રાફેલનું ભૂત ફરી ઉડ્યુંઃ ભારત સાથેના રૂ. ૫૯ હજાર કરોડના સોદાની ફ્રાન્સમાં તપાસ

Wednesday 07th July 2021 04:02 EDT
 
 

પેરિસ: ભારત સાથેના રૂપિયા ૫૯,૦૦૦ કરોડના ૩૬ રાફેલ યુદ્ધવિમાન સોદામાં ભ્રષ્ટાચાર અને તરફેણ કરાયાના આરોપોની તપાસ માટે ફ્રાન્સમાં ન્યાયિક તપાસ માટે ફ્રેન્ચ ન્યાયાધીશની નિયુક્તિ કરાઈ છે.
ફ્રાન્સની નેશનલ ફાઇનાન્સિયલ પ્રોસિક્યુટર્સની કચેરીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ફ્રાન્સની એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ કંપની દસોલ્ટ વચ્ચે થયેલા ૩૬ રાફેલ વિમાન ખરીદવાના ૯.૩ બિલિયન યુએસ ડોલર (રૂ. ૫૯ હજાર કરોડ)ના સોદામાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આરોપો લાંબા સમયથી થઇ રહ્યાં છે. શરૂઆતમાં ફ્રાન્સની કચેરીએ આ આરોપોની તપાસ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. ફ્રેન્ચ ઇન્વેસ્ટિગેટિવ વેબસાઇટ મીડિયાપાર્ટે આક્ષેપ કર્યો હતો કે કચેરી સોદા પર વ્યક્ત કરાતી શંકાઓને દફનાવી દેવા માગે છે.
મીડિયાપાર્ટે જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સ વચ્ચેના રાફેલ વિમાન સોદાની ન્યાયિક તપાસ ૧૪ જૂનથી શરૂ કરાઈ છે. નેશનલ ફાઇનાન્સિયલ પ્રોસિક્યુટર્સની કચેરી દ્વારા હવે વિધિવત્ તપાસ શરૂ કરવામાં આવી છે.
ફ્રાન્સની એનજીઓ શેર્પા દ્વારા આ સોદામાં થયેલા ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ કરાઈ છે અને એપ્રિલ મહિનામાં મીડિયાપાર્ટ દ્વારા ભ્રષ્ટાચાર અંગેના નવા રિપોર્ટ પ્રસિદ્ધ કરાયા બાદ ન્યાયિક તપાસનો આદેશ અપાયો છે.
રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર પર શ્રેણીબદ્ધ રિપોર્ટ પ્રસિદ્ધ કરનારા મીડિયાપાર્ટના પત્રકાર યાન ફિલિપિને જણાવ્યું હતું કે, પીએનએફના પૂર્વ વડાએ વર્ષ ૨૦૧૯માં કરાયેલી સૌપ્રથમ ફરિયાદને દબાવી દીધી હતી. પીએનએફના જણાવ્યા અનુસાર ન્યાયિક તપાસ દરમિયાન રાફેલ સોદા સમયે ફ્રાન્સના પ્રમુખ પદે રહેલા ફ્રાન્કોઇસ ઓલાન્દે, તત્કાલિન નાણાપ્રધાન અને હાલ ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં અને તત્કાલિન સંરક્ષણ પ્રધાન તથા હાલના વિદેશ પ્રધાન જીન યવેસ લાડ્રિયાનની પણ પૂછપરછ કરવામાં આવશે. આ બંનેના કાર્યકાળ દરમિયાન જ રાફેલ વિમાનના સોદા માટે કરાર કરાયો હતો.
ભારતીય વચેટિયાને ૧૦ લાખ યૂરોની કટકી મળી?
એપ્રિલ મહિનામાં દેશની એન્ટિકરપ્શન એજન્સી દ્વારા કરાયેલી તપાસને ટાંકીને મીડિયાપાર્ટે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે ભારત સાથેના રાફેલ સોદા માટે દસોલ્ટ એવિએશને ભારતીય વચેટિયાને કટકી પેટે ૧૦ લાખ યૂરોની ચુકવણી કરી છે. જોકે દસોલ્ટે આ આરોપો નકારી કાઢતાં જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટના દાયરામાં કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન કરાયું નથી.
૨૩ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ એનડીએ સરકારે ભારતીય એરફોર્સ માટે ૧૨૬ યુદ્ધવિમાનો ખરીદવાની ૭ વર્ષથી ચાલતી પ્રક્રિયામાં રૂપિયા ૫૯,૦૦૦ કરોડના ખર્ચે ૩૬ રાફેલ યુદ્ધવિમાન દસોલ્ટ એવિએશન કંપની પાસેથી ખરીદવાનો કરાર ફ્રાન્સની સરકાર સાથે કર્યો હતો.
આ કરાર બાદ કોંગ્રેસે આ સોદામાં વ્યાપક ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આરોપો મૂક્યાં હતાં. કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે યુપીએ સરકારે રાફેલ વિમાનની કિંમત રૂપિયા ૫૨૬ કરોડ નક્કી કરી હતી, પરંતુ એનડીએ સરકારે ૧,૬૭૦ કરોડ રૂપિયાના ભાવે રાફેલ વિમાનની ખરીદી કરી છે.
રાહુલ ગાંધી એજન્ટ તરીકે વર્તે છે: ભાજપ
કોંગ્રેસના ગંભીર આરોપોનો જવાબ આપતા ભાજપના પ્રવક્તા સમ્બિત પાત્રાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી પ્રતિસ્પર્ધી સંરક્ષણ કંપનીઓના એજન્ટ તરીકે વર્તી રહ્યાં છે અને આ કંપનીઓ રાહુલ ગાંધીનો પ્યાદા તરીકે ઉપયોગ કરી રહી છે. ભારતને નબળો પાડવા માટે કોંગ્રેસ રાફેલ સોદામાં ભ્રષ્ટાચારના આરોપો મૂકી રહી છે. એક સ્વૈચ્છિક સંસ્થાની ફરિયાદના આધારે ફ્રાન્સમાં તપાસ શરૂ કરાઇ તેને ભ્રષ્ટાચારના મામલા તરીકે જોવી જોઇએ નહીં. કોંગ્રેસ આ મામલે જુઠ્ઠાણા ફેલાવી રહી છે.
ભ્રષ્ટાચારનું સત્ય હવે બહાર આવ્યુંઃ કોંગ્રેસ
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, ફ્રાન્સના મીડિયાની તપાસ બાદ હવે રાફેલ સોદાનું સત્ય બહાર આવી ગયું છે. અનિલ અંબાણીની કંપનીને સોદામાં હિસ્સેદાર બનાવવાનો નિર્ણય ભારત સરકારનો હતો તેવું પૂર્વ ફ્રેન્ચ પ્રમુખ ઓલાન્દેનું નિવેદન આજે સાચું ઠર્યું છે. કોંગ્રેસે રાફેલ સોદાની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) દ્વારા કરાવવાની માગનો પુનરોચ્ચાર કર્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter