લવાજમના દરમાં વધારો

Monday 05th October 2015 10:44 EDT
 

લવાજમના દરમાં વધારો

પોસ્ટેજના દર, પ્રિન્ટીંગ અને અન્ય ખર્ચાઅોમાં થયેલા વધારાને કારણે તા. ૧ અોક્ટોબર ૨૦૧૫થી લવાજમના દરોમાં વધારો કરવાના સમાચાર વાંચ્યા. યુકેના લવાજમના દરોમાં વર્ષે માત્ર ૫૦ પેન્સનો અને બે વર્ષે માત્ર £૧નો એટલે કે યુકેના ગ્રાહકોના લવાજમના દરમાં માત્ર ૨%નો જ વધારો કાંઇજ ન કહેવાય. તમે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસમાં' જે માહિતી આપો છો તેની સામે લવાજમનું મુલ્ય કશું જ નથી.

મને ખબર છે કે આજે પોસ્ટનું એક કવર મોકલવું હોય તો સેકન્ડ ક્લાસ પોસ્ટમાં ૫૪ પેન્સ અને ફર્સ્ટ ક્લાસ પોસ્ટમાં ૬૩ પેન્સનો ખર્ચો થાય છે. પણ લગભગ ૨૦૦ ગ્રામ વજનના છાપાને મોકલવાનો ખર્ચ સેકન્ડ ક્લાસ પોસ્ટમાં £૧.૧૯ પેન્સ અને ફર્સ્ટ ક્લાસ પોસ્ટમાં £૧.૨૬નો આવે. ભલા માણસ તમે પોસ્ટના દરમાં તો એક સપ્તાહનું 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' આપો છો. ખરેખર આ લવાજમ વધારો તમે જે સેવા આપો છો તેની સામે કશું જ નથી.

હું તો મારા દરેક મિત્રો અને સંબંધીઅોને વિનંતી કરીશ કે તમે ખુદ તો લવાજમ ભરો, સાથે સાથે તમારા મિત્રો સંબંધીઅોને પણ લવાજમ ભરી 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ની ભેટ આપો. દર સપ્તાહે તેમને પેપર મળશે એટલે તમને યાદ કરીને તેઅો પેપર વાંચશે.

- રશ્મિકાંત મહેતા, હેરો.

અનામતનું કોકડું

હજારો વર્ષોથી વર્ણાશ્રમના વિભાજનથી, પ્રજાએ કર્મથી નહીં પણ જન્મથી જ અમુક લોકોને દલિતો ગણ્યા ત્યારથી બાકીના ઉચ્ચ વર્ણોની દાદાગીરી, અણછાજતાં દબાણો તેમજ આભડછેટથી આ પીડિત પ્રજાની પ્રગતિનાં દ્વાર સદંતર બંધ થયાં. આજે પણ કેટલેક અંશે ગામડાઓમાં કાયદા-કાનૂન હોવા છતાંય, આ દૂષણ બંધ થયું નથી. હજીએ મહદઅંશે દલિતોની દયાજનક પરિસ્થિતિનો અંત આવ્યો નથી.

વનવાસીઓ અને આદિવાસીઓ માટે શૈક્ષણિક સગવડો અને ઉચ્ચ કક્ષાના શિક્ષકો તેમજ સંસ્થાઓ વગેરેની ભારે અછત છે. સરકારોની નાણાંકીય ફાળવણી નહીંવત્ જ રહી છે. આ બાબતમાં દરેક રાજ્યની સરકારોએ ખાસ ડિપાર્ટમેન્ટ્સ ઊભા કરવાની જરૂર છે. દેશની આઝાદી વખતે બંધારણમાં દલિતો અને આદિવાસીઓ માટે જે અનામતો અર્પણ કરાઈ હતી, જે યથાવત્ જ હતી. પરંતુ જ્યારથી અન્ય પછાત વર્ગોના (ઓબીસી) લોકો માટે અનામતનો અમલ થયો ત્યારથી બીજી અનેક જ્ઞાતિ અને જાતિઓની માંગો અને ચળવળો પેદા થઈ. આ વિકટ પરિસ્થિતિનું ગૂંચવાયેલું કોકડું કોઈપણ જાતની કમિટીઓ નીમવાથી ઊકેલી શકાય એમ જણાતું નથી.

આમાં મારી દ્રષ્ટીએ ત્રણ પર્યાય છે. સંપૂર્ણ અનામતોની નીતિને તિલાંજલિ, દલિત અને આદિવાસીઓ સિવાયની અન્ય અનામતો સદંતર બંધ કરી દેવી, કે પછી બીજા ૧૫-૨૦ વર્ષો સુધી દલિત અને આદિવાસી માટેની અનામતો ચાલુ રાખીને માત્ર નોકરીઓ માટે જ એનો અમલ કરવો અથવા જેમ મળે છે એવી જ શૈક્ષણિક અનામતો પણ ચાલુ રાખવી.

હા, ઊચ્ચ વર્ણોને નોકરીઓ અને શૈક્ષણિક એડમિશનો માટે અન્યાય થઈ રહ્યો છે એ એક વાસ્તવિક સત્ય છે. એમના અંગત હક્કો પર હથોડો પડ્યો છે એમાં બે મત નથી. પરંતુ એ બધી જ ઉચ્ચ જ્ઞાતિ અને બીજી જાતિઓએ પણ સહિષ્ણુ બનીને એમને અપાતી અનામતો બંધ કરવામાં શાંતિમય સહકાર આપવો જ રહ્યો. તો જ આ અનામતના ભૂતને ભગાડી શકાશે.

વનવાસી આદિવાસીઓ અને દલિતો માટે, દેશની શૈક્ષણિક સંસ્થાઓની હરોળમાં ઊભી રહે તેવી કક્ષાની શાળાઓ, કોલેજો, શિક્ષકો મકાનો અને વિદ્યાર્થીઓ માટે રહેઠાણની સગવડો અને ધરખમ બાંધકામો માટે પૂરતી નાણાકીય જોગવાઈઓ ઊભી કરવી જ પડે. બારમા ધોરણ સુધી ફરજિયાત કેળવણી દાખલ કરવી પડે અને થોડીઘણી નોકરીઓની અનામતો ચાલુ રાખવી પડે, તો જ આ વિકટ પ્રશ્નને હલ કરી શકાશે.

- ડો. નગીનભાઈ પી. પટેલ, લંડન

'ગુજરાત સમાચાર'ની વેબસાઇટ

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'નો હું છેલ્લા ૩૨ વર્ષથી વાચક છું. જો 'ગુજરાત સમાચાર' મને શુક્રવારે ન મળે તો ખૂબ જ બેચેની લાગે છે. દર શુક્રવારે સવારે ઊઠીને ચા-નાસ્તો કરી હંમેશા ટપાલની રાહ જોવાનો મારો હંમેશનો ક્રમ છે. જો ટપાલમાં 'ગુજરાત સમાચાર' ન આવે તો મને ન ચાલે. છાપુ વાંચવાનો મારો ક્રમ શનિવારે સાંજ સુધી ચાલે. રવિવારે છાપુ વાંચવાનો વારો મારા પત્નીનો છે. અમને બન્નેને 'ગુજરાત સમાચાર' જોઇએ એટલે જોઇએ જ. અમે લંડનમાં હોઇએ ત્યાં સુધી કદી આ ક્રમ તુટ્યો હોય તેવું મને ખબર નથી.

પરંતુ મારા દિકરાએ હમણાં મને ભેટ આપેલ આઇપેડ ઉપર 'ગુજરાત સમાચાર'ની વેબસાઇટ સેટ કરીને સમાચાર બતાવ્યા. તેણે 'ગુજરાત સમાચાર'ના ન્યુઝ લેટર માટે પણ મારા ઇમેઇલનું નામ નોંધાવી દીધું. આનંદની વાત એ છે કે હવે મારે પહેલાની જેમ શુક્રવારની રાહ જોવી પડતી નથી. દસ જ સેકન્ડમાં આઇપેડ ચાલુ કરી તાજા સમાચાર વાંચી લઉં છું. આ નવી ટેક્નોલોજી સારી અને સગવડવાળી છે પણ છાપુ વાંચવાની જે મઝા આવે છે તે અલગ જ છે.

રમણભાઇ શાહ, લેસ્ટર.

લંડન-અમદાવાદ વચ્ચેની ફ્લાઇટ

એર ઇન્ડિયા લંડન-અમદાવાદ વચ્ચેની ફ્લાઇટ શરૂ કરવા તપાસ કરી રહ્યું છે તેવા સમાચાર 'ગુજરાત સમાચાર'માં વાંચીને આનંદ થયો. પણ સાથે દુ:ખ એ વાતનું થયું કે મુસાફરોની જરૂરિયાતને પગલે નહિં પણ મોદી સાહેબને વહાલા થવા આવું આયોજન કરાઇ રહ્યું છે.

આપણે 'ગુજરાત સમાચાર' દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ડાયરેક્ટ ફ્લાઇટ માટે ઝઝૂમીએ છીએ. પરંતુ એર ઇન્ડિયા દ્વારા તે માટે કોઇ જ સહકાર આપવામાં આવ્યો નહોતો. હવે મોદી સાહેબ યુકેની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે એર ઇન્ડિયા સફાળુ જાગ્યું છે અને ડાયરેક્ટ ફ્લાઇટ માટે પ્રયત્નો શરૂ કર્યા છે.

એર ઇન્ડિયાના અધિકારીઅોને એટલી સીધી સમજ નથી કે વાયા દુબાઇ અને અખાતી દેશો થઇને લંડનથી અમદાવાદ જનારા મસુાફરોની સંખ્યાનો સરવાળો કરશે તો તેમને ખબર પડી જશેકે કેટલો ટ્રાફિક છે. બીજી સીધી સાદી સમજ એે કે દુકાનખોલો પછી ખબર પડે કે ઘરાકી કેટલી છે. ધંધો જામે પછી કદી કોઇ ધંધાને તકલીફ પડતી નતી અનેધંધો સદાય વધતો જ જાય છે. આ તો અમદાવાદ જવાની જરૂરિયાત છે.

- અલ્કેશ માહ્યાવંશી, બર્મિંગહામ.

કાર્ડિફમાં બાપુ

'ગુજરાત સમાચાર'માં વાંચ્યું કે વેલ્સના કાર્ડિફમાં હિન્દુ કાઉન્સિલ ઓફ વેર્લ્સ આપણા હિન્દુસ્તાનની મહાન વિભૂતિ મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવા માંગે છે. માતૃભૂમિ હિન્દુસ્તાન લાંબા સમયથી ગુલામીના પંજામાં સબડતું હતું ત્યારે વીરરત્ન ગાંધીજીએ અહિંસાનો માર્ગ અપનાવી, અનેક તકલીફો વેઠીને દેશને આઝાદ કર્યો હતો. તેઅો ખરા દેશપ્રેમી હતા અને તેમના માટે આ ગીત સાંભળ્યું હતું. ‘દે દી હમે આઝાદી, બીના ખડગ - ઢાલ કે, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ.’

આપણે સૌ જાણીએ છીએ કે તા. ૨ ઓક્ટોબર બાપુનો જન્મદિવસ છે તો આપણે સૌ ફૂલ નહીં પણ ફૂલની પાંખડી રૂપે યથાશક્તિ ભેટ વેલ્સમાં ગાંધીજીની પ્રતિમા માટે મોકલીએ તો આપણે બાપુને ખરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાય.

ગાંધીજી પ્રતિમાની સ્થાપના ત્યાં થશે તો આપણી આવતી પેઢીને પણ હિન્દુસ્તાનના વિરલાની અોળખ થશે. મને ખાતરી છે કે હિન્દુસ્તાનના અહિંસાના આ પૂજારીની જ્યોતને જલતી રાખવાના આ નેક કાર્યમાં સહુ કોઈ સહયોગી બનશે.

- સુધા રસિક ભટ્ટ, બેન્સન

એર ઈન્ડિયાનું નવું ગતકડું?

'ગુજરાત સમાચાર' અને તેના વાચકો દ્વારા લાંબા સમયથી કરાયેલા અથાક પ્રયાસો, ભારત તેમજ ગુજરાત સરકારના વિવિધ નેતાઓ અને મંત્રીઓના આશાસ્પદ વિધાનો અને બ્રિટિશ સરકારના સાંસદોની દરમિયાનગીરી છતાં એર ઈન્ડિયાએ લંડન-અમદાવાદ વચ્ચેની સીધી ફ્લાઈટ શરૂ કરવામાં હજુ સુધી કાંઈ પ્રગતિ કરી નથી. પરંતુ હવે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત વખતે જ એર ઈન્ડિયાએ જાહેર કર્યું છે કે વિશ્વની સહુથી લાંબી ‘નોન-સ્ટોપ’ સફર એટલે કે ૮૭૦૦ માઈલનું અંતર અને સતત ૧૮ કલાકનું ઉડ્ડયન બેંગ્લોર અને સાન ફ્રાન્સિસ્કોના રૂટ માટે વિચારી રહ્યું છે. જોકે આ રૂટની સફળતાની જાણ કંપનીના ડિરેક્ટર્સ અને રેગ્યુલેટર્સ સાથેની વાટાઘાટો બાદ જાણવા મળશે.

હાલમાં વિશ્વની સૌથી લાંબી હવાઈ મુસાફરી ૮૫૭૦ માઈલની સીડની અને ડલાસ વચ્ચે ‘ક્વોન્ટાસ’ દ્વારા અસ્તિત્વમાં છે તેમજ આવતા વર્ષથી ૮૫૮૦ માઈલની ફ્લાઈટ દુબઈ અને પનામાના રૂટ પર એર એમીરેટ્સ શરૂ કરશે.

એર ઈન્ડિયા એવો દાવો કરે છે કે આ રૂટ શરૂ કરવાથી બંને દેશો વચ્ચે ટ્રાફિક વધશે પરંતુ નિષ્ણાતોના મત મુજબ આ રૂટ નફાકારક નહીં હોય. હવે ભવિષ્યમાં જ ખબર પડશે કે આ નવા રૂટની ફ્લાઈટ કેટલો વખત ચાલશે.

- મુકુંદ આર. સામાણી, લેસ્ટર

ટપાલમાંથી તારવેલું

* અમરભાઇ પ્રજાપતિ, લેસ્ટરથી જણાવે છે કે પશ્ચિમી વિશ્વ અફઘાનિસ્તાનમાં યુદ્ધ કરી શકે તે હેતુથી સર ન્યૂ યોર્કમાં ૧૧ સપ્ટેમ્બરના હુમલા ચાલાકીપૂર્વક ઉભા કરાયા હોવાનું ચોંકાવનારું નિવેદન કરનાર લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન જો આ માટેના પૂરાવા આપે તો ઘણું સારૂ કહેવાશે. તેમની આવી ટીપ્પણીથી તેઅો પાર્ટીનું નેતૃત્વ સંભાળવા સક્ષમ છે કે કેમ તે અંગે પ્રશ્ન થાય તે સહજ છે.

* અરજણભાઇ અોડેદરા, લંડનથી જણાવે છે કે બ્રિટનના મહારાણી એલિઝાબેથના અશ્વપ્રેમ વિષે સમાચાર અને ફોટો જોયો. આપણા ઘણાં ભારતીય રાજવીઅો પણ અશ્વપ્રેમ માટે જાણીતા છે. મહારાણા પ્રતાપ તો પોતાના ઘોડા ચેતકને પોતાનો શ્રેષ્ઠમિત્ર માનતા હતા અને ચેતકે પોતાના પ્રશાણની આહુતી આપીને મહારાણાની રક્ષા કરી હતી. મહારાણી ૮૯ વર્ષની વયે પણ ઘોડેસવારી કરે છે તે તેમનું મનોબળ અને અશ્વપ્રેમ દર્શાવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter