દિલ્હીની ચુંટણીનું વિષ્લેષણ

Monday 16th February 2015 13:03 EST
 

ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ જે દોર હાથમા લીધી છે તે ભારતના હીતમાં છે. દિલ્હી ભાજપના સિનીયર નેતાઓ ખુબજ ટુંકા પડયા છે. ભાજપના ઘરના ઝગડામાં મોદી સંગઠનાત્મક આયોજન કરવા માટે લાચાર જેવી પરિસ્થિતીમાં મુકાઈ ગયા હતા. રાજકારણમાં સન્નિષ્ઠ સક્રિય કાર્યકર્તાને કિરણ બેદીને મુખ્યમંત્રી તરીકે ઉમેદવાર જાહેર કર્યા ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે કિરણ બેદી ભાજપ માટે મુશ્કેલી જ પેદા કરશે. તે વાત સાચી છે કિરણ બેદીને લેવાનો નિર્ણય સનિષ્ઠ કાર્યકર્તા માટે અપમાનીત હતો. પરંતુ તે માટે મોદીને દોષ દેવાય નહી. કારણ કે દિલ્હી ભાજપમાં વર્ષોથી પહોળા પગ કરીને બેસી ગયેલા અમુક નેતાઅો દિલ્હીની પ્રજામાં વિશ્વાસ પેદા કરવામાં નિષ્ફળ ગયા હતા. પ્રજા ભાજપના આ નિષ્ફળ નેતાઓમા મોદીજીના કહેવાથી વિશ્વાસ ન મુકી શકે તે સ્વભાવિક હતુ.

જે ભાષા અરવિંદ કેજરીવાલ માટે વાપરવામાં આવી તે દુઃખદ હતી. ભાજપની જાહેરાતો પક્ષના મોભાને શોભે તેવી ન હતી. હું માનુ છું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના નામની પ્રિન્ટ સાથેનો જે કોટ પહેરેલો તેનાથી ભાજપના અને મોદીના ઘણા ચાહકોને આંચકો લાગ્યો હતો અને બ્રિટનના અખબારોમાં તેની ટીકા થઈ હતી. જો મોદીએ પોતાના કોટમાં "વંદે માતરમ" પ્રિન્ટ કર્યુ હોત તો વાત સાવ જુદી જ હોત.

લોકો એમ માને છે કે ૪૯ દિવસમાં તેમણે જે રાજીનામુ આપ્યુ હતું તે તેમની ભુલ હતી. તેથી કેજરીવાલે પણ તેની કબુલાત કરી. નાના બાળકને આરીસામાં ચાંદ આપવાની જે વાર્તા છે તેવી તેમની આ ભુલની કબુલાત છે, હકિકતે રાજીનામુ આપવાનો કેજરીવાલનો નિર્ણય તેમનુ અને સરકારનુ બલીદાન હતુ. તેમની પાસે બહુમતી ન હતી અને તે બહુમતી માટે લાચાર પરિસ્થિતિ રહેવુ પડે અને એક મુખ્યમંત્રી બહુમતી માટે મોહતાજ રહે તે તેમને મંજુર ન હતું.

લોકોને રાજી રાખવા માટે જ તેઅો ભુલ કબુલે છે, વાસ્તવીક રીતે તો રાજીનામાનો તેમનો નિર્ણય હકિકતે ગૌરવશાળી હતો. સત્તાને ફેંકનારો એ ભાયડો મુખ્યમંત્રી હતો.

કુમાર વિશ્વાસે જે પ્રવચનો આપ્યા તેમાં ઉચાઈ હતી. જયારે દિલ્હીમાં મોદીજીના પ્રવચનો દિલ્હીવાસીઅોના દિલમા ગયા ન હતા. જો કે જે પરિણામ આવ્યુ તેમા દેશ મજબુત થયો છે. સલામ દિલ્હીને.

વિનુ સચાણીયા (ગજજર), લંડન.

0000000

પાંચ સાલ કેજરીવાલ

નવા ઉભરતા રાજકીય પક્ષ 'આમ આદમી પાર્ટી'એ દિલ્હીમાં શાનદાર જીત મેળવીને યુવા સરકાર બનાવી તે બદલ શ્રી અરવિંદ કેજરીવાલને ખુબ ખુબ અભિનંદન. ગત વર્ષે પણ 'આમ આદમી પાર્ટી'એ દિલ્હીમાં ૭૦માંથી ૨૮ બેઠકો મેળવીને દેશ અને દુનિયામાં હલચલ મચાવી હતી. પરંતુ સરકાર બનાવવા માટે જરુરી ૭-૮ સીટોની ખાધને લીધે તેમને મજબૂરીથી કોંગ્રેસનો ટેકો લેવો પડ્યો. દેશમાં આવનારી સામાન્ય ચુંટણીમાં ભાગ લઇ સંસદમાં જવાની લાલચને પગલે તેમણે દિલ્હીના મુખ્ય મંત્રી તરીકે રાજીનામું આપી ને પોતાના પગ પર જ કુહાડો માર્યો. દેશમાં મોટાભાગના મત વિસ્તારમાં તેમના પક્ષની ડીપોઝીટ જપ્ત થઇ.

આ ભૂલથી શ્રી કેજરીવાલને જ્ઞાન મળ્યું અને ત્યારથી જ તેમણે દિલ્હીની ચુંટણી માટે જોરદાર તૈયારીઅો કરવા માંડી અને દિલ્હીની જનતા પાસે જઇને પોતાની ભૂલ સ્વીકારી માફી માગી લીધી. તેમને ફરી એક વાર ૫ાંચ સાલ માટે જનતાનો ટેકો માંગતા જનતાએ ખોબલે ખોબલે મતો આપી ૬૭ બેઠકોની ઉમદા ભેટ આપી છે. દિલ્હીની જનતાને મફત પાણી, સસ્તી વીજળી અને મહિલાઅો તેમજ બાળકો પર થઇ રહેલા અત્યાચારો નાબુદ કરવા ૧૫ લાખ સીસીટીવી કેમેરા લગાડવા સહિત આ વખતની ચુંટણીમાં અનેક વચનો આપ્યા છે. હવે આમ આદમી પાર્ટીની કસોટી થશે કે તેઅો પોતાના વચનો પર કેવી રીતે ખરા ઉતરશે? દિલ્હીમાં વીજળી પૂરવઠો મોટા ભાગે અન્ય રાજ્યો પાસેથી લેવો પડે છે.

આસામમાં બંગલાદેશી ઘુસણખોરો સામે અંદોલન ઉપાડનાર આસામના વિધાર્થી સંગઠન 'આસામ ગણ પરિષદ'ના માત્ર 33 વર્ષના પ્રફુલ્લકુમાર મહંતનો ૧૯૮૫માં આસામમાં ઝળહળતો વિજય થયો હતો અને તેઅો મુખ્યમંત્રી બન્યા હતા. તેમની સામે પણ એક નવી આશા આસામના લોકોને લાગી હતી. પરંતુ તેનો અંજામ ખુબ જ ખરાબ આવ્યો હતો અને આજે એજીપીનું અસ્તિત્વ રહ્યું નથી. આપણે પ્રાર્થના કરીએ કે શ્રી અરવિંદ કેજરીવાલ પોતાના વચનોમાં ખરા ઉતરે અને દિલહીની જનતાની તકલીફો દુર કરે.

ભરત સચાણીયા, લંડન.

૦૦૦૦૦૦૦૦

ગાંધીજી, આરએસએસ અને મોદી

'ભારત સૌથી મજબુત લોકશાહી રાષ્ટ્રમાંથી તાનાશાહી રાષ્ટ્ર બની શકે, બંધારણમાં સેક્યુલર અને સમાજ્વાદી રાષ્ટ્રની જોગવાઈઓ દુર કરી શકે, કશુ અશકય નથી. જર્મનીમાં હિટલરનો ઉદય લોક્શાહી માર્ગે પ્રજાની આકાંક્ષા અને અપેક્ષાઓ થકી થયો હતો અને અસ્ત સર્વોદિત છે' એમ 'ગુજરાત સમાચાર'માં તારીખ તા ૭/૨/૨૦૧૫ના પાના નં. ૮ ઉપર લેખક શ્રી હરિ દેશાઈ જણાવે છે.

લેખક જણાવે છે તેમ તેમનો પરિચય શ્રી કેશુભાઈની સરકાર હતી ત્યારથી થયો છે. ત્યારે તેઓ ભાજપની બહુ નજીક હતા અને ત્યાર પછી મોદી સરકાર તરફ 'અોરમાન મા' જેવા વર્તનનો આભાસ થતા તેઓએ આ લેખમાં હિન્દુ સંગઠનો અને સંધને છેલ્લે પાટલે બેસાડવાનો પ્રયત્ન કરેલ છે તે અસ્વીકાર્ય છે.

વીર સાવરકરની દેશભકિત, કારાવાસની સજા અને બલિદાનની કદર કરવાને બદલે લેખક બહુ જ હલકી ટીકા કરે છે તે કોઈ પણ દેશપ્રેમીને સ્વીકાર્ય નથી. લેખકને અને વાંચકોને કદાચ માહિતી નહિ હોય પણ પુજય ગાંધીજીના મૃત્યુ પછી નહેરૂ સરકારે સંઘ પ્રત્યેની નફરતને કારણે સંઘ ઉપર પ્રતિબંધ મુકયો હતો. સંઘના સ્વયંસેવકોએ તેના વિરોધમાં સત્યાગ્રહ કરતા ૧૮થી ૩૫ વર્ષના ૭૨,૦૦૦થી વધુ સ્વયંસેવકોને ૩ મહીનાથી વરસ સુધીની ન્યાયાલય દ્વારા જેલ કરાઇ હતી. એ સ્વયંસેવકો ૧૯૫૨ની ચુટણીમાં કેવી રીતે કોગ્રેસને મત આપે? એ સંજોગોમાં ડો. શ્યામાપ્રસાદ મુખરજીના પ્રમુખપદે જનસંઘની સ્થાપના થઈ તેમાં પુજય ગુરૂજીના આર્શીવાદ હશે. પરંતુ પુજય ગુરૂજીનો આ લેખમા જે રીતે ઉલ્લેખ કરેલ છે તે બીનજરૂરી છે. રાજકોટમા ગુજરાત જનસંધની સ્થાપના વખતે શ્રી કેશુભાઈની સાથે હું પણ હતો, ત્યારે કોગ્રેસ સિવાય અન્ય પક્ષો વધુ ડાબેરી વિચારસરણીના હતા એટલે જનસંધની સ્થાપના પણ બહુજ જરૂરી હતી.

લેખકને કદાચ ખ્યાલ નહી હોય કે ભારતના ભાગલા પછી પશ્ચિમ પાકિસ્તાન અને પુર્વ પાકિસ્તાન (હાલનુ બાગ્લાદેશ)થી આવેલા હિન્દુઓએ કેટલુ સહન કર્યુ હતું. હજારોની સંખ્યામાં સિંધમાંથી કચ્છ, નવલખી, જામનગર, સલાયા, પોરબંદર વિગરે બંદરો પર બોટ, નાના વહાણમાં જીવ બચાવીને લોકો ભાગી આવ્યા હતા. આપણા લાખો હિન્દુ પ્રેમી ભાઈઓ-બહેનો, સંઘ અને સમાજ નિર્વાસીત કેમ્પ ચલાવતા. જેમા ફકત રોટલી અને દાળ પીરસાતા. ઘરબહાર મુકીને ભાગેલા એ લોકોની આપવિતી અને યુવાન દિકરીઅો અને વહુઓના અપહરણો અને બળાત્કારોની વાતો લેખક વાચશે તો તેમને ખ્યાલ આવશે.

૧૯૪૮-૪૯મા Constituent Assemblyમાં બંધારણ પસાર કર્યુ. તેઓની ઇચ્છા હોત તો પણ ત્યારના બંધારણમાં Secular અને Socialist – શબ્દો ઉમેરી શક્યા ન હોત અને તેવી હિમંત પણ કરત નહિં. ડો આંબેડકર પણ એક હિન્દુ હતા એમણે Secular શબ્દનો ઉપયોગ બંધારણમાં કર્યો નથી.

આ લેખમાં સેક્યુલર અને સમાજવાદી બંધારણની જોગવાઈ વિશે ટી.વી અને મીડીયામાં થયેલ ચર્ચા વિષે લોકોનુ ધ્યાન દોરવા માટે આપણા લોકપ્રિય વડાપ્રધાનના ઉદય અને અસ્તની વાત લખી તે લેખકના માનસીક વિચારોમાં છીછરાપણુ દેખાય છે.

૨૫ મે ૨૦૧૪ની સોગંદવિધી પછી આપણા વડાપ્રધાનના દરેક વકત્વય અને ભાષણો રચનાત્મક, બુધ્ધિશાળી અને તર્કનિપુણ રહ્યા છે. ભારતની અમુક ટીવી ચેનલો અને લેખકો હજુ પણ હિન્દુસ્તાનના વડાપ્રધાન રાષ્ટ્રીય સ્વ્યંસેવક સંધના એક પ્રચારક હતા તે પચાવી શક્યા નથી અને તેથી 'તેઅો દુખે છે પેટ અને કુટે છે માથુ.' સેક્યુલર અંતે સમાજવાદી બંધારણ સુધારાની વાતને બીનજરૂરી મહત્વ આપવા કોશીષ કરે છે.

આજે જયારે સમગ્ર સમાજ, દેશ અને પરદેશમાં ભારત વડાપ્રધાનની નેતાગીરી હેઠળ આર્થિક વિકાસ અને સુરાજ્ય તરફ આગળ વધી રહ્યા હોવાની વાતો ચાલે છે ત્યારે લેખક વડાપ્રધાનના ઉદય અસ્તની વાતો કરે છે.

આજે યુરોપમાં આંતક્વાદનો ભય વધતો જાય છે ત્યારે આવા લેખ જેમાં મહાત્માજીના મૃત્યુની વાતો કરી લોકલાગણીને ઉશ્કેરવાનો પ્રયત્ન કરાયો છે. સંઘ સાથે અન્ય સંસ્થાને જોડી તેઓ પ્રત્યે વાચકોમાં અણગમો અને ધૃણા પેદા કરવાનો પ્રયત્ન અને માનનિય વડાપ્રધાનના ઉદય અને અસ્તની વાતો કરવી એ શરમજનક છે અને તેઅો ભવિષ્યમાં આવા વિકૃત લખાણ ન લખે તો સારૂ.

- લાલુભાઇ પારેખ, પ્રમુખ, અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપી (યુકે).

ટપાલમાંથી તારવેલું:

* ક્રોયડનથી અરવિંદભાઇ આત્મારામ રાવલ અને ચંદ્રાબહેન રાવલ જણાવે છે કે 'ગુજરાત સમાચાર' અને 'લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન' દ્વારા તન-મન-ધનથી ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડીલોનું પી.વી. રાયચૂરા સેન્ટર- ક્રોયડનના નવા અદ્યતન હોલમાં માનપૂર્વક સન્માન કર્યું તે બદલ સૌ વડીલો વતી આપ સૌને આશિર્વાદ અને ધન્યવાદ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter