ભારતમાતાના શિરે મુકુટમણિ

Wednesday 06th November 2019 05:14 EST
 
 

નવી દિલ્હીઃ અખંડ ભારતના શિલ્પી અને દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર પટેલનું સ્વપ્ન તેમની ૧૪૪મી જન્મજયંતીએ નક્કર હકીકત બન્યું છે. આર્ટિકલ ૩૭૦ને રદ કરતા ઐતિહાસિક નિર્ણયના ૮૬ દિવસ બાદ જમ્મુ-કાશ્મીરનો વિશેષાધિકાર ધરાવતા રાજ્યના દરજ્જાનો અંત આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ૩૦મી ઓક્ટોબરે મોડી રાત્રે જાહેરનામું જારી કરીને રાજ્યની પરમેનન્ટ રેસિડન્સી રદ કરી હતી. આ સાથે જ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બંનેને અલગ અલગ કેન્દ્ર-શાસિત પ્રદેશ જાહેર કરાયા હતા. બંને કેન્દ્રશાસિત પ્રદેશના વડા જમ્મુ-કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન એક્ટ - ૨૦૧૯ અંતર્ગત લેફ્ટનન્ટ ગવર્નર રહેશે. ઉલ્લેખનીય છે કે ભારતીય સંસદે પાંચમી ઓગસ્ટે બે-તૃતિયાંશ બહુમતી સાથે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ની જોગવાઇ રદ કરી હતી. વિભાજિત કરાયેલા જમ્મુ-કાશ્મીરના પહેલાં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ૩૧ ઓક્ટોબરે ગિરીશ ચંદ્ર મુર્મુએ શપથગ્રહણ કર્યાં હતા.

રાજભવનમાં યોજાયેલા સાદા સમારંભમાં જમ્મુ-કાશ્મીર હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ ગીતા મિત્તલે ૬૦ વર્ષીય મુર્મુને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. રાજ્યના ચીફ સેક્રેટરી બી. વી. આર. સુબ્રમણ્યમે મુર્મુની નિયુક્તિનું વોરંટ વાંચી સંભળાવ્યું હતું.
આ પ્રસંગે ભાજપના રાજ્યસભાના સાંસદ જુગલ કિશોર અને પીડીપીના સાંસદ નઝિર લેવે સહિત ૨૫૦ મહાનુભાવો હાજર રહ્યા હતા. અલગ કરાયેલા લદ્દાખના પહેલા લેફ્ટનન્ટ ગવર્નર નિયુક્ત થયેલા પૂર્વ સનદી અધિકારી ૬૬ વર્ષીય રાધાકૃષ્ણ માથુરે લેહના સિંધુ સંસ્કૃતિ ભવન ખાતે આયોજિત સમારોહમાં હોદ્દાના શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે લેહ અને કારગિલ હિલ કાઉન્સિલના અધિકારીઓ, સેના અને અર્ધલશ્કરી દળોના અધિકારીઓ, ધાર્મિક આગેવાનો અને સામાન્ય જનતા હાજર રહ્યા હતા. આર. કે. માથુર ત્રિપુરા કેડરના આઇએએસ અધિકારી છે.

ભારત સરકારે નવો નક્શો જાહેર કર્યો

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને નવા કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરતો આદેશ ૩૧મી ઓક્ટોબરથી લાગુ થઇ ગયો છે. જેના પગલે હવે દેશનો નવો નક્શો પણ ભારત સરકાર દ્વારા જારી કરવામા આવ્યો છે, જેમાં આ બન્ને પ્રાંતને કેન્દ્રશાસિત પ્રદેશ દર્શાવવામાં આવ્યા છે. ભારત સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ દર્શાવતા બન્નેના નક્શાને જારી કર્યા છે. મહત્વપૂર્ણ એ છે કે આ નક્શામાં મુઝફ્ફરાબાદને પણ સામેલ કરી લેવામાં આવ્યું છે. જ્યારે લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશમાં અક્સાઇ ચીનનો પણ સમાવેશ કરાયો છે. સરકારનું માનવું છે કે આ નક્શામાં વાસ્તવિક સ્થિતિને દર્શાવવામાં આવી છે. આર્ટિકલ ૩૭૦ને ગત ઓગસ્ટ મહિનામાં જ નાબૂદ કરી નાંખવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાની સાથે જ અહીં નવા ઉપરાજ્યપાલની પણ વરણી કરવામાં આવી છે. મતલબ કે સરકારે આ બન્ને પ્રાંતમાં પોતાની કામગીરીને શરૂ કરી દીધી છે. આ પહેલા ભાજપ અધ્યક્ષે દાવો કર્યો હતો કે યોગ્ય સમય આવશે ત્યારે જમ્મુ-કાશ્મીરને વિધાનસભાની પૂર્વવત સ્થિતિમાં કાર્યરત કરાશે.

હવે કચ્છ નહીં, લેહ સૌથી મોટો જિલ્લો

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશો પણ સત્તાવાર જાહેર કરી દેવાયા છે. જેના પગલે હવે દેશમાં સૌથી મોટો જિલ્લો પણ કાશ્મીરમાં જ બન્યો છે. ભૌગોલિક પરિસ્થિતિ પર નજર કરીએ તો જમ્મુ-કાશ્મીર કરતાં પણ લદ્દાખનું ક્ષેત્રફળ મોટું છે. જોકે તેની પાસે માત્ર બે જ જિલ્લા છે, જેમાં લેહ અને કારગિલનો સમાવેશ થાય છે. આમ ક્ષેત્રફળની દૃષ્ટિએ જોઇએ તો હવે લેહ ભારતનો સૌથી મોટો જિલ્લો બની ગયો છે. જોકે લેહનો એક ભાગ પાકિસ્તાનમાં અને એક ચીનના કબજામાં છે. 

પહેલા ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશમાં કચ્છ જિલ્લો સૌથી મોટો હતો, પણ હવે તેનું સ્થાન બીજા ક્રમે રહેશે. પહેલા ક્રમે લેહ જિલ્લાને સૌથી મોટો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાત વસતીના આધારે નહીં, પણ ક્ષેત્રફળ મોટુ હોવાથી જાહેર કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી માહિતી અનુસાર ૧૯૪૭માં ભૂતપૂર્વ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં ૧૪ જિલ્લા હતા. જોકે ૨૦૧૯ આવતાં આવતાં રાજ્ય સરકારે ૧૪ના ૨૮ જિલ્લા બનાવી નાખ્યાં હતા. ભારત દ્વારા નવા નક્શાને પણ જારી કરવામાં આવ્યા છે, જેથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. નવા નક્શામાં એવા વિસ્તાર પણ છે કે જેના પર પાકે. કબજો કરી લીધો હોય.

ચીનનો ચંચુપાત, ભારતનો જવાબ

જમ્મુ-કાશ્મીરના સત્તાવાર વિભાજનના દિવસે ચીને જણાવ્યું હતું કે, ભારત સરકારનું આ પગલું ગેરકાયદે અને રદ થવા પાત્ર છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે જણાવ્યું હતું કે કથિત કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કેટલાક ચીની પ્રદેશનો પણ સમાવેશ થાય છે. ચીન ભારતના આ પગલાંનો ઉગ્ર વિરોધ કરે છે. ભારત તેના ઘરેલુ કાયદામાં મનફાવે તેમ સુધારા કરી ચીનની અખંડતતાને પડકાર આપી રહ્યો છે.
ચીનના નિવેદનની પ્રતિક્રિયા આપતાં ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના આંતરિક પ્રદેશ છે. ચીન આ વલણને સારી રીતે જાણે છે. જમ્મુ-કાશ્મીરનું વિભાજન ભારતનો આંતરિક મામલો છે. અમે નથી ઈચ્છતા કે ચીન સહિત કોઈ દેશ ભારતની આંતરિક બાબત પર ટિપ્પણી કરે.

મલિક હવે ગોવાના ગવર્નર

જમ્મુ-કાશ્મીરના વર્તમાન ગવર્નર સત્યપાલ મલિકને ગોવાના રાજ્યપાલ બનાવાયા છે. જ્યારે પી. એસ. શ્રીધરન પિલ્લાઈને મિઝોરમનાં રાજ્યપાલ બનાવાયા છે. જમ્મુ-કાશ્મીરના ઈન્ટરલોક્યુટર દિનેશ્વર શર્માને લક્ષદ્વિપનાં એડમિનિસ્ટ્રેટર નિયુક્ત કરાયા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter