ભાજપને કોરી ખાતી જૂથબંધી

Tuesday 05th January 2016 08:02 EST
 

વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં ભારતની પ્રજાએ શ્રી નરેન્દ્રભાઈ મોદીને જંગી બહુમતિથી ચૂંટી તેમનામાં અખૂટ વિશ્વાસ મૂક્યો. પરંતુ ત્યાર પછીના બનાવો ભારતીય જનતા પાર્ટીના જૂથબંધી વકરી હોય તેવું દર્શાવે છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં અરવિંદ કેજરીવાલ સામે સ્વચ્છ છબી ધરાવતા સુશ્રી કિરણ બેદીને છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી ઊભા રાખ્યા. દિલ્હીના સ્થાનિક નેતાઓને બાજુમાં હડસેલી દેવાતા જૂથબંધીને કારણે દિલ્હીમાં ભાજપની હાર થઈ.

ત્યારબાદ વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ તથા રાજસ્થાનના મુખ્યમંક્ષી શ્રીમતી વસુંધરા રાજે સિંધિયાને શ્રી લલિત મોદીને મદદગાર થવા માટે હુમલો કરવામાં આવ્યો. ભલે બંને નેતાઓના તે પ્રકરણમાં પડદો પડી ગયો હોય પરંતુ ઉચ્ચકક્ષાએ કોઈનો દોરીસંચાર વગર આવું શક્ય બને નહીં. છેલ્લે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની કારમી હાર થઈ. દિલ્હીની જેમ જ અહીં પણ સ્થાનિક નેતાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા. શ્રી શત્રુઘ્ન સિંહાની પણ કોઈ મદદ લેવામાં આવી નહોતી. સમગ્ર ચૂંટણી પ્રચારનું કામ શ્રી નરેન્દ્ર મોદી - શ્રી અમિત શાહ સંભાળતા. પરંતુ બિહારમાં પણ આંતરિક જૂથબંધી, સંસદસભ્યો / પ્રધાનોના વાણી વિલાસથી પાર્ટીને સહન કરવું પડ્યું.

શ્રી લાલકૃષ્ણ અડવાણી - શ્રી મુરલી મનોહર જોશી, શ્રી શાંતાકુમાર તથા શ્રી શત્રુઘ્ન સિંહાનું એક જૂથ છે જે વારંવાર શ્રી મોદી - અમિત શાહ ઉપર હુમલાઓ કરે છે.

- બી. એમ. મહેતા, ક્રોલી

છૂટાછેડા - સળગતી સમસ્યા

'ગુજરાત સમાચાર'માં વાંચ્યું કે અત્યારે છોકરા-છોકરી લગ્ન પહેલા સાથે રહીને પછી લગ્ન કરતા હોવાથી ૪૦ વર્ષમાં છૂટાછેડાનો દર સૌથી નીચો આવ્યો છે. ૨૦૧૩માં આખા યુકેમાં ૧૩૦,૪૭૩ દંપતિએ છૂટાછેડા લીધા હતા. પહેલાના જમાનામાં ભારતમાં મા-બાપ બાળકોના લગ્ન વખતે કૂળ અને મોસાળ જોતા અને વર-વધુ એકબીજાના મોં જોયા વગર લગ્ન કરતા અને જીવનના અંતિમ શ્વાસ સુધી બંને પૂરક અને પ્રેરક બની જીવતા.

હિન્દુસ્તાનની આર્ય નારીની વફાદારી માટે સ્વામી વિવેકાનંદને ખૂબ ગર્વ હતો. હાલમાં મા-બાપ બાળકોને તેમની પસંદગીના સાથી શોધવા પરવાનગી આપે છે. પણ અમુક વખત તેઅો અનુભવના આધારે દીકરાને ચેતવે પણ છે કે ‘બેટા આ છોકરીમાં પડવા જેવું નથી’. પણ ઘણી વખત લગ્નના બીજે ત્રીજે દિવસે હનીમુન પર ક્યાં જવું જેવી નજીવી બાબતે છૂટાછેડા થઈ જાય છે. અમુકના લગ્નમાં તો લાગણી, પ્રેમ, વિશ્વાસ, ભરોસો, સન્માન કે ઈમાનદારી જેવું કાંઈ દેખાતું નથી અને અમુક જગ્યાએ જ્યાં વાદવિવાદમાં સમસ્યા થાય છે ત્યાં સમાધાન થઈ જાય છે ને સંસાર તૂટતો બચી જાય છે. સુખમય દાંપત્યજીવન જીવવાનું પતિ-પત્નીના હાથમાં છે.

- સુધા રસિક ભટ્ટ, બેન્સન

ખાના-પીના નાચના પૂર્તિ ખૂબ જ ગમી

'ગુજરાત સમાચાર'ના પહેલા જ પાને શુભ સમાચાર વધાવ્યા. જાણીને ખૂબ ખૂબ ખુશી થઈ. શ્રી સી. બી. અને આપણા સેવાભાવી શ્રી મનોજ લાડવાને અને ફ્લાઈટમાં જનાર ક્રુ મેમ્બરનો ફોટો જોઈને આનંદ થયો. આટલા વર્ષોની મહેનત પછી સફળતા મળી, તે માટે શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી સી. બી.ને અને શ્રી મનોજ લાડવાને ખૂબ ખૂબ ધન્યવાદ. અંતે સત્યનો વિજય થયો.

ડાયરેક્ટ ફ્લાઈટમાં આવનાર ભાઈ-બહેનો, વડીલોને આપ સૌ મળ્યા તેના સમાચાર પાન-૧૯ ઉપર જોઈને આનંદ થયો. આવનાર યાત્રીઅોને ફ્લાઈટમાં જે સેવા મળી અને એરપોર્ટ ઉપર પણ બહુ રાહ જોવી ન પડી વગેરે સગવડતા અંગે સંતોષ થયો. આનો બધો જશ 'ગુજરાત સમાચાર' અને શ્રી સી. બી.ને જ જાય છે તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ.

ખાના-પીના-નાચા-ગાના પૂર્તિમાં ખાવા-પીવામાં સંભાળ રાખવી, દેખીએ તેટલું ઝાપટી ન જવાય, પેટને ફાવે ભાવે ગમે તેટલું જ ખાવાનું આવી સોનેરી સલાહ સૂચન આપી તે બદલ ખૂબ ખૂબ આભાર.

- પ્રભુદાસ જે. પોપટ, હંસલો.

મોદીના કામની કદર!

મોદીસાહેબના કામની કદર કરવાની જગ્યાએ ભારતના મીડીયામાં તેમની કઠોર આલોચના કરવામાં આવે છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, વિએટનામ, જપાન, જર્મની, ફ્રાન્સ, રશિયા અને બ્રિટન સાથે કરેડોના વેપારી કરાર મોદી સાહેબે કર્યા, તો શું તેઅો ત્યાં હોલીડે કરવા ગયા હતા? ભારતના નેતાજીઅોને તેટલી પણ ખબર નથી કે મોદીની પરદેશની મુલાકાતથી ભારતને કેટલો લાભ થયો છે અને આજે વાવેલા ઝાડના ફળ સમયે મળશે.

સૌથી મુખ્ય અને અગત્યની વાત તો તે છે કે ભારતના નવા સારા સંબંધો બ્રિટન-અમેરિકા સહિત વિશ્વને ઘણો લાભ આપી શકે તેમ છે. ભારતના અને રશિયાના જૂના સારા સંબંધો અમેરિકા - બ્રિટન અને રશિયા સાથે સેતુ બની શકે તો ભારત માટે ગર્વનો વિષય છે. મોદીએ તાજેતરમાં પાકિસ્તાનનીટૂંકી મુલાકાત લીધી અને અફઘાનિસ્તાનમાં સંસદનું લોકાર્પણ કર્યું. આ રીતે તેઅો વિશ્વ માટે શાંતિનો સંદેશ પહોંચાડી શકે તેમ છે. ભારતના નેતાઓએ મોદીના કામ અંગે કટાક્ષ કરતા પહેલાં વિચારવું જરૂરી છે.

રજનીકાંત એમ. પટેલ, હેરોગેટ

આપણી ઝુંબેશનો સુખદ અંત

સૌ પ્રથમ લંડન-અમદાવાદની એર ઈન્ડિયાની સીધી ફ્લાઈટની શુભ શરૂઆત બદલ ધન્યવાદ. વર્ષોથી ચાલતી ઝુંબેશનો સુખદ અંત આવ્યો ત્યારે 'ગુજરાત સમાચાર' સાથે સંકળાયેલા તમામ કાર્યકર્તાઓ, વાચક અને લેખક વર્ગ સૌને ધન્યવાદ.

હરેકૃષ્ણ મંદિરની સફળતા પછી એર ઈન્ડિયાની સીધી ફ્લાઈટનો સુખદ અંત આવ્યો. સહેલાણીઓને સહેલું પડશે અને ગુજરાતને ફાયદો થશે. અહીં રહેતી ગુજરાતી પ્રજાના હક્ક અને અધિકારો માટે 'ગુજરાત સમાચાર' અને શ્રી સી. બી. પટેલ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને 'ગુજરાત સમાચાર' પ્રશંસાપાત્ર બની રહ્યું છે એ સૌએ યાદ રાખવું જરૂરી છે.

ડો. રામુ પંડ્યાના દુઃખદ અવસાનના સમાચાર 'ગુજરાત સમાચાર' તરફથી પ્રસિદ્ધ થતાં દુઃખ થયું. હેવરિંગ હેલ્થ ઓથોરિટીમાં ફેમીલી ડોક્ટર તરીકે વર્ષો સુધી કામ કરી ચૂકેલા ડો. પંડ્યા રામુ તરીકે જાણીતા રહ્યા છે. વાણી, વર્તન અને વિવેકનો ક્યારેય અભાવ નહીં, પ્રસંગોપાત મળવાનું થતું ત્યારે એમના ઉમદા સ્વભાવની હૂંફ ઘણી રહેતી. પરિચયમાં રહેનારા તમામ કુટુંબીજનો, મિત્રમંડળ અને દર્દીઓના જીવનમાં વર્ષો સુધી યાદ રહેશે. ઈશ્વર સૌને શક્તિ આપે.

- ડો. પ્રવિણ કલૈયા, હોર્નચર્ચ.

સીબી પટેલની વ્યાખ્યાનમાળા

ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટરનેશનલ-યુકે (FISI) દ્વારા તા. ૧૨મી ડિસેમ્બરના રોજ વિશ્વ હિન્દુ પરિષદ સાઉથ લંડન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના યુકે પ્રવાસ અને ભારત-યુકે સંબંધો વિષે ચર્ચાસભાના સમાચાર વાંચ્યા. આવી જ ચર્ચા સભાનું આયોજન બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન, વેમ્બલી ખાતે તા. ૨૦ના રોજ પણ યોજાયું હતું. મને વેમ્બલીના કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળ્યો.

શ્રી સીબી પટેલે ખરેખર ખૂબજ મનનીય વક્તવ્ય આપ્યું. તેમનું પ્રવચન સાંભળીને લાગ્યું કે ખરેખર તેઅો ખૂબજ અભ્યાસુ વ્યક્તિ છે. આ વયે પણ તેઅો આવા કાર્યક્રમોમાં ઉમળકાભેર ભાગ લે છે, તેમની લોકપ્રિય 'જીવંત પંથ' કોલમમાં વિશાળ વાંચન થકી જે અભ્યાસપૂર્ણ માહિતી રજૂ કરે છે અને સમાજની સેવામાં વ્યસ્ત રહે છે તે સૌ યુવાનો માટે પ્રેરણાદાયક છે. અન્ય વક્તાઅોએ પણ પ્રવચન આપ્યાં અને સાચુ કહું તો શ્રોતાઅોએ પણ વિવિધ પ્રશ્નો પૂછીને સાચા અર્થમાં 'બ્રેઇન સ્ટ્રોમીંગ' કર્યું.

'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' માત્ર અખબાર નહિં પણ એક સાચી સામાજીક સંસ્થા તરીકે સેવા આપે છે. આ બે કાર્યક્રમો જ દર્શાવે છે કે આ અને આવા ઘણાં વિષયો માટે શ્રી સીબી પટેલ સાહેબ તેમજ તેમના જેવા અન્ય વિદ્વાન અગ્રણીઅોની વ્યાખ્યાનમાળાનું આયોજન વિવિધ જ્ઞાતિ અને મંડળોએ કરવું જોઇએ.

રાજેન્દ્ર પટેલ, હેરો.

ટપાલમાંથી તારવેલું

* હસમુખભાઇ નાયક વેમ્બલીથી જણાવે છે કે 'ગુજરાત સમાચાર અને એશિયન વાઇસ'ની વેબસાઇટ પર સમાચાર વાંચવાની ખૂબ જ મઝા પડે છે. કોઇ જ જાતની ફી ભર્યા વગર વિનામુલ્યે તાજા સમાચાર રોજે રોજ વાંચવા મળે છે.

* અતુલભાઇ ખમાર હેરોથી જણાવે છે કે 'ગુજરાત સમાચાર'માં પાન ૪ ઉપર જેલોના સમાચાર વાંચ્યા. સૌથી વધુ આનંદ તો હિન્દુ કેદીઅોની સૌથી અોછી સંખ્યા જોઇને થયો. અન્ય ધર્મીઅોના પ્રમાણમાં હિન્દુઅોની વસતી વધારે હોવા છતાં કેદીઅોની સંખ્યા ઘણી બધી અોછી છે તે આપણા સંસ્કાર અને સારપ બતાવે છે.

* પારૂલ પટેલ, ક્રોયડનથી જણાવે છે કે વિતેલા વર્ષના સમાચારોનું સરવૈયુ 'વિહંગાવલોકન' વાંચવાની મઝા આવી. વર્ષ આખાના બધા સમાચારની ઝીણવટભરી માહિતી ખરેખર ખૂબજ ઉપયોગી અને સાચવવા યોગ્ય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter