ગુજરાતનો અસલ ગરબો

Monday 26th October 2015 14:15 EDT
 

'ગુજરાત સમાચાર'ના મેનેજિંગ એડિટર શ્રીમતી કોકિલાબહેન પટેલે તા. ૧૦ ઓક્ટોબર, ૨૦૧૫ના અંકમાં આજે ગવાતા ગરબા - નવરાત્રિના પર્વ વિશે ખૂબ સચોટ રીતે અંગૂલિનિર્દેશ કર્યો. સાચી વાત એ છે કે ખાસ કરીને નવરાત્રિના પવિત્ર પર્વના દિવસોમાં ગવાતાં ગરબા પશ્ચિમી વાદ્યસંગીત અને ફિલ્મી ગીતોના સૂર, વસ્ત્રોના ફેશન શો, શરીર પરના ચિતરામણ ક્યારેક ધૃણા ઉપજાવે કે શરમાવે એવું વાતાવરણ સર્જે છે. ખરું પૂછો તો ગરબો એ તો આપણો અનોખો, મોંઘેરો સંસ્કારવારસો છે. ગરબો ગુજરાતનું ભૂષણ છે. વિશિષ્ટતા છે. પ્રખર નૃત્યકાર ઉદયશંકરે કહેલું કે ગુર્જર બહેનોના રાસ-ગરબા જોઈ મને નૃત્ય શીખવાની પ્રેરણા મળી. કવિશ્રી ન્હાનાલાલે કહ્યું કે ‘ગરબો-રાસ એ નર્તકીનું નૃત્ય નથી, સોહાગણનું લાસ્ય છે. પહેલા તો જાતે ગાઈને ગુજરાતણો ગરબે ઘૂમતી. ગાગર, કોડિયાં, કોતરેલા ગરબા જેવા વિવિધ સાધનો લઈ હીંચ લેતી. એ ગરબા ક્યાં ગયા?

આજના ગરબામાં અર્થ વિનાનો અંગમરોડ ઉચિત લાગતો નથી. સાચું છે કે જમાનાને અનુસરીને આપણા વિચારોમાં, ભાવનાઓમાં, પહેરવેશ અને રહેણીકરણીમાં ફેરફારો થાય - પરિવર્તન થાય એમાં કંઈ ખોટું નથી. પણ એ ફેરફારો ઉચિત હોવા જોઈએ. એ વિશે થોડી લક્ષ્મણ રેખા દોરાવી જરૂરી છે. ભાગવતમાં કૃષ્ણગોપીના રાસમાં શ્રીકૃષ્ણે સ્પષ્ટપણે, ભારપૂર્વક કહેલું કે અણિશુદ્ધ પ્રેમ - વિકાર વિનાનો ભાવ અભિવ્યક્ત થાય તો જ રાસમાં પ્રવેશ મળશે.

તેમ છતાં આપણે સાવ નિરાશ થવાની જરૂર નથી. આજના કેટલાક કાર્યક્રમોમાં આયોજકો કેટલીક બાબતો પ્રત્યે સૂચના આપી, પ્રતિબંધ મૂકે છે તે આવકારદાયક છે. બીજું, હજુ આજે પણ ગુજરાત - સૌરાષ્ટ્રમાં અને ક્યાંક ભરવાડોના નેસડામાં રાસડા - ગરબા જૂની ઢબે હીંચ સાથે માતાજીના જ ગરબા જીવંત રખાય છે.

તો આપણે આવા પવિત્ર પર્વના દિવસોમાં શા માટે આપણું જીવન શુદ્ધ સંસ્કારરસથી છલકાવી ન દઈએ?

કાંતાબેન અને પ્રભાકાંત પટેલ, ઓકવુડ

સંતોષનો ઊંડો અહેસાસ એટલે 'ગુજરાત સમાચાર'

તમારી જીંદગી આમ તો તમારી છે

એમાં સમાયેલી થોડી સ્મૃતિ અમારી પણ છે

રેખાઓ ભલે રહી તમારા હાથમાં

પણ એમાં મિત્રતાની એક લીટી અમારી પણ છે.

નિત નવીન લખાણ સાથે દુનિયાના અવનવા સમાચારો સાથે સુંદર માહિતી પીરસતું આપણું સાપ્તાહિક 'ગુજરાત સમાચાર' વાંચી અન્યને વંચાવી ખૂબ આનંદ સાથે સંતોષનો ઊંડો અહેસાસ અનુભવું છું. આપ સૌના અથાક સાથ અને સંયોગથી 'ગુજરાત સમાચાર' ખરેખર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે તેમાં બે મત નથી.

આવા ને આવા સુંદર કામ સાથે અથાક મહેનત એ જ તો છાપાની આગવી ઓળખાણ અને આબરૂ છે. ઈશ્વર હંમેશા આપ સૌને ખૂબ જ મહેનતુ અને મોભાદાર બનાવે એ જ પ્રાર્થના સાથે અભ્યર્થના છે. આ પત્ર સાથે લવાજનો ચેક રવાના કરું છું.

- દિનેશ માણેક, સાઉથ ફિલ્ડઝ

ગુજરાતી ભાષા બચાવો

ભારત અને પરદેશમાં ગુજરાતી ભાષા લુપ્ત થઈ રહી છે. ભવિષ્યમાં આપણાં બાળકોને તેની નોંધ કે માહિતી ફક્ત ચોપડીઅોમાં જ મળશે એમ લાગે છે. તેનું મહત્વનુ અને મૂળ કારણ એ છે કે અંગ્રેજી ભાષા જ સમાજમાં સન્માન અને મોભો આપે છે તેવું આપણાં માદરેવતનના દરેક વતનીઓ માને છે.

આજે ભારત અને વિદેશોમાં ગુજરાતી વર્ગો ચલાવતી શાળાઓ, બાળકોની અલ્પ સંખ્યા અને ભંડોળ ઘટ્યાં છે અથવા તો બંધ થઈ રહ્યા છે. વળી કોલેજોમાં પણ ગુજરાતી ભાષાની પસંદગીનો વિકલ્પ પણ માન્ય કરતાં નથી. ગુજરાતી ભાષાને ફરી સજીવન કરવામાં આપણું ‘ગુજરાત સમાચાર’ ઘણું જ અસરકારક યોગદાન આપે છે અને હજુ આપી શકે છે.

મારી નમ્ર અરજ છે કે ‘એશિયન વોઈસ’ ઈંગ્લીશ સમાચારમાં એક 'બાળ વિભાગ' શરૂ કરવો. જેમાં નાની અંગ્રેજી વાર્તાઓને ગુજરાતીમાં અનુવાદ કરવા બાળકોને પ્રોત્સાહિત કરવા, ઉત્તમ અનુવાદ કરનારા બાળકોને ગુજરાતી પુસ્તકો ભેટ આપવા. આમ થવાથી બાળકોને તેમના પરિવારના અન્ય સભ્યો પણ મદદ કરશે. એક વિશાળ ગુજરાતી ભાષાનું વર્તુળ બની રહેશે.

- પ્રમોદ મહેતા, ‘શબનમ’ સડબરી.

મોદીજીના આગમનને વધાવીએ...

'ગુજરાત સમાચાર - એશિયન વોઈસ'ને ખૂબ ખૂબ ધન્યવાદ કે દરેક જાતના ધાર્મિક, વ્યવહારિક, કૌટુંબિક આરોગ્ય વિગેરે ઉપરાંત દરેક વિગતવાર સમાચારથી આનંદ સંતોષ થાય છે.

આપણા લાડીલા ભારતના વડાસેવક, તન-મન-ધનથી નિઃસ્વાર્થ સેવા આપનાર શ્રી નરેન્દ્રભાઇ મોદી અમેરિકા ગયા ત્યારે તેમનું ખૂબ જ અંતકરણ:પૂર્વક દિલથી દરેક કોમ્યુનિટીએ સન્માન કર્યું. નરેન્દ્ર મોદી ન્યુયોર્કમાં અમેરિકી પ્રમુખ બરાક ઓબામાને મળ્યા. 'ગુજરાત સમાચાર'માં ફોટા જોઈને ખુશી થઈ. બંને નેતાઅો ખૂબજ પ્રેમથી ભેટ્યા અને તસવીરમાં તેમની ધીરજ, પ્રેમ, લાગણી વગેરે જણાઇ આવે છે.

તેની સામે ઘણા દેશો ખાવાના જુદા અને ચાવવાના જુદા દાંત જેવો વ્યવહાર ભારત સાથે કરે છે. 'મુખમેં રામ અને બગલ મેં છૂરી', પણ એ દિવસો હવે ગયા. આપણા નેતા સ્વ. શ્રી જવાહરજીને ઘણા દેશો છેતરીને લાભ ઊઠાવી ગયા. શ્રી નરેન્દ્ર મોદીને આમ તો શીખામણ આપવાની જરૂર નથી. તેઅો ચતુર છે, પણ સમય વર્તે સાવધાન, આજે કોઈના ઉપર વિશ્વાસ રાખી શકાય નહીં.

હવે આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અહીં પધારે છે ત્યારે 'ગુજરાત સમાચાર' અવનવી માહિતી સાથેના મોદીજી વિષેના સમાચાર પ્રસિધ્ધ કરે છે તેથી આનંદ થાય છે અને મને ખાતરી છે કે મોદીજીની મુલાકાત વખતે પણ 'ગુજરાત સમાચાર'માં જરૂર વિશેષ વાચનસામગ્રી પિરસવામાં આવશે. મોદીજીના સ્વાગત માટે આપણા સર્વે ગુજરાતી સમુદાયે આગળ આવીને ભાગ લેવો જોઇએ.

- પ્રભુદાસ જે. પોપટ, હંસલો

જીવનમાં ઉતારવા જેવો જીવંત પંથ

વડીલ શ્રી સી.બી. પટેલના 'જીવંત પંથ' વાંચવાની ખૂબ જ મજા પડે છે. એમાં ઘણું જાણવાનું તેમજ જીવનમાં ઉતારવા જેવું હોય છે. સમાજના હિતમાં ઘણું સુંદર અને સમજવા જેવું એમનું લખાણ વાંચીને આનંદ અનુભવીએ છીએ. પ્રભુએ તેમને વિચારવાની અને લખવાની ગજબ શક્તિ આપી છે. પ્રભુ એમના પર કૃપા કરે અને એમના તરફથી સારું-સુંદર વાંચન મળતું રહે એ જ પ્રાર્થના.

'જીવંત પંથ'માં ડિમેન્શિયાની બીમારી વિશે સરળ સમજ, એકલતાની સમસ્યા વિશેના ઉપાયો અને સમજ તેમજ જીવનમાં પલટો આવે છે અને નરસિંહ મહેતાનું ભજન - સુખદુઃખ મનમાં ન આણીએ.... વાંચી આનંદ થયો છે.

બધાં જ હરિભક્તો - માઈભક્તો તેમજ 'ગુજરાત સમાચાર'ના વાચકોને નવરાત્રિની શુભકામના પાઠવતા આનંદ અનુભવીએ છીએ.

- રતિલાલ ટેલર, સાઉથ ગેટ

રાજકારણ અને ધર્મ

રાજકારણમાંથી ધર્મને સંપૂર્ણ રૂખસદ આપવાને બદલે દેશમાં ધાર્મિક આળપંપાળ અને વોટબેંકોની ગંદી અને હાનિકારક રમતોથી પ્રજામાં કેટકેટલી વિટંબણાઓ અને ધાર્મિક અસહિષ્ણુતા વકરી રહી છે. ધર્મ અને ઈશ્વર એ તો વ્યક્તિગત વિષય છે એને દેશના રાજતંત્રમાં કોઈ સ્થાન આપી શકાય જ નહીં. દેશની પ્રજાને, ધર્મ, જાતિ, જ્ઞાતિ રીત, રૂઢી, ભાષા અને અનામતોનું ભૂત વળગી ગયું છે. એને લીધે પ્રજાના માનસમાં વરવું રૂપ ધારણ કરીને દેશની સુવ્યવસ્થાને ગળે ટૂંપો દઈ રહ્યું છે. પ્રજાને વિભાજીત કરી વધારે ને વધારે સ્વાર્થી, સ્વચ્છંદી અને ઉછાછળી બનાવીને છાશવારે હડતાલો, તોફાનો, અનિષ્ટ વર્તન અને ભાંગફોડભર્યા વિરોધોથી દેશની પ્રગતિને અવરોધે છે.

દેશની પાર્લામેન્ટમાં પણ પ્રજાના હિતની વાટાઘાટો અને વિચારોની આપ-લે કરવાને બદલે અનીચ્છનીય અને અણછાજતા વિરોધો અને વોકઆઉટ થાય છે. કેટલાક વખતે તો ધક્કામુક્કી અને ભાંગફોડ સાથે ખુરશીઓ ફેંકાય છે. આ લોકશાહીનું લક્ષણ નથી. ૬૮ વર્ષો પછી પણ અપરિપક્વ અને કેટલેક અંશે અજ્ઞાની પ્રજાને લોકશાહી પાકે પાયે પચી હોય એમ લાગતું નથી.

માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો નિર્મળ અને ઉમદા દેશપ્રેમ જગજાહેર છે. યુવા પેઢીને નોકરીઓ મળવાની તકો વધે અને દેશના અર્થતંત્રમાં તેમજ પરદેશી મૂડીના રોકાણની તકો વધે એવી એમની 'મેઈક ઈન ઈન્ડિયા'ની નીતિને પણ જોરશોરથી વખોડી નખાય છે. વધતી જતી વસ્તી અને ગરીબોની લંગારને અંકુશમાં લાવવાની તાતી જરૂર છે. જ્યાં ટોચથી માંડીને છેક નીચલા સ્તર સુધી, ભ્રષ્ટાચાર અને અનીતિનો ભરડો હોય, સાચા દેશપ્રેમનો અભાવ હોય ત્યાં ગમે તેવી સારામાં સારી સરકારો પણ નિષ્ફળ નીવડે એવી શક્યતા નકારી શકાય નહીં.

જે દેશોમાં ધર્મને અતિશય આધિપત્ય અપાતું હોય તે સર્વે દેશો દુનિયાની પંગતમાં પાછળ જ રહી ગયેલા નજરે પડે છે. જ્યારે વિક્સિત દેશોમાં ધર્મને જાહેર જીવનમાં ઓછામાં ઓછી અગત્યતા અપાતી હોય છે. દેશમાં ધાર્મિક સંસ્થાઓ અને પંથોનો રાફડો ફાટી નીકળ્યો છે કે જેનાથી પ્રજા એકતાથી વિમુખ થઈને અંદરોઅંદર લડી મરતી થઈ જતી હોય છે. I am an indian firstની દેશદાઝ ભરી ઘોષણાઓ, કોઈ વ્યક્તિ, સંસ્થા કે પાર્ટીએ જગજાહેર કરીને એનો નારો લગાવ્યો હોય એવી જાણમાં નથી. આમ નહીં બને તો દેશ એક જ સૂત્રમાં બંધાય એવી શક્યતા ઓછી જણાય છે.

ડો. નગીનભાઈ પી. પટેલ, લંડન.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter