મોદીએ ટ્રમ્પને સંભળાવ્યુંઃ કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય મામલો, મધ્યસ્થીની કોઇ જરૂર નથી

Wednesday 28th August 2019 05:48 EDT
 
 

બિરિત્ઝઃ ભારતે કાશ્મીર મુદ્દે અન્ય કોઇ પણ દેશની મધ્યસ્થીનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. જી-૭ સંમેલનમાં હાજરી આપવા ફ્રાન્સ ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિમાં જ સ્પષ્ટ કર્યું હતું કે કાશ્મીર મામલે ભારત અન્ય કોઇ પણ દેશને કષ્ટ આપતું નથી કેમ કે આ દ્વિપક્ષીય મામલો છે. તેમ જ તેનો ઉકેલ ભારત-પાકિસ્તાન સાથે મળીને શોધશે. ફ્રાન્સના બિરિત્ઝમાં યોજાયેલા વિશ્વના સૌથી વધુ ઔદ્યોગિકીકરણ ધરાવતા સાત દેશોના જી-૭ શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
વડા પ્રધાન મોદીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ૪૦ મિનિટની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન મોદીના કાશ્મીર મુદ્દે મક્કમ વલણના કારણે ટ્રમ્પને પોતાનો સૂર બદલવાની ફરજ પડી હતી.
અગાઉ એક કરતાં વધુ વખત કાશ્મીર મામલે મધ્યસ્થી કરવાની તત્પરતા દાખવી ચૂકેલા ટ્રમ્પે તેમના સૂર બદલતા જણાવ્યું હતું કે, કાશ્મીર વિવાદમાં ત્રીજા પક્ષની મધ્યસ્થીની જરૂર નથી. ભારત અને પાકિસ્તાન જાતે જ કાશ્મીર વિવાદનો ઉકેલ લાવી શકે છે.
વડા પ્રધાન મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુલ મેક્રોન વચ્ચેના મૈત્રીભર્યા સંબધોના પરિણામ સ્વરૂપ ભારતને જી-૭ સમિટમાં વિશેષ આમંત્રણ અપાયું હતું. ઉલ્લેખનીય છે કે જી-૭ દેશોમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકાનો સમાવેશ થાય છે.

મોદી પર મને પૂરો ભરોસો: ટ્રમ્પ

મોદી-ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ તે પછી બંને નેતાઓએ પત્રકાર પરિષદને સંબોધી હતી અને વિવિધ સવાલોના જવાબો આપ્યાં હતાં. ટ્રમ્પની હાજરીમાં જ મોદીએ કાશ્મીર મુદ્દે અન્ય કોઈ પણ દેશની મધ્યસ્થીનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. મોદીએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે કાશ્મીર મુદ્દે ભારત અન્ય કોઈ પણ દેશને કષ્ટ આપવા ઈચ્છતું નથી અને તેનો ઉકેલ ભારત-પાકિસ્તાન સાથે મળીને શોધશે.
ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદી પર મને પૂરો ભરોસો છે. કાશ્મીર મુદ્દો ભારત અને પાક. વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે જે બંને દેશ સાથે મળીને ઉકેલશે તેવી મને શ્રદ્ધા છે. મોદીએ કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ઊંડાણપૂર્વક ચર્ચા થતી રહેતી હોય છે.
ટ્રમ્પે કહ્યું હતું કે, મેં પીએમ મોદી સાથે ગઈ રાત્રે કાશ્મીર મુદ્દે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ મને કહ્યું કે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. મને આશા છે કે, તેઓ કંઈક સારું કરવામાં કામિયાબ થશે. જે થશે તે સારું થશે.
ભારત-અમેરિકાના સંબંધો અંગે મોદીએ કહ્યું હતું કે બંને દેશો માનવજાતના કલ્યાણ અને વિકાસ માટે સાથે કામ કરે તે ખૂબ જરૂરી છે. ભારત-અમેરિકાના સંબંધોમાં બંને દેશોના નાગરિકોની પણ મહત્વની ભૂમિકા છે. અમેરિકામાં રહેતા ભારતીય મૂળના નાગરિકો પણ ભારતના પ્રતિનિધિ સ્વરૂપે ભારતની ઈમેજ સર્જી રહ્યા હોવાનું મોદીએ કહ્યું હતું. પ્રમુખ ટ્રમ્પ અને મોદી વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને સંરક્ષણ સહકાર વધારવા માટે સહમતી સધાઈ હતી.

કલ્યાણ કાર્યો માટે પાક.ને પ્રસ્તાવ

પાકિસ્તાન અને તેના વડા પ્રધાનનો ઉલ્લેખ કરતાં મોદીને કહ્યું હતું કે જ્યારે વડા પ્રધાન તરીકે ઈમરાન ખાને કાર્યભાર સંભાળ્યો તે વખતે જ તેમની સાથે વાત કરીને બંને દેશોના નાગરિકોની ભલાઈ માટે સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
મોદીએ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન બંનેની ઘણી મુશ્કેલીઓ એક સમાન છે. ભારત-પાકે. ગરીબી, બેકારી, શિક્ષણ જેવા મુદ્દાઓ માટે લડવાનું છે અને એમાં બંને દેશોનો સહકાર આવશ્યક છે.

ભારત વિશ્વાસપાત્ર સાથીદારઃ ટ્રમ્પ

ટ્રમ્પે ભારત સાથેના સંબંધોને બહુ જ મહત્વના ગણાવ્યા હતા અને ભારતને વિશ્વાસપાત્ર સાથીદાર ગણાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભારત સાથેનો અમેરિકાનો વેપાર વધ્યો છે. ભારતમાં વેપારની અનુકૂળતા થઈ છે. બંને દેશો વચ્ચે વેપાર-વ્યવહાર ઘણો આગળ વધ્યો છે.
ટ્રમ્પે મોદીના અંગ્રેજીની પ્રશંસા કરી
સંમેલન પછી પત્રકાર પરિષદ વખતે મોદીએ કાશ્મીર અંગેના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે આ બાબતે જરૂર પડશે તો અમે બંને (મોદી-ટ્રમ્પ) વાત કરી લઈશું. અમને વાત કરવા દો અને જ્યારે જરૂર લાગશે ત્યારે તમને જાણ થઈ જશે. આ પછી ટ્રમ્પે તરત જ રમૂજ કરતા કહ્યું હતું કે પીએમ મોદી બહુ સારું ઇંગ્લિશ બોલે છે, પણ આપણે અત્યારે તેની વાત નહીં કરીએ. એ સાંભળીને મોદી-ટ્રમ્પ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ અને પત્રકારો પણ ખડખડાટ હસી પડયા હતા.

ગાઢ મિત્રતા દર્શાવતા મોદી-ટ્રમ્પ

ઇંગ્લિશ વિશેની કોમેન્ટ સાંભળીને મોદી હસ્યા કે તરત જ પ્રમુખ ટ્રમ્પે મોદી સાથે હાઈ-ફાઈવની અદાથી હાથ મિલાવ્યો હતો. મોદીએ એ વખતે બીજા હાથથી ટ્રમ્પના પંજાને થપથપાવીને ઉષ્મા બતાવી હતી. એ વખતે બંને નેતાઓ વચ્ચેની ગાઢ દોસ્તી જોવા મળતી હતી. આ પહેલાં પત્રકાર પરિષદની શરૂઆતમાં મોદીએ જ્યારે અમેરિકાના લોકોનો આભાર માન્યો ત્યારે ટ્રમ્પે પણ મોદીના હાથ પર થપકી મારીને ઉષ્મા બતાવી હતી.

મોદી-જ્હોન્સન વચ્ચે પહેલી બેઠક

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંમેલનની સમાંતરે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર, સંરક્ષણ અને સંશોધન મુદ્દે ચર્ચા થઇ હતી. બેઠકના પ્રારંભે મોદીએ જ્હોન્સનને એશિઝ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના વિજય માટે અભિનંદન પણ આપ્યા હતા.
બાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સાથેની બેઠક ખૂબ જ સારી રહી. અમે વેપાર, સંરક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં સહકારને વધુ ઘનિષ્ઠ બનાવવા માટે ચર્ચાવિચારણા કરી હતી.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે જણાવ્યું હતું કે જી-૭ સમિટ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સાથેની બેઠક સારી રહી છે. આ બેઠકને કારણે બંને દેશો વચ્ચેના સંબધો વધુ મજબૂત બનશે અને તેનો લાભ બંને દેશોના નાગરિકોને મળશે.
ગયા મહિને બ્રિટનના વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ જ્હોન્સન અને મોદી વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી. ઉલ્લેખનીય છે કે આ સપ્તાહની શરૂઆતમાં બંને નેતાઓ વચ્ચે ટેલિફોન પર વાત થઇ હતી. આ વાતચીતમાં બ્રિટનના વડા પ્રધાને જમ્મુ-કાશ્મીરને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનના વડા પ્રધાન જ્હોન્સન ઉપરાંત સેનેગલના પ્રમુખ મેકી સેલને પણ મળ્યા હતાં બંને દેશના નેતાઓએ દ્વિપક્ષીય સંબધો મજબૂત બનાવવા સંમત થયા હતાં. બંને નેતાઓએ આતંકવાદ મુદ્દે પણ ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારતની જેમ સેનેગલને પણ જી-૭ સમિટમાં વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter