લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે

Tuesday 10th March 2015 08:29 EDT
 

લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે

આ ખૂબ જ જૂની કહેવત આજના જમાનામાં પણ એટલી જ સચોટ છે. અભણ કે ઓછું ભણેલા લોભીયાની શ્રેણીમાં હોય તે તો સમજી શકાય, પણ ભણેલા-ગણેલા, ઈંગ્લેન્ડ, કેનેડા અને અમેરિકામાં રહેતા લોકો ધૂતારાની ચુંગાલમાં ફસાય તે કાંઈ ઓછી નવાઈની વાત નથી. 'ગુજરાત સમાચાર'માં ફેબ્રુઆરી તા. ૨૮ના સમાચાર મુજબ બોગસ ફેઈથ હીલર મોહમ્મદ અશરફીને ૯ વર્ષ જેલની સજા કોર્ટે ફટકારી. તેણે સંખ્યાબંધ લોકો સાથે નાણાંકીય છેતરપિંડી કરી હતી. ભોગ બનેલા આ સંખ્યાબંધ લોકોનો કાંઈ ઓછો વાંક ન કહેવાય. ખૂબ જ જલ્દી ઓછા રોકાણથી પૈસાદાર થવાની લાલચ અને લોભમાં તેઓ ફસાયા અને મોહમ્મદ અશરફી પાસે સાંઈબાબા પ્રેરિત શક્તિ, કાળો જાદુ, ભુરકી વિ. શક્તિ હોવાના પ્રપંચથી પ્રભાવિત થઈને તેનો શિકાર બન્યા.

કેનેડાના પરમજીત ભુલ્લરે ૨૦૦૭માં ડોલર ૨૫૦,૦૦૦ તેને આપ્યા હતા અને બીજા ૪૦ કેનેડિયન તેનો શિકાર બન્યા. કેનેડામાં મોહમમ્મદ તેઓને સુપરમાર્કેટમાં જઈ એગ્સ ખરીદવાનું કહેતો અને પછી તેમની સામે તે એગ્સને બોઈલ કરી તેમાંથી લોટરીના નંબર કાઢતો અને પછી તેઓના પૈસા લઈ ભાગી જતો. અમેરિકામાં ટેક્સાસ રાજ્યમાં પણ કેટલાય લોકોએ નાણાં ગુમાવ્યા.

માણસ લોભને વશ થઇ પોતાની બુદ્ધિ નેવે મૂકી લલચાઇને પૈસા ગુમાવે છે અને પછી પસ્તાય છે. 'ગુજરાત સમાચાર' દ્વારા આપ સૌ જાદુ-ટોના, તાંત્રિક, દોરા-ધાગા, બોગસ જ્યોતિષી - ફેઈથ હીલર વગેરેની જાહેરાતો ન સ્વીકારી આર્થીક ખોટ સહન કરી મોટી સેવા કરી રહ્યા છો. શ્રી સીબીએ જીવંતપંથમાં પણ આ અંગે ખૂબજ સરસ રજૂઆત કરી જનચેતનાનું કામ કર્યું છે. આશા રાખીએ કે તેઓ આપણી જનતા આવા ધુતારાની ચુંગાલમાં ન ફસાય.

- સુરેશ અને ભાવના પટેલ, મારખમ – કેનેડા.

૦૦૦૦૦૦૦૦

વસિયતનામું

મૃત્યુ અને ઉંમરને કશો સંબંધ નથી, કોણ ક્યારે આ દુનિયામાંથી ક્યારે વિદાય લેશે એ કોઈ જાણતું નથી. પરંતુ આપણે સહુ જાણીએ છીએ કે દરેક વ્યક્તિનું વસિયતનામું ‘વીલ’ હોવું જોઈએ. છતાં પણ મોટાભાગની વ્યક્તિઓ આ બાબતને ગંભીરતાથી લીધા વીના અવગણે છે. ઉંમર ભલે ગમે તેટલી હોય પરંતુ દરેક પુખ્ત વયની વ્યક્તિએ વીલ બનાવવું આવશ્યક છે. તે માટે બુઢાપો આવે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી.

બ્રિટનમાં સરેરાશ વ્યક્તિઓ ૭૨ વર્ષની વય સુધી વીલ બનાવવાનું ટાળે છે. પુખ્ત વયની વસ્તીમાંના ૬૬ ટકા અને ૬૫ વર્ષની ઉપરની ઉંમરની વસ્તીમાંથી ૩૩ ટકા લોકોએ વીલ બનાવ્યું નથી. ૨૦૧૦માં થયેલા સર્વેક્ષણ મુજબ જેટલા દેહાંત થયા હતા તેમાંની ૬૦ ટકા વ્યક્તિઓનું વસિયતનામું નહોતું.

‘નેશનલ કન્ઝ્યુમર કાઉન્સિલ’ એ ૨૫૦૦ માણસોની પૂછતાછ કરીને તારણ કાઢ્યું કે વીલ ન કરવાના કારણોમાં ૪૦ ટકા વ્યક્તિઓએ સમયના અભાવનું બહાનું કાઢ્યું, ૩૦ ટકા વ્યક્તિઓએ જણાવ્યું એ બારામાં વિચાર્યું જ નથી અને ૧૦ ટકા વ્યક્તિઓએ કહ્યું કે વીલ તો ઠીક પરંતુ મૃત્યુ વિશે પણ કદી વિચાર્યું નથી.

પરિણિત દંપતિના બાળકો સગીર વયના હોય, દંપતિની મિલ્કત ૨૫,૦૦૦ કરતાં વધારે હોય અને દંપતિમાંથી કોઈ એકનું મૃત્યુ થાય અને જો વીલ અસ્તિત્વમાં ન હોય તો એ સંપતિનો અડધો હિસ્સો સગીર બાળકોના ટ્રસ્ટ ફંડમાં રાખવામાં આવશે એ હકીકતથી મોટાભાગનો સમાજ અજાણ છે.

વીલ માત્ર મિલ્કત અને સંપત્તિની જ વ્યવસ્થા કરવા માટે જરૂરી નથી પરંતુ અન્ય બાબતો જેવી કે બાળકોની જવાબદારી કોને સોંપવી એ પણ વીલ દ્વારા દર્શાવી શકાય. ‘જર જમીન અને જોરુ, એ ત્રણ કજીયાના છોરુ’ની કહેવત જાણીતી છે. તો એ કજીયો ટાળવાની વ્યવસ્થા આપણે સૌએ કરવી જરૂરી છે.

- મુકુંદ આર. સામાણી, લેસ્ટર

0000000

0000000

સરકાર ક્યારે સમજશે?

'અચ્છે દિન આયેંગે'ના વાયદા કરનાર મોદી સાહેબની સરકાર આવી ગઇ અને હવે થોડા મહિનામાં તેમનું એક વર્ષ પૂરૂ પણ થશે. પરંતુ બ્રિટનવાસી ભારતીયો માટે અને ખાસ કરીને આપણા ગુજરાતી ભાઇઅો માટે તો હજુ સારા દિવસો આવ્યા નથી. અમદાવાદ અને લંડનની ડાયરેક્ટ ફ્લાઇટ માટે આપણે ચાર-પાંચ વર્ષથી લડત ચલાવીએ છીએ. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા કોઇ જ સ્વાર્થ વગર ૧૬,૦૦૦ લોકોની સહીઅો એકત્ર કરીને સરકાર અને એર ઇન્ડિયાને સુપ્રત કરાઇ હતી. પાના ભરીને આ ઝૂંબેશ માટે પ્રચાર કરાયો હતો. પરંતુ ભારત સરકાર હજુ ડાયરેક્ટ ફ્લાઇટ માટે કશું જ વિચારતી નથી તે દુ:ખદ અને શરમજનક છે. ઘણાં કહે છે કે બહુ પેસેન્જર મળતા નથી. અલ્યા, આંકડા તમારી પાસે છે. જુઅો સરખામણી કરો અને પેસેન્જર ન દેખાતા હોય તો અઠવાડીયે એક ફ્લાઇટ શરૂ કરો. મારી ગેરંટી છે તમારે દરરોજની એક ફ્લાઇટ ચાલુ કરવી પડશે.

ખાટલે ખોડ ક્યાં છે તે ખબર પડતી નથી. લાગે છે કે અંદોલનની શરૂઆત આપણે જ કરવી પડશે.

અર્જુન પટેલ, સ્ટ્રેધામ.

000000000

સ્ત્રી તારા કેટલા રૂપ

સ્ત્રી ઈશ્વરની દીધેલી મહાન કૃતિ છે. જન્મથી મરણ સુધી સ્ત્રીએ અનેક અદભૂત પાત્રો ભજવ્યા છે. જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે સૌથી વધારે કરુણ કલ્પાંત બાપ કરે છે. મા-બાપ બીમાર છે તેવી ખબર સાસરીયે દીકરીને પડે કે તુરંત જ તે ખાવા-પીવાની બધી સગવડ કરીને દોડતી મા-બાપની સેવા કરવા જાય છે. દીકરી બે કૂળને તારે છે. સ્ત્રી પતિ માટે ‘ભોજ્યેશુ માતા, કાર્યેષુ મંત્રી, ચરણેશુ દાસી અને શયનેશુ રંભા’ છે.

પતિના જીવનને યમરાજ પાસેથી પાછું લાવનાર સતિ સાવિત્રી હતા, જેમનું જીવન અદ્ભૂત તપની યાદ અપાવે છે. પિયરે ફૂલ પર ચાલ્યા હોવા છતાં પતિનો પડછાયો બનીને ૧૪ વર્ષ વનમાં ફક્ત કાંટા પર ચાલનાર સીતા હતા જે તેમનું પતિવ્રતાપણું બતાવે છે. દ્વાર પાસે ૧૪ વર્ષ સુધી આરતીની થાળી લઈ પતિની રાહ જોતી ઉર્મિલાની અવર્ણનીય પ્રતિક્ષાની તોલે કોઇ ન આવે. વર્ષો સુધી રામના દર્શન કરવા રાહ જોતી વૃદ્ધ શબરીનું અદભૂત ધૈર્ય ક્યાં જોવા મળે. દુશ્મન સામે હિન્દુસ્તાનની સ્વતંત્રતા માટે લડતી ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈની મહાન મર્દાનગીનો જોટો ન જડે. આવી વિરાંગના હિન્દુસ્તાનની શાન, ગૌરવ, શ્રદ્ધા, સંસ્કૃતિ અને પ્રેરણા બની છે. નરને નીપજાવનાર નારી તું નારાયણી છે. મા આપણી પ્રથમ ગોદ છે જેના બાહુમાં આપણે સંસારમાં સુરક્ષિત રહ્યા છીએ. મા હતાશાની આશા, ભાંગ્યાની ભેરુ, નાસીપાસની પ્રેરણા, સૌથી સુંદર, સ્નેહી અને સંસારની સમ્રાટ છે. પોતાના પુત્ર કરતા પૌત્રો, પૌત્રી - પોતાના વંશને દિલ, આત્મા, વાણી અને પ્રેમથી રમાડનાર, વાર્તા કહેનાર, હાલરડાં ગાઈને સુવડાવનાર અને અનુભવે વંશનું વૈદુ કરતી કુટુંબની છેલ્લી ફરજ બજાવતી દાદીમાની હેત વર્ષાવતી મૂંગી આશિષો આપનાર નારી છે.

- સુધા રસિક ભટ્ટ, બેન્સન

૦૦૦૦૦૦૦

વડીલોના સન્માન દ્વારા સમાજ સેવા

શનિવાર તા. ૨૪-૧-૧૫ના દિવસે લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન, પી.વી. રાયચુરા સેન્ટર, ક્રોયડન ખાતે સાઉથ લંડન કોમ્યુનિટી તથા 'ગુજરાત સમાચાર - એશિયન વોઈસ' સહિત ક્રોયડન અને ક્રોયડન આસપાસ વસતા ૮૦ વર્ષ અને તેથી મોટી વયના વડીલોનું સન્માન કરી આપ સૌએ સમાજની ખૂબજ સુંદર સેવા કરી છે. હું સન્માનનો અધિકારી ના હોવા છતાં સન્માન પત્રક અર્પણ કરી મારું સન્માન કરાયું તે બદલ અમારો પરિવાર આપ સૌનો આભારી છે. તમારો, ગુજરાત સમાચાર - એશિયન વોઈસ અને કાર્યકર્તાઓનો આભાર માનવા માટે મારી પાસે શબ્દો જ નથી.

તા. ૭-૨-૧૫ના ગુજરાત સમાચારના અંકમાં ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના નામ અને ફોટા સહિતનો સન્માનનો વિસ્તૃત અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે તે દરેકના જીવનનું એક સંભારણું થઈ જશે.

અમારું પરિવાર તથા અમો સર્વે અંતઃકરણપૂર્વક પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમોને શક્તિ આપે. સમાજમાં ખૂબ ખૂબ નામના મેળવો અને પ્રતિષ્ઠા મેળવો અને ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની પ્રગતિમાં વધારો થાય.

- રમણિક ગણાત્રા, બેકનહામ

0000000

બ્રિટનમાં પાર્લામેન્ટની ચૂંટણી

બ્રિટનમાં પાર્લામેન્ટની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતીઅો અને હિન્દુઅો તેમાં ખૂબ જ મહત્વની ભુમિકા ભજવી શકે છે. આપણે કોઇનું કશું મફતનું લેવું નથી. પરંતુ આપણે જો બેદકરાર થઇને આપણા ખુદના અધિકારોને જતા કરીશું તો યુગાન્ડાની જેમ આપણે પહેરેલા કપડે ભાગવું પડે એવો જમાનો આવી શકે છે.

આજે આપણી વસતી બ્રિટનમાં અને લંડનના વિવિધ પરાઅોમાં ખૂબજ હોવા છતાં સરખામણીએ અન્ય સમુદાય કરતાં આપણા કાઉન્સિલર અને એમપીની સંખ્યા ઘણી જ અોછી છે. આવું કેમ થાય છે? આપણો અવાજ જો પાર્લામેન્ટ કે કાઉન્સિલમાં નહિં હોય તો આપણા બાળકોના ભણતરથી લઇને આપણા મંદિર, કોમ્યુનિટી સેન્ટર વગેરેની પ્લાનીંગ પરમીશનથી લઇને અન્ય મુદ્દાઅો માટે આપણને ખૂબ જ તકલીફ પડશે.

વિવિધ પક્ષો આપણા મતને અંકે કરવા ખૂબજ આતુર છે. પરંતુ તેઅો તે માટે આપણી કોમ્યુનિટીમાં ભાગલા ન પડાવે તે જોવાનું રહ્યું. નહિં તો આપણા ઉમેદવારો જીતી શકશે નહિં. 'ગુજરાત સમાચાર'માં સાચુ જ હેડીંગ લખાયું છે કે 'આગામી ચૂંટણીમાં વિજયની ચાવી માઇગ્રન્ટ્સના હાથમાં.'

- રાજેન્દ્ર સોલંકી, થોર્નટન હીથ

00000000


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter