કેનેડા દિવસ અને અમેરિકી ઈન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે શુભેચ્છા

સુરેશ અને ભાવના પટેલ Tuesday 09th July 2024 16:36 EDT
 
 

અમે 1 જુલાઈએ કેનેડા ડે અને 4 જુલાઈના અમેરિકાના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વિશ્વભરમાં વસતા તમામ કેનેડિયન્સ અને અમેરિકન્સને અમારી હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ. જુલાઈ 1 2024 કેનેડિયન કોન્ફેડરેશનની 157મી વર્ષગાંઠ છે. આ દિવસને ઉજવવા આવેલા મુલાકાતીઓ અને કેનેડિયન્સ માટે સમગ્ર ઓન્ટારિઓ અને કેનેડામાં આતશબાજી સહિત ઉત્સવો અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

4 જુલાઈ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની સ્વતંત્રતાની 248મી વર્ષગાંઠ હતી અને અમેરિકામાં આ વિશિષ્ટ દિવસને ધૂમધામ, આનંદ અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.

ટોરન્ટો સ્ટારના તંત્રીને 30 જૂ, 2006નો લખેલો પત્ર લેટર ઓફ ધ ડે તરીકે પ્રસિદ્ધ કરાયો હતો જેનું હેડિંગ ‘લોયલ કેનેડિયન્સ ઓલ’ હતું. જર્મનીમાં રમાતાં FIFA વર્લ્ડ કપમાં સ્પર્ધા કરતા દેશોના ધ્વજ લહેરાવી રહેલા પ્રશંસકોના આ દેશ સાથે લાગણીભર્યા સંબંધ વિશે શંકા રાખવાની જરા પણ જરૂર નથી. વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલા દેશોના પ્રશંસકો તેમની કાર, તેમના ઘર અને એપાર્ટમેન્ટ્સ પર આ દેશોના ધ્વજ લહેરાવી રહ્યા હતા અને વિક્ટરી પરેડ દરમિયાન ટોરન્ટો અને કેનેડાના અન્ય શહેરોની શેરીઓમાં ધ્વજ ફરકાવતા હતા ત્યારે આ જોનારા કેટલાક નાગરિકો તેની ટીકા કરી અપનાવેલા દેશ કેનેડા પ્રત્યે તેમની વફાદારી વિશે શંકા કરતા હતા. મેં મારા પત્રમાં લખ્યું હતું કે,‘અમે અહીં જન્મેલા લોકોની જેટલાં જ વફાદાર છીએ. અમારી વફાદારી વિશે શંકાને દૂર કરવાના મારા પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે મારી દીકરી અલ્પા પટેલનાં લગ્ન30 જૂન 1996ના રોજ નવલ ગાંધી સાથે થયાં હતાં. લગ્નનાં રિસેપ્શનમાં નવવધૂના પિતા તરીકે મારા સંબોધનમાં મેં વરરાજા અને નવવધૂના દીર્ઘકાલીન સંબંધની શુભેચ્છા સાથે કેનેડા માટે પણ શુભકામના વ્યક્ત કરી હતી કારણકે લગ્ન પછીનો દિવસ 1 જુલાઈ કેનેડા ડે હતો.. તમે માનશો નહિ પરંતુ, ભારતીય, પાકિસ્તાની, ચાઈનીઝ, ફિલિપ્પીન, સાઉથ અમેરિકન્સ, શ્રી લંકન્સ અને ચોક્કસપણે મૂળ કેનેડાના તમામ આમંત્રિત મહેમાનોએ મને તાળીઓથી વધાવી લીધો હતો.

મારા પત્રના અંતમાં મેં સહુને હેપી કેનેડા ડેનો ઉલ્લેખ પણ કર્યો હતો.

મારી દીકરી અલ્પાનાં નવલ ગાંધી સાથે 30 જૂન 1996ના રોજ થયેલા લગ્ન પછી મેં ટોરન્ટો સ્ટારને 18 ઓગસ્ટ, 1996ના રોજ ‘ ફાધર ઓફ ધ બ્રાઈડ ગ્રેટફૂલ ટુ ફ્રેન્ડ્ઝ’ પત્ર લખ્યો હતો. કેનેડામાં અમારા તમામ મિત્રો અને સગાંસંબંધીઓમાં આ પ્રથમ લગ્ન હતા અને 575 આમંત્રિતો હતા ત્યાર લગ્ન સંબંધિત મોટા ભાગના કાર્યક્રમોના આયોજનોમાં અમારા તણાવને હળવો બનાવવા મિત્રોએ કેવી રીતે મદદ કરી હતી તેનું વર્ણન આ પત્રમાં કર્યું હતું.

ધ પામ બીચ પોસ્ટ, ફેલોરિડાના તંત્રીને જૂન 29, 1971ના રોજ ‘ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાના 4 જુલાઈના સ્વાતંત્ર્યદિને શુભેચ્છાઓ પાઠવે છે’ ના મથાળા સાથેનો પત્ર પાઠવ્યો હતો. વિદ્યાર્થી તરીકે ફ્લોરિડા આવ્યાના માત્ર ત્રણ મહિના પછી કોઈ પણ નોર્થ અમેરિકન ન્યૂઝપેપર્સમાં આ મારો પ્રથમ પત્ર હતો. જોકે, હું ભારતના ઈંગ્લિશ ન્યૂઝપેપર ઈન્ડિયન એક્સપ્રેસમાં વિવિધ રસના ઘણા વિષયો પર લખતો રહ્યો હતો.

મારો પ્રથમ પત્ર વાંચીને મારું બેન્ક એકાઉન્ટ હતું તે વેસ્ટ પામ બીચના ફર્સ્ટ ફેડરલ સેવિંગ્સ એન્ડ લોન એસોસિયેશને મને 30 જૂન 1971ના દિવસે પત્ર પાઠવી આપણા દેશને વિકાસ કરવામાં ભારતીય વિદ્યાર્થીઓ અને વિદેશના ઘણા લોકો દ્વારા કરાતી મદદની સરાહના કરી હતી.

હાલમાં UEFA યુરો કપ 2024 જર્મનીમાં યોજાયો છે તેમજ દર ચાર વર્ષે યોજાતી ઈન્ટરનેશનલ મેન્સ ચેમ્પિયનશિપ 2024 કોપા અમેરિકાનું 28મું વર્ષ ચાલી રહ્યું છે. કેનેડાના અલગ અલગ શહેરોમાં ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહેલા દેશોના પ્રશંસકો તેમના મૂળ વતનના દેશના ધ્વજ લહેરાવી રહ્યા હોવાના દૃશ્યો સામાન્ય છે અને આ બધા જ વફાદાર કેનેડિયન્સ પણ છે.

તમામ લોકો પર ઈશ્વરના આશીર્વાદ વરસે, સુરક્ષિત અને તંદુરસ્ત રહી ઉનાળાનો આનંદ માણો તેવી શુભેચ્છા.

મારખમ, ઓન્ટારિઓ, કેનેડા


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter