તમારી વાતના પત્રો

Tuesday 09th June 2020 15:55 EDT
 

ફર્લોની અને ફર્લોથી અવદશા

બ્રિટિશ સરકારે આ કોરોના વાઇરસના કારણે લદાયેલા લોકડાઉનના પરિણામે ફર્લો યોજના બહાર પાડી છે. જેમાં કર્મચારીને કામ ન કરવાના પણ પૈસા મળી રહ્યા છે. ઉદ્દેશ સારો છે, પણ તેના કેટલાક માઠા પરિણામ પણ જોવા મળી રહ્યા છે. ઘણા લોકો તેનો ગેરલાભ લેતા જોવા મળી રહ્યા છે.
આ બધું જોઇને મને યુગાન્ડામાંથી એશિયન સમુદાયની થયેલી હકાલપટ્ટીના દિવસો યાદ આવી રહ્યા છે કેમ કે આવા માઇગ્રન્ટ્સમાં મારો પણ સમાવેશ થાય છે. તે સમયે અમને બ્રિટિશ સરકારે રેફ્યુજી કેમ્પમાં આશરો આપ્યો હતો. અમને કહેવાયું હતું કે તમે અહીં - આ દેશમાં રહી શકો છો. બેનિફિટ પણ મેળવી શકો છો. સરકાર અમારી ખાવાપીવાથી માંડીને દરેક બાબતની કાળજી લેતી હતી. અરે, અમને ‘ગુજરાત સમાચાર’ સુદ્ધાં પૂરું પાડવામાં આવતું હતું.
એક પરિવારના સભ્ય જેવી અમારી કાળજી લેવામાં આવતી હોવા છતાં અમે રેફ્યુજી કેમ્પમાંથી બને તેટલા વહેલા બહાર નીકળી જઇને કામે લાગી જવા માગતા હતા, જેથી નિભાવ પૂરતી કમાણી કરી શકાય. જેઓ સુખસાહ્યબીમાં જીવતા હતા, પેઢી કે ફેક્ટરી કે દુકાનની માલિકી ધરાવતા હતા તેવા લોકો નાનુંમોટું - જે કામ મળે તે સ્વીકારી લેતા હતા, જેથી કંઇક કમાણી થઇ શકે. એક કિસ્સો તો મને એવો પણ યાદ છે કે એક બહેન કે જેઓ યુગાન્ડામાં વૈભવી જીવન વીતાવતા હતા, જેમણે ઘરકામ કરવાનું તો ઠીક કદાચ ચમચી પણ નહીં ઉઠાવી હોય તેવા બહેન પોતાનો ભવ્ય ભૂતકાળ ભૂલીને અહીં જરા પણ ખચકાટ વગર કામે લાગી ગયા હતા.
યુગાન્ડાથી હિજરત કરીને અહીં આવેલા આ બહેન કે અમારા જેવા હજારો લોકો એવા હતા જેઓ મફતનું (સરકારી સહાયનું) ખાવા માગતા નહોતા. આ અમારી ખુમારી હતી. અમે પોતાના પગ પર ઉભા થવા માગતા હતા. જાતમહેનત ઝિંદાબાદમાં માનતા હતા. આ જ કારણ છે કે જ્યારે જ્યારે માઇગ્રન્ટ્સની વાત નીકળે છે ત્યારે ત્યારે આવા એકાદ-બે નહીં અનેક કિસ્સાઓનો અચૂક ઉલ્લેખ થાય છે. યુગાન્ડન-એશિયન સમુદાયના અભિગમના ભરપૂર વખાણ થાય છે.
આજે સેંકડો - હજારો લોકો ફર્લો સ્કીમ હેઠળ નાછૂટકે સરકારી યોજનાનો લાભ લઇ રહ્યા છે. આમાં કંઇ ખોટું નથી, પણ તમારા કૌશલ્યને કટાવા નહીં દેતા, તમારા મગજને તાળું નહીં મારી દેતા. સરકારી સહાયનો સમય પૂરો થયે આખરે તો તેનો જ ઉપયોગ કરવાનો સમય આવશે. ઘણા લોકો ફર્લોના નાણાંમાંથી દારૂ પી રહ્યાં છે, લોટરી-જુગારમાં નાણાં વેડફી રહ્યા છે, ઘરમાં રહ્યાં રહ્યાં કજિયો-ટંટો કરી રહ્યા છે.
આ લોકોને એટલું જ સૂચવી શકાય કે આ બધું છોડો. નવી કારકિર્દી માટે આયોજન વિચારો, તક મળે તો ભલે ઓછા તો ઓછા પગાર પણ જૂની કંપનીમાં જ જોબ સ્વીકારી લો. એ કદી ન ભૂલતા કે અત્યારનો કપરો સમય પણ વીતી જ જશે. - અવિનાશ રાઘવજી, લંડન

---

‘ગુજરાત સમાચાર’નું મુઠ્ઠીઉંચેરું સ્થાન

‘મંતવ્ય’ વિભાગમાં આદરણીય શ્રી લોર્ડ ભીખુભાઇ પારેખનો પત્ર વાંચીને ખુબ જ ગર્વ થયું છે. ભીખુભાઇ પારેખના શબ્દો ‘ગુજરાત સમાચાર’નું કેવું મુઠ્ઠીઊંચેરું સ્થાન છે તે દર્શાવે છે. ૩૦ મેના અંકમાં પાના નંબર ૧૪ વિશેષ લેખ ‘નરેન્દ્ર મોદી શાસનના ૬ વર્ષઃ વિવાદો વચ્ચે સિદ્ધિના શિખરે’ વાંચીને ગર્વ થયું. શરૂઆતના સમયમાં મોદી સરકારે મહત્વના ત્રણ નિર્ણય લઇને દેશ અને દુનિયાને ચકિત કર્યા છે. કોરોના વાઇરસ સામે રક્ષણાત્મક પગલાંરૂપે નરેન્દ્ર મોદીએ ખુબ જ જલ્દી પગલાં લઇને રાતોરાત ભારતભરમાં લોકડાઉન લાદીને જે પ્રકારે આ મહામારીને નિયંત્રણમાં રાખી છે તેનાથી દુનિયા પણ બહુ પ્રભાવિત છે. તેમના આ નિર્ણયની પ્રશંસા દુનિયાભરમાં થઈ અને ભારત સરકારે કોરોના વાઇરસની સામે સફળ થવા રૂપિયા ૨૦ લાખ કરોડ રૂપિયાનો ધોધ વહાવ્યો છે. જેમાં ગરીબ, મધ્ય્મ વર્ગ, ખેડૂતો, નાના વ્યવસાયકારો વગેરેને લાભ મળે તેવા પગલાં લીધા છે. સ્વ. જનાર્દનભાઈ (સી.બી. પટેલના લઘુબંધુ)ના નિધન સમાચાર જાણીને દુઃખની લાગણી અનુભવી. - ભરત સચાનિયા, લંડન

---

ભારતમાં કથાકારો માટે ઉહાપોહ

આજે મોદીરાજમાં ભારતમાં ઝડપથી રાજકીય ક્ષેત્રે તો બદલાવ આવી રહ્યો છે, પરંતુ સમાજની વિચારસરણી પણ બદલાઈ રહી હોય તેવું જણાય છે. ગાંધીબાપુજીની નીતિરીતિ ઉપર પણ આજે ઘણા સવાલો ઉઠી રહ્યા છે. ભારતીય સમાજમાં નીડરતા આવી છે, રાષ્ટ્રભાવ વધ્યો છે અને સનાતન ધર્મને સાચી રીતે સમજવાના પ્રયાસો થઇ રહ્યા છે.
હાલમાં સોશ્યલ મીડિયામાં આપણા અનેક આદરણીય કથાકારો ઉપર સનાતન ધર્મને પાંગળો કરવા રોષ વ્યક્ત થયો છે. એમાંના એક આપણા લોકપ્રિય મોરારિબાપુ પણ સામેલ છે. પાખંડી, ડાકુ, ધુતારા જેવા આકરા શબ્દોનો પ્રહાર તેમના પર થયો છે. કથાને એક ધંધો બનાવીને બેઠા છે તેવો પણ આક્ષેપ થયો છે. ભાવુકોની આસ્થાનો લાભ ઉઠાવી, માન-સન્માનમાં રચ્યાપચ્યા રહી અતિપ્રતિષ્ઠિત જીવન જીવવું અને જનકલ્યાણ માટે નિમિત્ત ટ્રસ્ટમાં ઉદારપણે અર્પણ કરાયેલી રકમ માટે મૌન સેવવું એ ઘણાને રુચતું નથી. આ બધી ચોંકનાવરી બાબતો સાંભળ્યા પછી, ભાવુકોએ વિચાર કરવોનો રહેશે કે તેમની આસ્થા અસ્થાને તો નથીને! - નિરંજન વસંત, ઇમેઇલ દ્વારા

ટપાલમાંથી તારવેલું.....

• લંડનથી હર્ષ ત્રિવેદી લખે છે કે આવા કપરા સમયે પણ ફરજ નિભાવનારા ગુજરાત સમાચારના વ્યવસ્થાપક અને સંપાદક વર્તુળને અભિનંદન.
• લેસ્ટરથી રામચંદ્ર શાહ લખે છે કે કોરોના મહામારી સામે હવે નાગરિકોએ સ્વબચાવ માટે તૈયારી કેળવવી પડશે.
• વેમ્બલીથી બટુક પટેલ લખે છે કે સામાજિક સમાચારોનું પ્રમાણ વધારવામાં આવે તો અંક વધારે ગમશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter