મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધને પ્રચંડ જીત મેળવી છે અને ગઠબંધને લગભગ 70 ટકા જેટલી સીટો પર કબ્જો જમાવ્યો છે. મહારાષ્ટ્રમાં મહાયુતિની જીતમાં પછાત વર્ગ અને મહિલા મતદાતાઓએ ખાસ ભૂમિકા ભજવી છે.
ઓબીસી વર્ગના વોટના જોરે ભાજપે મહારાષ્ટ્રનો કિલ્લો સર કર્યો હતો. ઓબીસી મતદાતાઓ ઐતિહાસિક રીતે જ મહત્ત્વપૂર્ણ મતદાતા સમુહ રહ્યો છે. ભાજપે વર્ષોથી રાજ્યમાં ઓબીસી મતને એકજૂથ રાખીને તેમની પોતાની તરફ વાળ્યા છે. જોકે, આ કવાયતનો આશય મરાઠા સમુદાયના પ્રભાવનો મુકાબલો કરવાનો હતો, જે પરંપરાગત રીતે જ કોંગ્રેસ પાર્ટીના સમર્થક રહ્યા છે. અને તેથી જ ભાજપે મહારાષ્ટ્રમાં ‘માધવ’ ફોર્મ્યુલા પર કામ કર્યુ હતું.
ભાજપ 1990ના દાયકાથી જ ઓબીસી મતોને એકજૂથ કરવા માટે સક્રિય રીતે કામ કરી રહી છે. તેના માટે ‘માધવ’ ફોર્મ્યુલા જેવી રણનીતિ અપનાવી હતી. આ ફોર્મ્યુલા માળી, ધનગર અને વંજારી જેવા વિવિધ ઓબીસી સમુદાયોને એકજૂથ કરે છે.
‘માધવ’ ફોર્મ્યુલાનો અર્થ માળી, ધનગર અને બંજારા સમુદાય છે. આ ઐતિહાસિક જોડાણે ઓબીસી વચ્ચે એક મજબૂત મતદાતા આધાર તૈયાર કર્યો છે, જે રાજ્યમાં સત્તા માટે મહત્ત્વપૂર્ણ છે.
અતુલ લિમિયેની મહત્ત્વની ભૂમિકા
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મહાયુતિના નેતાઓ માટે સામાજિક સમૂહો સાથે સંપર્ક સાધવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં સંઘના સંયુક્ત મહાસચિવ 54 વર્ષીય અતુલ લિમયેની રણનીતિ અને સામાજિક સંતુલન સ્થાપવામાં મોટી ભૂમિકા રહી છે એમ કહી શકાય. મહારાષ્ટ્રની ચૂંટણીમાં મહાયુતિના ભવ્ય વિજય સાથે અતુલ લિમિયે ચર્ચામાં આવ્યા છે. તેમના સોશિયલ એન્જીનીયરિંગે શાસનવિરોધી લહેરની અસરો દૂર કરવામાં મોટો ફાળો આપ્યો.
નાસિકના એન્જીનીયર અતુલ લિમયે લગભગ ત્રણ દાયકા અગાઉ એક મલ્ટીનેશનલ કંપની છોડીને સંઘમાં જોડાયા હતા અને પૂર્ણકાલીન પ્રચારક બની ગયા હતા. તેમણે શરૂમાં રાયગઢ અને કોંકણમાં કામ કર્યું. ત્યાર બાદ મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના ક્ષેત્રોમાં કામ કર્યા પછી દેવગીરિ પ્રાંતના સહ પ્રાંત પ્રચારક બન્યા. 2014માં મહારાષ્ટ્રની ચૂંટણીમાં એનડીએની જીત વખતે પણ તેઓ મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવા સહિત પશ્ચિમી મહારાષ્ટ્ર ક્ષેત્રના પ્રભારી હતા.