કરવા પર સંમત થયા છીએ.
આતંકવાદની ટીકા
‘ક્વાડ’ જૂથના સંયુક્ત નિવેદનમાં આતંકવાદ અને કટ્ટરવાદની આકરી ટીકા કરાઈ છે. આ નિવેદનમાં ભારતના સંદર્ભમાં સરહદ પારના આતંકવાદ, મુંબઈ હુમલા અને પઠાણકોટના હુમલાનો પણ ઉલ્લેખ કરાયો હતો અને પીડિતો માટે ન્યાયની માગ કરાઈ હતી.
ચીનના પેટમાં તેલ રેડાયું
પ્રશાંત-હિન્દ મહાસાગરમાં ચીનની વધતી આક્રમક્તાની પૃષ્ઠભૂમિમાં‘ક્વાડ’ જૂથની રચના કરાઈ છે ત્યારે ચીને ‘ક્વાડ’ જૂથની ટીકા કરતા કહ્યું કે, દુનિયામાં શાંતિ અને વિકાસ માટે જૂથવાદના બદલે દેશથી દેશનો સહયોગ સાતત્યપૂર્ણ અને મહત્વપૂર્ણ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter