હવે ઈન્દોરમાં ‘સુરતવાળી’ઃ કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું

Wednesday 01st May 2024 05:53 EDT
 
 

ઇન્દોર: મધ્યપ્રદેશના મહાનગર ઈન્દોરમાં પણ કોંગ્રેસની નેતાગીરી ઉંઘતી ઝડપાઇ છે અને તેની હાલત દક્ષિણ ગુજરાતના સુરત જેવી થઈ છે. લોકસભાની ચૂંટણીના બે તબક્કા ખતમ થયા બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીના હોમટાઉન ઈન્દોર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. કોંગ્રેસની હાલત કફોડી થઇ ગઇ છે. અક્ષય બમે ઉમેદવારી પાછી ખેંચતા જ કોંગ્રેસ આ બેઠક પર ચૂંટણી મેદાનમાંથી બહાર થઈ ગઈ છે. હવે ચૂંટણી જંગના મેદાનમાં માત્ર અપક્ષો જ રહ્યા હોવાથી આ બેઠક પર ભાજપ માટે જીતનો માર્ગ સાફ થઈ ગયો હોવાનું મનાય છે.
કોંગ્રેસ ઉમેદવાર અક્ષય બમ સોમવારે ભાજપના વિધાનસભ્ય રમેશ મેંદોલા સાથે કલેક્ટર કાર્યાલય પહોંચ્યા હતાં અને પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. તે પછી તેઓ પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય અને ધારાસભ્ય મેંદોલા સાથે ભાજપ કાર્યાલય જવા રવાના થયા હતાં. સમગ્ર ઘટનાક્રમ પરથી સ્પષ્ટ થતું હતું કે અક્ષય બમ ભાજપમાં જોડાઇ રહ્યા છે.
વિજયવર્ગીયની સેલ્ફી વાયરલ
આ દરમિયાન, ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીયે અક્ષયની સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં વાઇરલ થઈ ગઈ હતા. આ પોસ્ટમાં તેમણે અક્ષયનું ભાજપમાં સ્વાગત કર્યું હતું. આ સેલ્ફીમાં વિજયવર્ગીય અને અક્ષય બમ એક વાહનમાં સાથે સવાર દેખાઈ રહ્યા છે.
કોંગ્રેસ સાથ આપતી ન હતી: અક્ષય બમ
ઉમેદવારી પરત લઈ લીધા બાદ અક્ષય બમે જણાવ્યું હતું કે તેમણે ઉમેદવારી દાખલ કરી ત્યારથી જ તેને કોંગ્રેસ તરફથી કોઈ સપોર્ટ મળ્યો ન હતો. જોકે રાજકીય વર્તુળો અનુસાર ફોર્મ ભર્યા બાદથી જ કોંગ્રેસ અક્ષય કાંતિ પર જીતનું દબાણ બનાવી રહી હતી. ઇન્દોરના કલેક્ટર આશિષસિંહે મીડિયાને જણાવ્યું હતું કે ઈન્દોરના 23 ઉમેદવારોમાંથી નવે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે.
અક્ષય બમે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધાની વાત વહેતી થતાં જ કલેક્ટર કાર્યાલયમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. આ મુદ્દે કલેક્ટરે જણાવ્યું હતું કે વીડિયોગ્રાફીના માધ્યમથી ઘટનાની વિગત મેળવી કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે ઈન્દોર બેઠક પર આગામી 13 મેના રોજ ચોથા તબક્કામાં મતદાન થવાનું છે. ચોથા તબક્કામાં મધ્યપ્રદેશની કુલ આઠ બેઠક પર મતદાન થશે.
અક્ષય બમના ઘરે પોલીસ સુરક્ષા
કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અક્ષય બમના નિવાસસ્થાન પર તરત જ પોલીસ સુરક્ષા મૂકી દેવામાં આવી હતી. કલેક્ટર કચેરીમાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ બાદ પોલીસને શંકા છે કે કોંગ્રેસ કાર્યકરો બમના નિવાસસ્થાને પણ વિરોધ પ્રદર્શન કરી શકે છે અને આ દરમિયાન તેના ઘરમાં તોડફોડ ના થાય તે માટે પોલીસ ગોઠવી દેવામાં આવી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter