મંતવ્યઃ તંત્રીને પત્ર (અંક ૨ મે ૨૦૨૦)

Wednesday 29th April 2020 07:44 EDT
 
 

ગુજરાત સમાચાર - Asian Voice લાઇફલાઇન સમાન છે

દરેક ભાઈઓ અને બહેનોને અને બાળકો તથા વડીલોને નમસ્કાર... જ્યારે દુનિયામાં કોરોના વાઇરસનો પ્રકોપ અને કહેર ચાલતો હોય ત્યારે કોઈ પણ જાતની રકમ, સગવડ કે મદદ મળે ત્યારે આપણા હાથ ઉપર કરીને પ્રાર્થના તથા દુઆ માંગી છીએ કે પ્રભુ આજે દરેક જીવતી વ્યક્તિને તમારી જરૂર છે.
જ્યારે મારા જેવા સિનિયર સિટીઝનને ‘ગુજરાત સમાચાર’-‘Asian Voice’ની કોપી મળે તો એમ જ થાય કે અમારે માટે લાઈફલાઈન છે. અમે બધા દર ગુરુવારે રાતના આઠ વાગ્યે તાળી પાડી એનએચએસને ધન્યવાદ આપીએ ત્યારે થાય કે હવે સેવાની કદર થઈ. આ કોવિડમાં માણસો સમજવા માંડ્યા છે. હું જ્યારે જમવા બેસું ત્યારે એ વિચાર આવે કે આ થાળી માટે દરેકે દરેકને ધન્યવાદ કરવો જોઈએ. અલગ અલગ મત - માન્યતા છતાં ઈશ્વરની કૃપા વરસે તો શું ન થાય? જમતી વખતે મેઈન મિલ જમીએ ત્યારે કચુંબર તથા બીજી વિશેષ વસ્તુ મળે તો મોઢું હસતું થાય ત્યાં તમારા જેવા સેવાભાવી કર્મવીરની વીરતા દેખાઈ આવે કે ઉપરવાળાએ કેવી કરામતથી દુનિયા બનાવી છે. બોલ્ટનના દરેક સેવાભાવી મંડળો તથા માનવતાને જીવંત રાખનાર સહુ કોઇની કામગીરી આપણને અનુભૂતિ કરાવે છે કે જીવન ખરેખર જીવવા યોગ્ય છે.
- રમણભાઈ ડી. મિસ્ત્રી, લંડન

---

કોવિડ-૧૯ ભારત માટે અવસરની તક બની શકે

તાજેતરના અંકમાં જાણવા મળ્યું કે ખૂબ ઓછી કિંમતમાં સામૂહિક ઉત્પાદન વ્યવસ્થાને કારણે કેવી રીતે ચીન પ્રોડક્શન ક્ષેત્રે વૈશ્વિક કેન્દ્ર બન્યું છે. વિશ્વની અગ્રણી કંપનીઓ સહિત અનેક કંપનીઓ ચીનમાં પોતાના માલનું ઉત્પાદન કરવા આગ્રહ રાખે છે કારણ કે ત્યાં માલનું ઉત્પાદન સસ્તુ પડે છે. વર્તમાન કોવિડ-૧૯ મહામારીને કારણે પણ અનેક કંપનીઓને પોતાના દેશમાં કામકાજ બંધ કરવાની ફરજ પડી રહી છે.
આ કંપનીઓને પણ ચીનથી માલ મળવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે કોવિડ-૧૯ કટોકટીની આફતને ભારતે અવસરમાં ફેરવી નાખીને આવી ચીન પર આધાર રાખતી કંપનીઓને પોતાને ત્યાં આકર્ષવાનો પ્રયાસ કરવો જોઇએ. બ્રેક્ઝિટ અને કોવિડ-19 પછી હવે આ પ્રકારની ભારત સામે અનેક તક રહેલી છે.

- હિતેશ હિંગુ લંડન

---

કપરા કાળમાં માનવતાની મહેક વંદનીય

તા. ૨૫ એપ્રિલના અંકના પ્રથમ અને પાન ૧૪ પર સમાચાર વાંચીને ખુબ જ ગર્વ થયું છે. વિશ્વ મહામારી કોરોના વાઈરસનો ભોગ બની રહ્યું છે એવા સમયે અનેક લોકોની વહારે આવતા દેવદૂત સમાન લોકોની માનવતાના સમાચાર આવી રહ્યાં છે, જે બિલકુલ સરાહનીય છે.
બ્રિટનના નિવૃત આર્મી ૧૦૦મા વર્ષમાં પ્રવેશી રહેલા મહાન કેપ્ટન ટોમ મુરે ૨૬ મિલિયન પાઉન્ડથી વધુ દાન મેળવ્યું છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમણે ૧૦૦૦ પાઉન્ડના દાનની અપેક્ષા રાખીને પોતાના ગાર્ડનમાં એનએચએસ અને ધર્માદા માટે ચાલવાનો નિર્ણય કરેલો. સુશ્રી જ્યોતિસનાબેન શાહનો લેખ વાંચી કહેવાનું કે જયારે જયારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે અનેક સંસ્થા અને વ્યક્તિગત લોકો માનવતા માટે કામ કરે છે. જેમાં જલારામ ટિફિન સેવા, બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના સ્વયંસેવકો હોય કે નીતાબેન અને તેમના પતિ સહિતના નામી અનામી અનેક લોકો લંડન અને યુકેમાં સેવા આપી રહ્યાં છે. એનએચએસ કર્મીઓ, પોલીસ, ફાર્મિસ્ટ, એકલા રહેતા લોકો, કી વર્કર વગેરેને જમવાનું પહોંચાડે છે, જે વંદનીય છે, આવા લોકો દેવદૂતસમાન છે. ભારતમાં પણ અનેક સેવાભાવી લોકો અને સંસ્થાઓ રાત-દિવસ ગરીબો, સફાઈ કામદારો, પોલીસકર્મીઓ અને આરોગ્યકર્મીઓ માટે વિવિધ સેવા આપી રહ્યાં છે.

- ભરત સચાણીયા, લંડન

---

લોકડાઉન/સેલ્ફ આઇસોલેશનથી શીખવું જોઇએ

જ્યારથી કોવિડ-૧૯ મહામારી ફાટી નીકળી છે ત્યારથી આ વિષાણુ સામે રક્ષણ મેળવવાની રસી શોધવા કવાયત ચાલે છે. સેલ્ફ આઇસોલેશન તથા લોકડાઉનને કારણે ઘરોમાં બંધ રહેનારા લોકો ફરિયાદ કરે છે કે તેઓ કંટાળી ગયા છે, સમય પસાર થતો નથી. બહાર જવાતું નથી, જેલમાં હોઇએ એવું લાગે છે સહિતની ફરિયાદો કરે છે. એ સહુને જણાવવાનું કે બ્રિટિશ કાળ સમયે ભારતની સ્વાતંત્ર્ય લડત દરમ્યાન સેંકડો લોકોએ એવા પણ હતા કે જેમણે આઝાદીની લડત માટે પોતાની નોકરીઓ છોડી, વેપાર-ધંધા બંધ કર્યા અને ઘરબાર છોડીને સત્યાગ્રહ લડતમાં ધરપકડ વહોરી જેલમાં બંધ રહ્યાં હતાં. આવા સમયે આપણે રચનાત્મક વિચાર કરવા જોઇએ અને ઘરને મંદિર સમજી ત્યાં સમય ગાળવો જોઇએ. પરિવાર સાથે સમય ગાળો તો આ લોકડાઉન પણ રસપ્રદ બનશે.

- સુરેશ અને ભાવના પટેલ માર્ખમ-કેનેડા

---

ટપાલમાંથી તારવેલું...

મુંબઇથી જુબેલ ડિક્રૂઝ લખે છે કે સમગ્ર ભારતમાં સૌથી વધુ કોરોનાના કેસ મુંબઈમાં નોંધાઈ રહ્યાં હોવા છતાં રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોઇ અસરકારક પગલાં લેતાં નથી. હવે તેમણે 15 જૂન સુધી લોકડાઉન લંબાવવાની વાત કરી છે.
લંડનથી મહેન્દ્ર સોલંકી લખે છે કે તાજેતરના અંકમાં સાંપ્રતપ્રવાહના સમાચારો સાથે બીજા લેખ પણ વાંચ્યા અને ગમ્યા.
લંડનથી રોહિત પટેલ લખે છે કે ફિલ્મોની સાથે આધ્યાત્મિક અને અન્ય લેખનું પ્રમાણ વધારો તો ગમશે.
લેસ્ટરથી રૂપલ પટેલ લખે છે કે કોરોના સંકટમાં સેવા અને માનવતા માટે આગળ આવનાર સંસ્થાઓને અભિનંદન.
વેમ્બલીથી નરેન્દ્ર પટેલ લખે છે કે હજુ કેટલાક લોકો લોકડાઉનને ગંભીરતાથી લેતા નથી, આવા બેજવાબદાર લોકોથી કોરોનાનું જોખમ વધે છે.
અમદાવાદથી હર્ષ ગાંધી લખે છે કે આવા કપરા સમયમાં જે પ્રકારે આરોગ્યકર્મીઓ, પોલીસ અને મીડિયા કામ કરે છે તે સરાહનીય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter