પાંચ રાજ્યોમાં ચૂંટણી જંગ જાહેર

ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ, મણિપુરમાં વિધાનસભા ચૂંટણીનો તખતો તૈયાર

Wednesday 12th January 2022 04:08 EST
 
 

નવી દિલ્હી: ભારતનાં ચૂંટણી પંચ દ્વારા દેશનાં પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ચીફ ઇલેક્શન કમિશનર સુશીલ ચંદ્રાએ જાહેર કરેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ ૧૦ ફેબ્રુઆરીએ મતદાનનો પહેલો તબક્કો શરૂ થશે અને ૭મી માર્ચે છેલ્લા સાતમા તબક્કાનું મતદાન થશે. તમામ રાજ્યોમાં ૧૦મી માર્ચે મતગણતરી સાથે પરિણામો જાહેર કરાશે.

પાંચેય રાજ્યોમાં કોવિડ પ્રોટોકોલના પાલન સાથે મતદાન યોજાશે. ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં તો મણિપુરમાં બે તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે પંજાબ, ઉત્તરાખંડ, અને ગોવામાં એક જ તબક્કામાં મતદાન હાથ ધરાશે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ પાંચેય રાજ્યોમાં આચારસંહિતાનો તત્કાળ અમલ શરૂ થઈ ગઓ છે. ઉત્તર પ્રદેશની ૪૦૩, પંજાબની ૧૧૭, ઉત્તરાખંડની ૭૦, મણિપુરની ૬૦ અને ગોવાની ૪૦ બેઠકો માટે મતદાન યોજાશે. દેશનાં કુલ ૧૮.૩૪ કરોડ મતદારો તેમનાં મતાધિકારનો ઉપયોગ કરશે.
કોરોના મહામારી વચ્ચે ચૂંટણી યોજવા સંદર્ભે મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું હતું કે, ‘યકીન હો તો કોઈ રાસ્તા નિકલતા હૈ, હવા કા ઓટ લેકર ભી ચિરાગ જલતા હૈ’. પ્રેસ કોન્ફરન્સમાં અન્ય બે ચૂંટણી કમિશનર રાજીવ કુમાર તેમજ અનુપ ચંદ્ર પાંડે પણ તેમની સાથે હાજર રહ્યા હતા. ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં - ૧૦ ફેબ્રુઆરીએ પહેલા તબક્કાનું, ૧૪ ફેબ્રુઆરીએ બીજા તબક્કાનું, ૨૦ ફેબ્રુઆરી ત્રીજા તબક્કાનું, ૨૩ ફેબ્રુઆરી ચોથા તબક્કાનું અને ૨૭ ફેબ્રુઆરી પાંચમા, ૩ માર્ચે છઠ્ઠા અને ૭ માર્ચે સાતમા તબક્કાનું મતદાન યોજાશે. મણિપુરમાં બે તબક્કામાં - ૨૭ ફેબ્રુઆરીએ પહેલા તબક્કાનું અને ૩ માર્ચે બીજા તબક્કાનું મતદાન કરશે.

શું છે ચૂંટણી પ્રોટોકોલ?
• ૧૫મી જાન્યુઆરી સુધી તમામ પ્રકારના રોડ શો, પદયાત્રા, સાઈકલ રેલી કે બાઈક રેલી અને વિજય સરઘસો પર પ્રતિબંધો, ૧૫મીએ સમીક્ષા પછી નવી સૂચના જાહેર કરાશે. • તમામ રાજકીય પક્ષો, ઉમેદવારોને ડિજિટલી કે વર્ચ્યુઅલી ચૂંટણી પ્રચાર કરવા તાકીદ. • ડોર ટુ ડોર પ્રચારમાં ફક્ત પાંચ વ્યક્તિ ભાગ લઈ શકશે.• ચૂંટણી પરિણામો જાહેર થયા પછી કોઈ વિજય સરઘસ કાઢી શકાશે નહીં. • રેલીને મંજૂરી અપાય તો તમામ ઉમેદવારોએ રેલી પહેલાં કોવિડ પ્રોટોકોલના પાલન માટે શપથપત્ર આપવું પડશે. • કોવિડ પ્રોટોકોલનો ભંગ કરનાર સામે કાનૂની પગલાં લેવાશે. • રાત્રે ૮ વાગ્યાથી સવારે ૮ સુધી કોઈ સભા યોજવા મંજૂરી અપાશે નહીં. • જાહેર રસ્તા પર કે નુક્કડ પર કોઈ સભા યોજી શકાશે નહીં. • તમામ મતદાન મથકોએ સેનિટાઇઝર તેમજ માસ્કનો ઉપયોગ ફરજિયાત. • ચૂંટણી સાથે જોડાયેલા તમામ અધિકારી અને કર્મચારી ફ્રન્ટલાઈન વર્ક્સ ગણાશે અને તેમને વેક્સિન અપાશે.
ચૂંટણી આયોજન ઊડતી નજરે
• મતદાન કેન્દ્રમાં ૧૬ ટકાનો વધારોઃ કુલ ૨,૧૫,૩૯૬ મતદાન કેન્દ્રો. • ૮૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને કોરોના પોઝિટિવ વ્યક્તિ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. • દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક મતદાન મથકનું સંચાલન મહિલાઓ કરશે. • ચૂંટણી પંચ cVIGIL એપ દ્વારા મતદાન પર નજર રાખશે. મતદારની ફરિયાદ સામે ૧૦૦ મિનિટમાં એક્શન. • મોટા રાજ્યોમાં દરેક ઉમેદવાર મહત્તમ રૂ. ૪૯ લાખનો ચૂંટણી ખર્ચ કરી શકશે. • તમામ રાજકીય પક્ષોએ પોતાના કોઇ ઉમેદવાર ગુનાઇત ઇતિહાસ ધરાવતા હોય તો તેની માહિતી જાહેર કરવાની રહેશે. • તમામ ઉમેદવારો ઓનલાઈન ઉમેદવારી પત્ર ભરી શકશે. • સોશિયલ મીડિયાની પોસ્ટ પર નજર રખાશે. હેટ સ્પીચ ચલાવી લેવાશે નહીં. • ચૂંટણી છે તેવા પાંચેય રાજ્યોમાં મતદાનનો સમય એક કલાક લંબાવાયો છે. • દરેક મતદાન કેન્દ્ર પર મતદારોની સંખ્યા ૧,૫૦૦થી ઘટાડી ૧,૨૫૦ કરાઈ


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter