લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટ

Tuesday 24th February 2015 11:46 EST
 

તમો લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટ માટે ખૂબ જ મહેનત કરો છો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આટલો બધો પ્રયત્ન તમારા સિવાય કોઈએ કરેલ નથી. પેપરમાં પિટીશન લેવી અને મંત્રીઓને મળીને ગુજરાત - દિલ્હી મિટીંગ કરવી, દરેકને મળવું વગેરે માટે તમો જે સમય અને શક્તિ આપી રહ્યા છો તે ધન્યવાદને પાત્ર છે.

પરંતુ સામે છેડે ભારત સરકારને NRIના પ્રશ્નોમાં રસ જ નથી. પહેલાં કોંગ્રેસ સરકાર હતી તે કારણ હતું હવે તો મોદી સરકાર છે, તે લોકો આ બાબત ગંભીરતાથી લેતા નથી. હવે નવું કારણ આપે છે કે પૂરતા પેસેન્જર મળતા નથી. તો તેમના માટે પણ વિકલ્પ છે કે સપ્તાહમાં દરરોજ નહીં તો ત્રણથી ચાર ફ્લાઈટ ચાલુ કરી શકે તો પૂરતા પેસેન્જર મળી શકે.

ડાયરેક્ટ ફ્લાઈટ ના થાય તો માત્ર રાજકારણ સિવાય બીજું શું સમજવાનું? NRI લોકોએ પણ દેશ પ્રત્યેની વધારે પડતી લાગણી મૂકી જે દેશનું અનાજ અને આવક કમાય છે તે દેશ માટે ધ્યાન આપવું જોઈએ. દરેક ધર્મ પણ આમ જ કહે છે. દર વર્ષે દેશમાંથી ખાસ ગુજરાતમાંથી રાજકારણીઓ, પ્રધાનો, મોટા બિઝનેસમેન, સાધુ-સંતો, કથાકાર, વિદ્યાર્થીઓ આવે છે. કોઈનું કોઈ સાંભળતું નથી.

છતાં તમે તમારા ધ્યેય માટે મક્કમ છો. જે ધન્યવાદને પાત્ર છે.

- પરેશ પી. દેસાઈ, વિલ્સડન.

00000000

વડીલોનું માનપૂર્વક સન્માન

'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' તેમજ 'લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન'ના આપ સૌ કાર્યકરોએ અતિ કિંમતી સમયના ભોગે તન-મન-ધનથી ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડીલોનું માનપૂર્વક સન્માન કર્યું તે બદલ અમે સૌ વડિલો વતી આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ સાથે અમારા ધન્યવાદ પાઠવું છું. પી.વી. રાયચુરા સેન્ટર - ક્રોયડનના નવા અદ્યતન હોલમાં સમગ્ર કાર્યક્રમને માણવાની ખૂબજ મઝા આવી હતી.

- ચંદ્રાબહેન અને અરવિંદ રાવલ, ક્રોયડન.

000000000

અંતરના આશિષ અને અભિનંદન

'ગુજરાત સમાચાર' દ્વારા 'લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન'ના સહયોગથી ૮૦ વર્ષ કરતા વધુ વયના વડીલોનું લોહાણા કોમ્યુનિટી કોમ્પલેક્સ, પી.વી. રાયચુરા સેન્ટરમાં સન્માન કરવામાં આવ્યું તે વાંચી અને ફોટા જોઈ ખૂબજ આનંદ થયો. દરેકને અમારા ખૂબ ખૂબ અભિનંદન.

આ વાંચીને મને લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડનના સ્થાપક, લાખેણા લખુભાઈની યાદ આવી ગઈ. જો તેઅો હાજર હોત તો આ હોલમાં વડીલોનું સન્માન થતું જોઈ ખૂબ આનંદ સાથે ગર્વ લેતા હોત. તેમનો આત્મા ખુબ ખુશ થયો હશે જ. જીવનના અંતિમ દિવસોમાં પણ હોસ્પિટલના બેડ પર સુતા સુતા પણ લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડનનો પોતાનો હોલ બને તે માટે (તેમના શબ્દોમાં આપણું ઘર) સૌને ઉત્સાહિત કરતા અને ફંડ ભેગું કરતા. તેમના પત્ની દીનાબહેન ગણાત્રાએ તાજેતરમાં જ ત્યાં વડીલોનો રમતગમતનો કાર્યક્રમ કરાવ્યો હતો. લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડનના કાર્યકરો ખૂબ મહેનત કરે છે. ફરી એક વખત વડીલોના સન્માનના કાર્યક્રમો ગોઠવવા બદલ 'ગુજરાત સમાચાર'ને વડીલોના અંતરના આશિષ અને અભિનંદન.

- નીમા સૂરુ કક્કડ, હેરો.

૦૦૦૦૦૦૦

દેખાય છે તે હોતું નથી

'વેલેન્ટાઈન ડે'ના દિવસે મંદિરમાં એક વૃદ્ધ દંપતી હાથ પકડીને દર્શનાર્થીઓના ટોળામાંથી પસાર થઈ ભગવાનની મૂર્તિ તરફ જઈ રહ્યું હતું. કમર આગળથી વાંકી વળી ગયેલી વૃદ્ધાએ હાથમાં કંઈક પકડ્યું હતું. જેને જોનારા સૌ એકબીજાનું ધ્યાન દોરીને હાંસી ઊડાવતા હોય તેવું લાગતું હતું.

લાપરવા યુગલ મંદિરમાં મૂર્તિ સામે ઊભું રહ્યું. વૃદ્ધાએ હાથ લંબાવીને હાંસીને પાત્ર બનેલી ચીજ પૂજારી તરફ ધરીને કંઈ બોલી.

મંદિરના પડદા બંધ થયા અને થોડી જ વાર પછી પાછા ખૂલ્યાં ત્યારે શ્રીકૃષ્ણની મૂર્તિ પાસે એક નાનું ટેડી બેર હતું જેના હાથમાં પકડેલા 'હાર્ટ શેપ'માં લખ્યું હતું, આઈ લવ યુ.

દર્શનાર્થીઓમાં આનંદ સાથે આશ્ચર્યનું મોજું ફરી વળ્યું. મારી આંખોમાં ઉમટેલાં, આસું કહેતા હતા, ‘પ્રેમમાં આદિ અને અંત ન હોય. પ્રેમ એટલે પ્રેમ, એ ઈશ્વર માટે હોય કે પછી.....'

- ઈલાબહેન ત્રિવેદી, સ્ટેનમોર

૦૦૦૦૦૦૦૦

સંસ્કારી સમાજનું આવકારદાયક પગલું

સાઉથ લંડનના લોહાણા સમાજ અને 'ગુજરાત સમાચાર -એશિયન વોઇસ' દ્વારા ૮૦ વર્ષની વય પસાર કરનાર ૪૭ વડીલોનું ક્રોયડનના લોહાણા સમાજના ભવ્ય હોલમાં, બહુજ વ્યવસ્થિત અને શાનદાર રીતે, ક્રોયડનના મેયર અને એમપીની હાજરીમાં સન્માન થયું અને બહુમાન કરી તેમને જે ખુશી અર્પી છે તે લાજવાબ છે. તેમનો આનંદ તો તેમનું હૃદય જ જાણતું હશે અને તે સૌને મળેલી ખુશીનું શબ્દોમાં વર્ણન કરવું મારા માટે બહુ મુશ્કેલ છે. આ ઉમદા કાર્યમાં સાથ, સહકાર અને કિંમતી સમયનો ભોગ આપનાર દરેક ભાઈબહેનોને મારા હાર્દિક અભિનંદન.

જીંદગીમાં અનેક સુખદુખ, તડકાછાયા, ચડતીપડતી અને અનેક મુશ્કેલીઓનો સામનો કરી ૮૦ વર્ષની પાકટ ઉમર સુધી પહોંચવું અને સ્વસ્થ રહેવું એ કોઈ નાનીસુની વાત નથી. માબાપે સંતાનો માટે કેટલો ભોગ આપ્યો હશે, જીવનમાં કેટલાય કડવા ઘુંટડા ઉતર્યા હશે, તે જાણવા માટે સંતાનોએ પહેલા ગીત "ભૂલો ભલે, બીજું બધું.. માબાપને ભૂલશો નહિ" એ સાંભળવું પડે અને સમજવું પડે તો માબાપ શું છે તેનું મુલ્ય ખબર પડે. અફસોસની વાત છે કે આપણી અહીની યુવાન પેઢીને માતૃભાષાની સમજ મર્યાદીત હોવાને કારણે તેમને મન આપણી સંસ્કૃતિના મુલ્યો ઘસાતા જાય છે.

જીવનની સંધ્યાએ પહોંચેલા વડીલોનું સન્માન કરવું, તેમને નવાજવા, બિરદાવા એ અતિ ઉત્તમ કાર્ય છે. આવા કાર્યોથી નવયુવાનોમાં જાગૃતિ આવશે, તેમને પ્રેરણા મળશે. સંસ્કારી સમાજનું આ બહુ આવકારદાયક પગલું છે અને ભવિષ્યમાં આવા કાર્યો ચાલુ રહેશે તો વડીલોના આશીર્વાદની વર્ષા સમાજ ઉપર સદાય વરસતી રહેશે.

- નિરંજન વસંત, વેસ્ટ નોરવુડ.

૦૦૦૦૦૦૦૦00000000

મેઘધનુષનો રંગ ઝાંખો ના પડે

'ગુજરાત સમાચાર' અને 'લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન' દ્વારા યોજાયેલ વડીલોનું સન્માન સંમેલન ઐતિહાસિક બની રહેશે.

'ગુજરાત સમાચાર' તરફથી નોર્થ લંડનમાં વડીલોનું સન્માન, ગરબા, લગ્નગીત હરિફાઈ, મેળો વગેરે ઘણા કાર્યક્રમો થયા હતા. પણ સાઉથ લંડનમાં યોજાયેલા આ પ્રસંગ યાદગાર પ્રસંગ બની રહ્યો. સર્વે કાર્યકરોને ખૂબ ખૂબ ધન્યવાદ.

પ્રભુને પ્રાર્થના કરીએ કે આ મેઘધનુષનો રંગ કદી ઝાંખો ના પડે અને 'ગુજરાત સમાચાર' અને 'લોહાણા કોમ્યુનિટી'ના કાર્યકરોને શક્તિ આપે કે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો સાઉથ લંડનમાં યોજી શકે.

- દીના લખુભાઈ ગણાત્રા, ક્રોયડન.

000000૦૦૦૦

ટપાલમાંથી તારવેલું:

* ક્રોયડનથી અરવિંદભાઇ આત્મારામ રાવલ અને ચંદ્રાબહેન રાવલ જણાવે છે કે 'ગુજરાત સમાચાર' અને 'લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન' દ્વારા તન-મન-ધનથી ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડીલોનું પી.વી. રાયચૂરા સેન્ટર- ક્રોયડનના નવા અદ્યતન હોલમાં માનપૂર્વક સન્માન કર્યું તે બદલ સૌ વડીલો વતી આપ સૌને આશિર્વાદ અને ધન્યવાદ.

૦૦૦૦૦૦૦૦


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter