પહેલો સગો પડોશી

Tuesday 11th June 2019 13:41 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતનું સુકાન સંભાળ્યું છે ત્યારથી જ વિદેશ નીતિના મામલે પહેલો સગો પડોશીની ગુજરાતી ઉક્તિને અનુસરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા કાર્યકાળમાં પણ વિદેશ પ્રવાસનું મંગલાચરણ પડોશી દેશની મુલાકાત સાથે કર્યું છે. પ્રચંડ બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળનારા મોદીએ પહેલી વિદેશ યાત્રાના પ્રથમ તબક્કામાં માલદીવની અને બીજા તબક્કામાં શ્રીલંકાની મુલાકાત લઇને ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધોનો પાયો વધુ મજબૂત બનાવ્યો છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં રાજદ્વારી, આર્થિક અને ભૌગોલિક એમ ત્રણેય દૃષ્ટિકોણથી આગવું મહત્ત્વ ધરાવતા માલદિવ્સ અને શ્રીલંકાની મુલાકાત વેળા વડા પ્રધાન મોદીએ આતંકવાદને વૈશ્વિક ખતરો ગણાવીને તેને નાથવા એક સામે એકસંપ થવા હાકલ કરી હતી. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન તરીકેના પ્રથમ કાર્યકાળ દરમિયાન મોદીએ પહેલા વિદેશપ્રવાસ માટે ભૂતાનની પસંદગી કરી હતી.

શાંતિ માટે ભારતની ભૂમિકા મહત્ત્વનીઃ માલદીવ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ માલદીવે એવું જણાવ્યું કે ભારતીય મહાસાગરમાં શાંતિ માટે ભારતની ભૂમિકા મહત્ત્વની છે. માલેમાંથી પીએમ મોદી વિદાય થયા બાદ દેશના વિદેશપ્રધાન અબ્દુલા શાહિદે જણાવ્યું હતું કે ભારતીય મહાદ્વીપમાં શાંતિ અને સ્થિરતા માટે ભારતે મોટી ભૂમિકા ભજવવાની છે. ભારત અને માલદીવના સંબંધો ઈતિહાસ કરતાં પણ જુના છે. દરિયાના મોજા બન્ને દેશોને ભીંજવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે ભારત અને માલદીવ તેમના દ્વિપક્ષીય સંબંધોના ૫૪ વર્ષની ઉજવણી કરી રહ્યાં છે.
આ પૂર્વે વડા પ્રધાન મોદીએ ‘પીપલ મજલિસ’ તરીકે ઓળખાતી માલદીવની સંસદને સંબોધિત કરી હતી. મોદીએ કહ્યું કે હું બીજી વાર માલદીવ આવ્યો છું. બીજી વાર સંસદની ઐતિહાસિક કાર્યવાહીનો સાક્ષી બન્યો છું. ગત વર્ષના શપથગ્રહણ સમારોહમાં મને લોકશાહીની ઊર્જાના રોમાંચનો અનુભવ થયો હતો.

માલદીવ હિંદ મહાસાગરની ચાવી

વડા પ્રધાન મોદીએ ગયા શનિવારે પીપલ મજલિસને સંબોધતા કહ્યું હતું કે માલદીવ દુનિયાની સામે સૌંદર્યનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. માલદીવ હિંદ મહાસાગરની ચાવી છે. વડા પ્રધાને કહ્યું કે અહીં અલગ અલગ વિચારધારા અને દળોના સભ્ય દેશોમાં લોકશાહી, વિકાસ અને શાંતિ માટે સામૂહિક સંકલ્પને સિદ્ધિમાં બદલે છે. બરાબર આ જ રીતે થોડાક મહિના પહેલા માલદીવના લોકોએ એકજૂટ થઈને દુનિયાની સામે લોકશાહીનું ઉદાહરણ પૂરું પાડયું હતું. ભારત હંમેશા માલદીવની સાથે છે અને રહેશે.

પડોશી અમારી પહેલી પ્રાથમિકતા

મોદીએ કહ્યું કે પડોશી અમારી પહેલી પ્રાથમિકતા છે. ભારત અને માલદીવના સંબંધો ઈતિહાસ કરતાં પણ જૂના છે. દરિયાના મોજા બન્ને દેશોને પલાળી રહ્યાં છે. આ મોજાં આપણાં લોકોની વચ્ચે મિત્રતાના સંદેશવાહક રહ્યાં છે. ભારત માલદીવ સાથે ખભેખભો મિલાવીને કામ કરી રહ્યું છે. મોદીએ કહ્યું કે આ ગૃહ ઈંટ અને પથ્થરની બનેલી એક ઈમારત માત્ર નથી. આ લોકશાહીની ઊર્જા ભૂમિ છે જ્યાં દેશના ધબકારાઓ, તમારા વિચારો અવાજમાં ગૂંજે છે.

આતંકવાદ માનવતા માટે ખતરો

પાકિસ્તાન પર નિશાન સાધતા ભારતીય વડા પ્રધાને કહ્યું હતું કે હાલના સમયે આતંકવાદ સૌથી મોટો પડકાર છે. આતંકવાદીઓની ના તો પોતાની બેન્ક હોય છે કે ના તો શસ્ત્રોની ફેક્ટરી. આમ છતાં પણ તેમને નાણાં કે શસ્ત્રોની ખોટ પડતી નથી. આ બધું ક્યાંથી આવે છે, કોણ આપે છે, તેમને સુવિધાઓ કોણ આપે છે. આતંકના પ્રાયોજક સૌથી મોટો ખતરો છે. હું આજે પીપલ્સ મજલિસમાં હાજર રહીને ઘણો ખુશ થયો છું. ભારતના સહયોગનો આધાર લોકકલ્યાણ રહેશે. આજે એવી કોઈ જગ્યા નહીં હોય કે જ્યાં આતંકવાદે તેનું ભયાનક રૂપ ન દેખાડયું હોય, કોઈ નિર્દોષના પ્રાણ ન લીધા હોય. લોકો હજુ પણ સારો આતંકવાદ અને ખરાબ આતંકવાદ એવા ભેદ પાડી રહ્યાં છે. પાણી હવે માથા પરથી પસાર થઈ રહ્યું છે. આતંકવાદને પહોંચી વળવા માનવતાવાદી શક્તિઓએ એકસંપ થવાની જરૂર છે.
મોદીએ કહ્યું કે હું બીજી વાર માલદીવ આવ્યો છું. બીજી વાર સંસદની ઐતિહાસિક કાર્યવાહીનો સાક્ષી બન્યો છું. ગત વર્ષના શપથ ગ્રહણ સમારોહમાં મને લોકશાહીની ઊર્જાના રોમાંચનો અનુભવ થયો હતો.

વિવિધ ક્ષેત્રે ૬ દ્વિપક્ષીય સમજૂતી કરાર

વડા પ્રધાન મોદીના આ પ્રવાસ દરમિયાન માલદીવ અને ભારત વચ્ચે ૬ સમજૂતી કરારો (એમઓયુ) થયા હતા. બન્ને દેશના વડાઓની ઉપસ્થિતિમાં જે તે વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. મોદીએ માલદીવના પ્રમુખ ઇબ્રાહીમ મોહમ્મદ સોહિલ સાથે બેઠક પણ યોજી હતી. જેમાં તેમણે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. બન્ને દેશો વચ્ચે થયેલા કરારોમાં હાઇડ્રોગ્રાફી, પેસેન્જર અને કાર્ગો સમુદ્રી સેવાનો પ્રારંભ, માલદીવ સિવિલ સર્વન્ટ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ અને ઇન્ડિયન નેવી વચ્ચે એક ટેક્નિકલ એમઓયુ પણ થયા હતા.
મોદી બીજી વખત વડા પ્રધાન બન્યા તે બાદ તેમની આ પહેલી વિદેશ યાત્રા હતી. તેમનું એરપોર્ટ પર સ્વાગત કરવા માટે માલદીવના વિદેશ પ્રધાન અબ્દુલ શાહિદ આવ્યા હતા. આ પૂર્વે ગયા વર્ષે ૨૦૧૮માં પણ મોદી માલદીવના નવા પ્રમુખની શપથવિધિમાં હાજરી આપવા માલદીવ ગયા હતા. આ તેમના કાર્યકાળમાં માલદીવની બીજી મુલાકાત છે.

મોદીને સર્વોચ્ચ સન્માન, તો સોલિહને ક્રિકેટ બેટ

માલદીવના પ્રમુખ ઇબ્રાહીમ મોહમ્મદ સોલિહે મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા હતા. પ્રમુખ સોલિહે એક ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીને ધ મોસ્ટ ઓનરેબલ ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ રુલ ઓફ નિશાન ઇજ્જુદ્દીનથી સન્માનિત કર્યા. નિશાન ઇજ્જુદ્દીન વિદેશી મહાનુભાવોને અપાતું માલદીવનું સૌથી મોટું સન્માન છે.
આ પ્રસંગે મોદીએ પ્રમુખ સોલિહને ભારતીય ક્રિકેટ ટીમના હસ્તાક્ષરો ધરાવતું બેટ ભેટમાં આપ્યું હતું. આ બેટ પર ક્રિકેટ વર્લ્ડ કપમાં રમી રહેલી ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓના હસ્તાક્ષર છે. બાદમાં વડા પ્રધાન મોદી બે તસવીરો શેર કરી હતી. મોદીએ લખ્યું કે કનેક્ટેડ બાય ક્રિકેટ, મારા મિત્ર રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મોહમ્મદ સોલિહ ક્રિકેટના મોટા ચાહક છે. તેથી મેં તેમને ક્રિકેટનું બેટ ભેટમાં આપ્યું હતું.

ભારતની મદદથી મસ્જિદની જાળવણી

વડા પ્રધાન મોદીએ સંસદને સંબોધતા જાહેરાત કરી હતી કે માલદીવની સૌથી જૂની પૈકી એક શુક્રવાર મસ્જિદના સંરક્ષણ અને દેખરેખરમાં ભારત માલદીવને દરેક પ્રકારની મદદ કરશે. મોદીએ આ મસ્જિદની ભરપૂર પ્રશંસા પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની મસ્જિદ દુનિયાના કોઇ પણ ભાગમાં નહીં જોવા મળે. મોદીએ જે મસ્જિદનો ઉલ્લેખ પોતાના ભાષણમાં કર્યો હતો તેનું નિર્માણ ૧૬૫૮માં કરવામાં આવ્યું છે. તેનો સમાવેશ વિશ્વ હેરિટેજ સ્થળ તરીકે પણ કરવામાં આવ્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter