'જીવંત પંથ' જીવનનું અોસડ

Tuesday 12th April 2016 08:37 EDT
 

શ્રી સીબીની 'જીવંત પંથ' કોલમ હું દર સપ્તાહે રસપૂર્વક વાંચુ છું. સીબી પોતાના અનુભવ, વિશાળ જ્ઞાન, વાંચન અને વિવિધ જાતી-જ્ઞાતિના સમુહમાં ફરીને એકત્ર કરેલ વિશદ તારણને આપણા સૌ સુધી 'જીવંત પંથ' કોલમ દ્વારા પહોંચાડે છે.

તેમણે આ સપ્તાહે 'કળીયુગના શ્રવણ' વિષે ઉલ્લેખ કરીને વાચકોને પ્રતિભાવ આપવા માટે નિમંત્રણ આપ્યું અને તે અંગેના અલગ મતથી મારુ હ્રદય ધડકી ઉઠ્યું. ખૂબજ જહેમત ઉઠાવનાર તે યુવાન વિષેના દરેક પ્રશ્નો અંગે 'હા' કે 'ના'માં જવાબ આપવા કરતાં હું એટલું જ કહીશ કે કાં તો આ પબ્લીસીટી મેળવવાનો તુક્કો છે અથવા તો પ્રસિધ્ધી માટે.

કેટલાક ભારતીયો, ખાસ કરીને ભારતમાં કોઇ પણ ભોગે પબ્લીસીટી મેળવવા માટે ગમે તેવા તુક્કા કરતા અચકાતા નથી. હેલ્થ અને સેફ્ટી પર ગમે તેવી અસર થતી હોવા છતાં તેઅો લિમ્કા બુક અોફ રેકોર્ડ્સ કે પછી ગિન્નેસ બુકમાં રેકોર્ડ નોંધાવવા આવા કાર્યો કરતા રહે છે. તેઅો આજના વાસ્તવિક જીવનથી ઘણાં દુર હોય છે.

મારા મતે તો ભારતમાં રહેતા કરોડો લોકો પોતાના માતા પિતા માટે ઘણું બધુ કરી શકે તેમ છે. તમે અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'માં સેવા આપતા સર્વે જે પ્રતિબધ્ધ સેવા આપો છો તે સરાહનીય છે.

- લલ્લુભાઇ પટેલ, ગ્લોસ્ટર (ઇંગ્લીશ પત્રનો અનુવાદ)

કાશ્મીર નામું

કાશ્મીર એટલે ભારતનું સ્વીટ્ઝરલેન્ડ. કુદરતે આ પ્રદેશમાં સૌન્દર્ય છુટે હાથે વેર્યું છે. ખુશનુમા આબોહવા, આલ્હાદાક નદીનાળા, લીલાછમ વૃક્ષો, રંગબેરંગી ફુલોથી સજ્જ સુંદર બાગ-બગીચાઓ, ઊંડી ખીણો અને પર્વતોની હારમાળાએ કાશ્મીરને જાણે પૃથ્વી પરનું સ્વર્ગ બનાવ્યું હોય એમ લાગે છે.

પરંતુ કમનસીબે કાશ્મીર પ્રદેશ ભારત માટે દુઃખદાયક બની ગયો છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે કાશ્મીરના રાજા હરીસિંહની ઇચ્છા કાશ્મિરને સ્વતંત્ર દેશ બનાવવાની હતી. પરંતુ બદદાનત ધરાવતા પાકિસ્તાને આઝાદી પછી કાશ્મીરને હડપ કરવા માટે આક્રમણ કર્યું. કાશ્મીરના રાજાએ ભારત સરકારની મદદ માગી અને યુધ્ધ થતાં પાકિસ્તાને પીછેહઠ કરવી પડી. જોકે કાશ્મીરનો અમુક ભાગ પચાવી પાડવામાં પાકિસ્તાન સફળ રહ્યું જે આજે આઝાદ કાશ્મીરને નામે ઓળખાય છે.

જમ્મુ અને કાશ્મીરનો અમુક ભાગ આજે ભારત હસ્તક છે. કાશ્મીરને લીધે ભારત અને પાકિસ્તાનના સબંધો વર્ષોથી તંગ છે. બને દેશો વચ્ચે કાશ્મીર માટે ત્રણ-ત્રણ યુદ્ધો લડાયા છે. ભારત પોતાનું મોટા ભાગનું બજેટ સુરક્ષા માટે ફાળવે છે. અબજો રૂપિયાનો અસ્ત્રોશસ્ત્રો માટે ખર્ચ થતો હોય છે. જો કાશ્મીરની સમસ્યા નહોત તો ભારત આજે બહુ આગળ નીકળી ગયું હોત. જોકે પાકિસ્તાન વિકાસના ક્ષેત્રે બહુ નબળું રહ્યું છે અને સમગ્ર ઉપખંડ વિસ્તારમાં ભયજનક સ્થિતી પેદા કરી રહ્યું છે.

આશા રાખીએ કે પાકિસ્તાનને સુબુદ્ધિ સુઝે અને કાશ્મીરનો સુખદ ઉકેલ લાવે જેથી વિશ્વમાં શાંતિના બીજ રોપાય.

નિરંજન વસંત, લંડન (ઇમેઇલ દ્વારા)

વિદ્યાર્થી સન્માન

સૌ 'ગુજરાત સમાચાર' વાંચીને ખુશ થાય છે અને તેની પ્રસંશા કરીએ તેટલી ઓછી જ પડશે. ઓસ્બોર્નનું લોકોને ગમે તેવા બજેટની વિસ્તારપૂર્વક માહિતી મળી. અંગ્રેજી પેપર વાંચીએ તેમાં સંતોષ ન થાય. પણ આપ ગુજરાતીમાં જે બધી માહિતી જણાવો છો તેનાથી ખરેખર વિશેષ સંતોષ થાય છે અને એટલે જ બધા ભાઈઓ-બહેનો, વડીલો 'ગુજરાત સમાચાર'ને વિશેષ દરજ્જો આપે છે.

ભારતીય ઉપખંડના તેજસ્વી વિદ્યાર્થીઓનું તમે એવોર્ડસ – ઇનામો આપી લોર્ડ નવનીત ધોળકીયા, લોર્ડ ભીખુભાઇ પારેખ, શેડો મિનિસ્ટર સ્ટીવ રીડ, કાંતિભાઈ નાગડા અને આપણા સેવાભાવી સી. બી. પટેલની હાજરીમાં દરેક વિદ્યાર્થીઓને ઈનામ-એવોર્ડ્ઝ અર્પણ કરી સન્માન કર્યું તે બદલ 'કર્મયોગા ફાઉન્ડેશન' અને 'ગુજરાત સમાચાર'નો ખૂબ ખૂબ આભાર - ધન્યવાદ.

સી. બી. દરેક કોમ્યુનિટીની કેટલી સેવા કરે છે તે તો જે સમજે, જાણે અને વિચારે તેને જ ખબર પડે. તેમની ગુપ્ત સેવા પણ ઘણી છે. સી.બી.ના ‘જીવંત પંથ’થી કોઈ અજાણ નથી, તેમાંથી જે વાંચવાનું, જાણવાનું સમજવાનું, વિચારવાનું મળે છે તે તો જે વાંચતા જ હશે તેમને જ ખબર પડે.

પ્રભુદાસ જે. પોપટ, હંસલો.

મન કી બાત - મોદીજીની મહાનતા

ભારત દેશમાં રસ્તાઅો ઉપર લાપરવાહી, લાયસન્સ વગર અથવા નશો કરીને ગાડી ચલાવનારા ડ્રાઈવરોના કારણે થયેલા અકસ્માતોમાં છેલ્લા ૧૦ વર્ષમાં લગભગ ૧૦ લાખ વ્યક્તિઓના મૃત્યુ થયાં. સ્કૂટર અકસ્માતમાં બીમાર માની દવા લેવા સ્કૂટર પર જતા છોકરાને ફાસ્ટ ગાડીએ ઊડાડી ઘાયલ કર્યો. ડ્રાઈવર રફૂચક્કર થઈ ગયો. ત્યાંથી ૫૦૦ ગાડી પસાર થઈ પણ એ છોકરાને કોઈ હોસ્પિટલ ન લઈ ગયું. કોઈને પોલીસના ચક્કરમાં કે ડોક્ટરના બિલમાં સંડોવાવું નહોતું.

મોદીજીએ 'મન કી બાત'માં કહ્યું કે 'તમોને હવે પોલીસ કે ડોક્ટરો પૂછપરછ નહીં કરે, તમો ઘાયલોને જરૂર મદદ કરજો. તેમના આ વિરાટ પગલાથી કેટલા લાડલા બચી જશે. ગુરબીત સિંઘ નામની યુવતીને તેના સાસરિયાંએ 'તારો પતિ જર્મનીમાં છે' તેમ જણાવી જર્મની મોકલી દીધી. ત્યાં એવું કંઈ નહોતું, અજાણ્યો દેશ, ભાષા ન આવડે. આવી નિરાધાર સ્ત્રીને મોદી સરકારે પ્લેનની ટિકીટ કરાવી ભારત બોલાવી લીધી. પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થીએ મોદીજીને લખ્યું કે 'રસ્તામાં ટ્રેનની અવરજવરને લીધે વિદ્યાર્થીઓ સ્કૂલે મોડા પહોંચે છે.' બાળકો ટાઈમસર સ્કૂલ પહોંચે તે માટે મોદી સરકારે ફ્લાય ઓવર બનાવી દીધો. આમ આદમીની સમસ્યાઅો દૂર કરતા મોદીજી ખરેખર ધન્યવાદને પાત્ર છે.

- સુધા રસિક ભટ્ટ, બેન્સન

આતંકવાદને નાથો

હાલમાં આતંકવાદીઅોએ સમગ્ર વિશ્વમાં આતંક ફેલાવી નિર્દોષ માનવીઅોની હત્યા કરી હાહાકાર મચાવી દીધો છે. સમગ્ર દેશના વડાઓએ કટિબદ્ધ થઈ આતંકવાદીઅોને નાથવા ઝુંબેશ ઊઠાવી છે, પણ એટલું જ કહી શકાય કે મા શક્તિ તેઓને સદબુદ્ધિ આપે અને માનવતાની પ્રેરણા મળે.

બીજું ‘ગુજરાત સમાચાર’ની સાથે ‘એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડઝ' વિશેષાંક મળ્યો. અંકમાં ખૂબ જ રસપ્રદ માહિતી મળેલ છે. અવારનવાર વિનામૂલ્યે વિશેષાંક માટે તંત્રીશ્રી સી. બી. સાહેબ તથા સમગ્ર કાર્યકર્તાઓને ધન્યવાદ પાઠવું છું. 'ગુજરાત સમાચાર' દિન પ્રતિદિન પ્રગતિ કરતું રહે તેવી શુભકામના પાઠવું છું.

- ચંદુભાઈ કાનાણી, નોર્થ હેરો

મંદિરમાં આગ

કેરળના કોલ્લમ નજીકના પુત્તિંગલદેવીનાં મંદિરમાં લાગેલી આગમાં ૧૧૧થી વધુ લોકો હોમાઈ ગયા અને ૩૮૩થી વધુ લોકોને ઈજા થઇ. મંદિરના વાર્ષિકોત્સવ નિમિત્તે યોજાયેલી આતશબાજીની સ્પર્ધા જોવા એકત્ર થયેલા ૧૫,૦૦૦થી વધુ લોકોની હાલત કેવી થઇ હશે તેની કલ્પના કરવાથી ધૃજી જવાય છે. આતશબાજીના કારણે મંદિરના સ્ટોરમાં ગનપાઉડર, દારૂખાના અને કેમિકલનાં બેરલો ભયાનક વિસ્ફોટ સાથે ફાટતા વિકરાળ આગ ફાટી નીકળી.

આગના કારણે દાઝેલાં લોકોએ નાસભાગ કરતાં ઘણાં લોકો ચગદાઈ ગયાં. સ્થાનિક તંત્ર સહિત સેના, એનડીઆરએફ, હવાઈદળ અને નૌકાદળ રાહત અને બચાવકાર્યમાં લાગ્યા અને વડા પ્રધાન મોદી પણ તાત્કાલિક સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ સાથે કેરળ ગયા.

ખૂબજ દુ:ખની વાત છે કે આપણા ધર્મસ્થાનોમાં આવું ક્યાં સુધી થતું રહેશે. શા માટે ટ્રસ્ટીઅો, સંચાલકો અને સરકારના પ્રતિનિધિઅો કોઇ સુયોગ્ય વ્યવસ્થા કરતા નથી જેથી માનવા જાનહાનિ બચે. હવે હાઈકોર્ટના જજ દ્વારા તપાસ કરાશે પરંતુ જો તેમના સુચનોનો અમલ જ થવાનો ન હોય તો શું કરવું? મંદિરમાં આતશબાજીની સ્પર્ધા યોજવાની પરવાનગી નહોતી અપાઇ તો પછી કોના દબાણથી આતશબાજી યોજવા મૌખિક સંમતી અપાઇ?

'ગુજરાત સમાચાર'ની વેબસાઇટ પર મેં આ બનાવ અંગેનો આખો રિપોર્ટ વાંચી લીધો. વેબસાઇટની રચના કરીને તમે ખરેખર ખૂબજ સારી સેવા કરી છે. મારા જેવા પેપરની રાહ જોઇ ન શકનારા લોકોને ખૂબજ ઝીણવટભર્યા સમાચાર વેબસાઇટના માધ્યમથી મળે છે. આ સેવા બદલ આપ સૌનો અભાર.

- યશવંત રાજપુત, હેરો.

ભારત માતાની જય

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (એનઆઇટી)માં રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ભારત માતાની જયના નારા લગાવનાર બિનકાશ્મીરી વિદ્યાર્થીઓ પર પોલીસે ક્રૂરતાથી લાઠીચાર્જ કર્યો તે જાણીને માથુ શરમથી નીચુ નમી ગયું. ટી-૨૦ ક્રિકેટ વિશ્વકપની સેમી ફાઇનલ મેચમાં ભારતના વેસ્ટ ઇન્ડિઝ સામે થયેલા પરાજયની કેટલાક કાશ્મીરી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉજવણી કરી તે જોઇને લાગે કે કાશ્મિર ભારતનું અંગ છે કે નહિં?

કાશ્મીરી અને બિનકાશ્મીરી વિદ્યાર્થીઓ વચ્ચે મારા-મારી થાય અને કેમ્પસમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવનાર એક એક વિદ્યાર્થીને પાંચ પાંચ પોલીસ ઘેરીને ઢોર માર મારે તે ખરેખર શરમજનક છે. આ ઘટના બદલ સરકારમાં હિસ્સો ધરાવતા ભાજપે જોરદાર અને સક્રિય પગલા લેવા જોઇએ. આ બનાવના પ્રત્યાઘાત જો ભારતના બીજા પ્રાંતોમાં પડશે તો કાશ્મિરી લોકો માટે મુશ્કેલી સર્જાશે અને દેશમાં વિરોધ અને અલગતાવાદ વધશે.

હજુ આટલા વર્ષો પછી પણ કાશ્મિર ભારતનું અવિભાજ્ય અંગ બની શક્યું નથી તે માટે અગાઉની સરકારોની જવાબદારી ઘણી બધી છે.

- અતુલ પુરોહિત, ક્રોયડન.

રે અંધશ્રધ્ધા...

અમેરિકાના સીએટલમાં રહેતા બેન્જામિન રોગોવી નામનો ગઠીયાે ભણેલા ગણેલા હજારો લોકોની ધાર્મિક શ્રદ્ધાનો લાભ ઉઠાવીને વેબસાઇટ દ્વારા લાખો ડોલર ઘરભેગા કર્યા હોવાના સમાચાર વાંચીને અચરજ થયું. જો અમેરિકામાં વેસબાઇટની ટેકનીક વાપરીને ભણેલા ગણેલાને ધુતી લેવામાં આવતા હોય તો ભારત જેવા દેશમાં શું થતું નહિં હોય? પ્રાર્થના પાદરી અને ધર્મગુરુઓ થઇ લઇને પ્રભુ સુધી પહોંચાડવાની બાંહેધરી આપતી વેબસાઇટ પર ફી ભરનાર લોકોને શું કહેવું? વળી આ પ્રાર્થના પહોંચાડવા માટે ૯થી ૩૫ ડોલરની ફી ચૂકવતા લોકોની અંધશ્રધ્ધા માટે શું કહી શકાય?

ચાર વર્ષના ગાળામાં સાત મિલિયન ડોલર ભેગા કરનાર વેબસાઇટના ફેસબુક-પેજને ૧૨,૮૯,૧૨૦ લાઇક્સ મળી તે જોતાં મને તો એમ જ લાગે કે આ લાઇક્સ કરનારાને શું ઉપનામ આપવું? આપણા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ દ્વારા જ્યોતિષીઓ, લેભાગુ ધુતારાઅો અને જંતરમંતર કરનારાઅોની જાહેરાતો લેવાથી નથી તે ખરેખર આનંદની વાત છે. તમે આપણા લોકોને બચાવવા જે ભોગ આપો છો તે નાનો સુનો નથી.

દશરથ પટેલ, કાર્ડીફ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter