સીતામઢીઃ બિહારના સીતામઢી જિલ્લાના પુનૌરાધામમાં સ્થિત જાનકી જન્મસ્થાન મંદિર પરિસરમાં ગયા શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી નીતિશ કુમારે સમગ્ર વિકાસ પરિયોજનાનું શિલાન્યાસ કર્યો હતો. વૈદિક મંત્રોચ્ચારની વચ્ચે ભૂમિપૂજન થયું હતું. આ યોજના કુલ રૂ. 890 કરોડના ખર્ચે સાકાર થશે. જેમાં મંદિરનો જીર્ણોદ્વાર, પરિક્રમા પથ, ધ્યાન કેન્દ્ર અને અત્યાધુનિક ડિજિટલ ગેલરીનો સમાવેશ થાય છે. ડિજિટલ ગેલેરીમાં માતા સીતાનું જીવન અને રામાયણની કથા થ્રી-ડી માધ્યમથી રજૂ કરાશે. ભૂમિપૂજન પહેલા 21 તીર્થ સ્થળોની માટી અને પવિત્ર નદીઓનું જળ અપર્ણ કરાયું હતું. ગૃહમંત્રી શાહે આ અવસરને બિહારના ભાગ્યોદયની શરૂઆત ગણાવી હતી. પીએમ મોદીના નેતૃત્વમાં થઈ રહેલા ધાર્મિક સ્થળોના વિકાસની શ્રૃંખલામાં વધુ એક મહત્ત્વનું પગલું ભરાયું છે.