રેફરન્ડમ પછી હવે શું ?

Tuesday 05th July 2016 14:18 EDT
 

રેફરન્ડમ પછી હવે શું ?

‘આઉટ ઓફ ઈયુ’ તો જીતી ગયા, પરંતુ હવે શું? લાગણીભર્યા પોકળ દેશાભિમાનથી પ્રજામાં ભાગલા પાડી દીધા. અંધારામાં પથરો તો ફેંક્યો પણ એ પથરો ક્યાં પડશે અને એનાથી દેશને કેટલું નુકસાન થશે એનો ઊંડો વિચાર કર્યો લાગતો નથી.
‘ઉતાવળા સો બાવરા’ એવી પરિસ્થિતિનું સર્જન થઈ ગયું. દેશની પ્રજાએ ક્યાં સુધી આ
યાતનાઓ ભોગવવી પડે એ સવાલ હજી વણઉકલ્યો જ દેખાય છે.
પગલું તો ભરાઈ ગયું અને પ્રજાના માનસમાં વૈમનસ્ય ઊભું થઈ ગયું, એના પડઘા સ્કોટલેન્ડ અને ઉત્તર આયર્લેન્ડમાં કેવા પડશે એનો ખ્યાલ માત્ર ધ્રુજાવી દે એવો લાગે છે. આ કોકડું ઉકેલવું જરાય સહેલું નથી. બંને છૂટા પડી જાય એવી શક્યતા નકારી શકાય એમ નથી. સ્કોટલેન્ડ તો આમેય લાંબાગાળાથી છૂટા પડવા થનગની રહ્યું છે અને કદાચ આમ બને તો આપણું યુનાઈટેડ કિંગ્ડમ, અનયુનાઈટેડ બનીને ઈંગ્લેન્ડ અને વેલ્સનું નાનું પરગણું બની જાય એવી સ્થિતિ ઊભી થાય તો નવાઈ નહીં. આ વણકલ્પિત પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે ‘પાણી પહેલાં પાળ’ બાંધવી પડશે. આર્ટીકલ ૫૦ અખત્યાર કરતા પહેલાં ‘આઉટ’ અને ‘ઈન’ના વડાઓનું એક કમિશન નીમીને આ કોયડાનો તાકીદે ઉકેલ લાવવો એ જ હિતાવહ છે.
હજી તો આપણે લોકશાહીનો વિચાર કરીને માત્ર પ્રજાના વિચારો જાણી લીધા છે. એમાં ઈયુને કાયદેસર જવાબ આપી દીધો નથી. આપણા હાલના પીએમ રાજીનામું આપે તે પહેલાં જ આ પગલું ભરવું હિતાવહ જણાય છે. દેશ અને પ્રજાના હિતમાં જે કંઈ કરવું પડે એવો વચલો માર્ગ શોધી કાઢીને એનો તુરંત અમલ કરવો કે જેથી આ પરિસ્થિતિને વણસતી અટકાવી શકાય. હાલમાં જે ‘હેટ’નું વાતાવરણ ઊભું થયું છે એ પણ નિવારી શકાય.
- ડો. નગીનભાઈ પી. પટેલ, સાઉથ નોરવૂડ હીલ્સ

સ્વ. પંકજ ત્રિવેદીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

આપણા ‘ગુજરાત સમાચાર’ના તા 25 જૂનના અંકમાં આપની બહુજ લોકપ્રિય કોલમ ‘જીવંત પંથ’ પાન. ૧૪ ક્રમાંક ૪૫૧ વાંચીને ખૂબ જ ગૌરવ થયું. આપ ભારત બહારના દેશમાં અખબાર ચલાવો છો. છતાં તમે યુકે અને ભારતમાં પણ લગભગ દરરોજ કોઈને કોઈ કાર્યક્રમમાં વિવિધ રીતે હાજરી પુરાવો છો તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. આપ કાર પણ નથી ચલાવતા અને ટ્રેન તથા બસમાં મુસાફરી કરો છો.
આપના ખાસ મિત્ર સાથે કોઈને કોઈ પ્રવૃત્તિમાં જોડાતા જ રહો છો જેનો મને પણ અનુભવ થયો છે. આપે ગત તા 18 જૂને સાંજે મારા મોટાભાઈ વિનુભાઈને ત્યાં પંકજભાઈ ત્રિવેદીની 10મી પુણ્યતિથિમાં હાજર રહીને પ્રવચન આપ્યું તે બદલ આપનો હ્ર્દયપૂર્વકનો આભાર માનું છું. આદરણીય ગુણવંતભાઈ શાહે વડોદરા પોતાના નિવાસ સ્થાનેથી વાત કરીને કાર્યક્રમમાં હાજર લોકોને સંબોધ્યા હતા અને આ સદીમાં ધાર્મિક શહીદીને વરેલા પંકજભાઈની શહાદતને ખૂબ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમ જ અમદાવાદથી પધારેલા મહેન્દ્રભાઈ વ્યાસે પણ પંકજભાઈને યાદ કરીને પોતાના અનુભવો લોકો સમક્ષ વર્ણવ્યા હતા. અમેરિકાથી યુવક માનવ શાહે ખૂબ જ ભાવુકતાથી પંકજભાઈને ભાવપૂર્વકની શ્રદ્ધાંજલિ આપી હતી.
- ભરત સચાણીયા, લંડન

‘એકીકરણના પડકારો’ લેખ ખૂબ ગમ્યો

તા.૨ જુલાઈના ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના અંકમાં ‘એકીકરણના પડકારો’ વિષય પરનો લેખ વાંચવાની ખૂબ મજા આવી. આટલા સરસ લેખ બદલ હું આપને અભિનંદન પાઠવું છું. બ્રિટન ઈયુમાં કેવી રીતે અને કયા વર્ષમાં જોડાયું તથા ભારતને અખંડ રાખવા કેવા પડકારો હતા તેની વિગતો ખૂબ ગમી. સર વિન્સ્ટન ચર્ચિલ અને ચાણક્યના ઉલ્લેખ સાથેની વિગતોવાળો આ લેખ ખૂબ જ રસપ્રદ અને માહિતીસભર હતો. લેખમાં અન્ય મહત્ત્વની ઘટનાઓ કયા વર્ષમાં ક્યારે બની તેની તવારિખ અને તેની ઐતિહાસિક ભૂમિકાની વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. ખૂબ સંશોધન બાદ તૈયાર કરાયેલો આ લેખ ખૂબ જ ગમ્યો.
- ચારુ જસાણી, ઈમેલ દ્વારા

‘જીવંત પંથ’ મેદાન મારી જાય છે

અમારા બંને સાપ્તાહિકો ગુજરાત સમાચાર અને એશિયન વોઈસનું લવાજમ રીન્યુ કરવા માટેનું ફોર્મ મળ્યું હતું. અમે આ બંને સાપ્તાહિકોનું બે વર્ષનું લવાજમ રીન્યુ કરવામાટે ચેક મોકલ્યો છે.
આ બંને સાપ્તાહિકોની અમે દર શુક્રવારે રાહ જોતા હોઈએ છીએ, કારણ કે આ બંને સાપ્તાહિકોમાં ભરપૂર વાંચન સામગ્રી પીરસાય છે એટલે દરેકને મનપસંદ વાંચન મળી જાય છે. તેમાંય ખાસ કરીને ‘જીવંત પંથ’ વિભાગ તો મેદાન મારી જાય છે, એટલે કે તેમાંથી ખૂબ ખૂબ જાણવા-સમજવાનું મળે છે. તેમાં ઘણી અગત્યની અને સચોટ માહિતી આપો છો તે વાંચીને ખૂબ જ સંતોષ થાય છે. તે સિવાય આરોગ્ય માટે પણ તમો ઘણી માહિતી આપો છો, અને તેમાંથી કોઈને માફક આવી જાય તો બેડો પાર થઈ જાય. તો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
બીજું, કે આ બંને સાપ્તાહિકોમાં ઘણા દેશોના મુખ્ય સમાચારો જાણવા મળે છે. તે સિવાય રમતગમત તથા સાહિત્ય અને ધાર્મિક બાબતો વગેરે ઘણું ઘણું જાણવા સમજવા મળે છે.
ખાસ લખવાનું કે આ બંને સાપ્તાહિકો સાથે તમો દર મહિને સરસ મજાના રંગીન અને ગ્લોસી પેપર પર છપાયેલા મેગેઝીનો આપના ગ્રાહકોને વિનામૂલ્યે મોકલો છો તથા વર્ષાન્તે બાર માસનું કેલેન્ડર જેમાં ગુજરાતીમાં તિથિ તથા ધાર્મિક તહેવારોની વિગત સાથે અંગ્રેજીમાં તારીખવાળું બંને ભાષામાં છપાયેલ વિગતવારનું કેલેન્ડર વિનામૂલ્યે આપના ગ્રાહકોને મોકલાવો છો તે બદલ આપનો તથા સારાયે સ્ટાફનો ખૂબ ખૂબ આભાર તથા ધન્યવાદ. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ આ રીતે પ્રગતિ કરતું રહે તેવું હંમેશા ઈચ્છીએ છીએ. ભૂલચૂક બદલ માફી ચાહું છું.
- દીપક તન્ના, પીનર

રેફરન્ડમનું સુંદર વિશ્લેષણ

શ્રી સી. બી. કુશળ હશો, આ વખતે તા. ૨ જુલાઈનું ‘જીવંત પંથ’ વાંચ્યું ખુબ મજા આવી. ખરેખર, ગુજરાત સમાચાર સિવાય અન્ય ક્યાંય રેફરન્ડમનું આટલું સંદર વિશ્લેષણ જોવા મળ્યું નથી. આગળના દિવસોમાં ખબર પડશે કે શું થશે? સમગ્ર વિશ્વમાં જાણે ભૂકંપ આવી ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. બ્રેક્ઝિટની તરફેણમાં ૫૧.૮૯ ટકા મતદારોએ જ્યારે ૪૮.૧૧ ટકા મતદારોએ રિમેઈન કેમ્પને મત આપ્યા હતા. આ ઉપરાંત પાન-૧૯ ઉપર શ્રી આનંદ પિલ્લાઈએ યુરોપિયન યુનિયન અને ભારતના સંદર્ભે એકીકરણના પડકારો વિશેનો લેખ પણ ખૂબ સુંદર લખ્યો છે.
આ સિવાયના અન્ય વિભાગોમાં જેવા કે બોલિવૂડ, મહિલા-સૌંદર્ય, દેશ-વિદેશ વિગેરેમાં આપેલા સમાચારો અને લેખો ખૂબ જ માહિતીપ્રદ અને ઉપયોગી છે. અમે કાયમ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ની રાહ જોતા હોઈએ છીએ. મારા સંતાનોને પણ હું આ બંને પ્રકાશનોમાં છપાયેલા લેખો અને સમાચારો બતાવતો હોઉં છું. પરમકૃપાળુ પરમાત્માને હું પ્રાર્થના કરું છું કે કાયમ આવી અમૂલ્ય સેવા આપતા રહેશો.
- મહેશ પટેલ, લેસ્ટર

દુઃખ અને સુખ

દુઃખ આવે તો સહી લેવું,
રડવાનું કંઈ નામ ન લેવુ,
દુઃખ પછી સુખ આવે છે,
એ મગજમાં ઉતારી લેવું... ૧
કરે જો સામનો હસીને દુઃખનો,
એ પાર ઊતરી જાય છે..
તકલીફમાં જે હારી જાય છે,
એવાને આપણે શું કહેવું... ૨
સુખમાં તો બધા જીવી જાય છે,
પણ દુઃખને જોઈ હિંમત હારી જાય છે.
ભાઈ સુખ-દુઃખ તો આવ્યા કરે,
‘અમીત’ સદાય હસતાં હસતાં જીવી લેવું... ૩
- અમૃતલાલ પી. સોની, ‘અમીત’, વેમ્બલી


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter