ઉદ્ધવ ઠાકરેઃ માતોશ્રીથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન

Friday 29th November 2019 04:18 EST
 
 

મુંબઇઃ સત્તાની લાંબી સાઠમારી બાદ આખરે ઠાકરે સરકારે મહારાષ્ટ્રની શાસનધૂરા સંભાળી છે. શિવસેના પ્રમુખ ૫૯ વર્ષીય ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે રાજ્યના ૧૯મા મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે છ પ્રધાનોએ પણ હોદ્દાની ગુપ્તતાના શપથ લીધા હતા. મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્ક મેદાનમાં યોજાયેલા ભવ્ય શપથગ્રહણ સમારંભમાં ગવર્નર ભગતસિંહ કોશ્યારીએ તમામને શપથ લેવડાવ્યા હતા. આ સાથે ઠાકરે પરિવારમાંથી પહેલી વખત કોઈ સભ્ય મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું છે.
‘જય ભવાની... જય શિવાજી...’ના ગગનભેદી નારાથી ગાજી ઉઠેલા શિવાજી પાર્કના વિશાળ મેદાનમાં હજારોની મેદની વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ મંચ પરથી નતમસ્તક કરીને જનતાના આર્શીવાદ લીધા હતા. આ સાથે જ તેમણે હિંદુ હૃદયસમ્રાટ શિવસેના દિવંગત પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું રાજ્યમાં શિવસેનાના મુખ્ય પ્રધાન બનાવવાનું સ્વપ્ન સાકાર કર્યું હતું.
સરકારની રચના સાથે જ રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ચાલતા સરકાર રચવાના સંઘર્ષનો અંત આવ્યો છે. શિવસેના - એનસીપી - કોંગ્રેસના ગઠનબંધન મહાવિકાસ આઘાડીની ત્રિરંગી સરકારે સત્તા ગ્રહણ કરી હતી. શપથ લીધા પછી ઉદ્ધવ ઠાકરેએ સહપરિવાર સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કરીને ભગવાન ગણેશની આરતી ઉતારી હતી. આના થોડાક જ સમય બાદ ઉદ્ધવ ઠાકરેએ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં કેબિનેટ બેઠક યોજીને કામગીરી શરૂ કરી દીધી હતી.
શિવસેનાના પહેલા મુખ્ય પ્રધાન મનોહર જોશીએ ચોવીસ વર્ષ પહેલાં શપથ લીધા હતા. એ જ સ્થળે ઠાકરે પરિવારના પહેલા વ્યક્તિ ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન પદના સોગંદ લીધા હતા. અરબી સમુદ્રના કાંઠે શિવાજી પાર્કમાં ઉમટેલા વિરાટ ‘જનસાગર’ને ઉદ્ધવ ઠાકરેએ મંચ પરથી નમન કર્યું હતું. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત કેબિનેટ પ્રધાન તરીકે શિવસેનાના વિધાનસભ્ય એકનાથ શિંદે, સુભાષ દેસાઈ, એનસીપીમાંથી છગન ભુજબળ, જયંત પાટીલ જ્યારે કોંગ્રેસ તરફથી વિજય ઉર્ફે બાળાસાહેબ થોરાત તથા ડો. નીતિન રાઉતે શપથ લીધા હતા.
જોકે, ઠાકરે સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન અને અધ્યક્ષના નામ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ નાયબ મુખ્ય પ્રધાન પદ એનસીપી અને સ્પીકર પદ કોંગ્રેસના ફાળે ગયા છે. મહા વિકાસ ગઠબંધનના ભાગરૂપ કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરેના શપથ સમારંભમાં હાજર ન રહેવાનો નિર્ણય કર્યો હતો. જોકે, તેમણે ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા પાઠવી હતી.

ઠાકરે પરિવાર માટે મુંબઈનું શિવાજી પાર્ક હંમેશા મહત્ત્વનું રહ્યું છે. આ એ જ મેદાન છે જ્યાંથી તાજેતરમાં શિવસેનાની દશેરા રેલીમાં પાર્ટીના નેતા સંજય રાઉતે જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન શિવસેનાના જ હશે. ઉલ્લેખનીય છે કે શિવસેનાના પ્રમુખ દિવંગત બાળાસાહેબ ઠાકરેના અંતિમ સંસ્કાર પણ અહીં જ કરાયા હતા.
શપથ ગ્રહણ સમારોહ માટેનું સ્ટેજ પુણેની શનિવાર પેઠ જેવું જ બનાવવામાં આવ્યું હતું, તેની પાછળ જ શિવાજી મહારાજની મોટી પ્રતિમા છે. આ સાથે જ બાળાસાહેબ ઠાકરેનું સ્મારક પણ બનાવવામાં આવ્યું હતું.
શિવાજી પાર્કના વિશાળ મેદાનમાં શિવસેનાનો ભગવો ઝંડો, એનસીપીના ઘડિયાળ ચિહન ધરાવતો અને કોંગ્રેસના હાથ ધરાવતા ઝંડા લહેરાતા હતા. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ શપથ વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત તો રહ્યા હતા, પરંતુ ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા આપ્યા વગર જ નીકળી ગયા હતા. દરમિયાન ઠાકરે સમર્થકોના એક જૂથે દેવેન્દ્ર ફડણવીસ પરત જાઓ... પરત જાઓ... એવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
શપથ ગ્રહણના સમારંભમાં મહારાષ્ટ્રના ખૂણે ખૂણેથી લોકો શિવાજી પાર્કમાં મેદાન ઊમટી પડયા હતા. લગભગ ૩૦૦થી ૪૦૦ બસ ભરીને લોકો આવ્યા હતા. શપથ વિધિ સમારોહમાં મહારાષ્ટ્રના ગામડાથી આવેલા મુસ્લિમો પણ જોવા મળતા હતા.

મોદીએ ઠાકરેને અભિનંદન આપ્યા

શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડીના નેતા તરીકે પસંદગી કરવામાં આવી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદે તેમનું નામ નક્કી થયું કે તરત જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને અભિનંદન સાથે શુભકામનાઓ આપી હતી. આ સમયે ઉદ્ધવે મોટા ભાઈ નરેન્દ્રભાઈને શપથવિધિ સમારોહમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું. વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂંટણી ટાંકણે નરેન્દ્ર મોદીએ ઉદ્ધવને નાના ભાઈ ગણાવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન પદની શપથ લીધા બાદ મોટા ભાઈએ મળવાની ઇચ્છા દર્શાવી હતી.

શપથ સમારંભમાં સેલિબ્રિટી

શિવાજી પાર્ક ખાતે ભવ્ય શપથ સમારંભમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, ઉદ્ધવ ઠાકરેનાં પત્ની રશ્મિ ઠાકરે, તેમનો વિધાનસભ્ય પુત્ર આદિત્ય ઠાકરે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અંબાણી, મનસે પ્રમુખ રાજ ઠાકરે, એનસીપી નેતા સુપ્રીયા સુળે, કોંગ્રેસના નેતાઓ અહેમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલ નાથ, છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલ, ડીએમકે પ્રમુખ એમ. કે. સ્ટાલીન, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તેમજ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શંકરસિંહ વાઘેલા, રાજીવ શુકલા, પ્રફુલ પટેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કપિલ સિબલ, અભિષેક મનુ સંઘવી વગેરે હાજર હતા. ઉદ્ધવ ઠાકરેને આર્શીવાદ આપવા પર પૂજય નમપદ્મ મહારાજ સાહેબ તથા સાધ્વી ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter